ખારાઘોડાની 23 હજાર એકર જમીનના એકમાત્ર માલિક દેશના રાષ્ટ્રપતિ છે !

ખારાઘોડાની 23 હજાર એકર જમીનના એકમાત્ર માલિક દેશના રાષ્ટ્રપતિ છે !
પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1 હજાર મકાનો મંજૂર પરંતુ
લોકો પાસે માલિકીની જમીન ન હોઇ ‘ઝાંઝવાના જળ’ !
આવાસ નિર્માણ માટે માગેલી 35 એકર જમીન અંગે કોઇ જવાબ દેતું નથી
 
ખારાઘોડા, તા. 11: કચ્છના નાના રણ કાંઠે આવેલા ખારાઘોડામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત એક હજાર જેટલા લાભાર્થીઓના મકાનો મંજુર કરવામાં આવ્યા છે. પરંતુ આ લાભાર્થીઓ પાસે પોતાની માલિકીની જમીન કે પ્લોટ ન હોવાથી લાભાર્થીઓ યોજનાથી વંચિત રહી જાય તેવો વિચિત્ર ઘાટ સર્જાયો છે.
દોઢસો વરસ પહેલા ખારાઘોડા ખાતે મીઠાનો વેપાર કરતા બ્રિટીશરોએ મીઠાની કંપની બનાવી ઝીંઝુવાડા સ્ટેટ પાસેથી કેટલીક જમીન ભાડેથી લઇ ત્રેવીસ હજાર એકર જેટલી જમીનમાં પોતાનો કારોબાર વિકસાવ્યો હતો. આઝાદી પછી બ્રિટીશ મીઠા કંપની પ્રિચાર્ડ સોલ્ટ વર્કસનું ભારત સરકારની હિન્દુસ્તાન સોલ્ટ વર્કસ લિમીટેડમાં રૂપાંતરણ થતાં તમામ સ્થાવર અને જંગમ મિલ્કતો અને જમીન હિન્દુસ્તાન સોલ્ટના ફાળે ગઇ હતી. એ વખતે આ તમામ જમીનના શેર બહાર પાડી તેના માલિક રાષ્ટ્રપતિને બનાવવામાં આવ્યા હતાં. આથી આજે પણ આ જમીનના શેર હોલ્ડર એકમાત્ર રાષ્ટ્રપતિ છે. આમ આ જમીનમાં વસેલું ગામ રાષ્ટ્રપતિની માલિકીનું કહી શકાય.
જોકે ખારાઘોડા ગ્રામ પંચાયતના જણાવ્યા પ્રમાણે રાજય સરકારે હિન્દુસ્તાન સોલ્ટ પાસે આવાસ નિર્માણ માટે પાંત્રીસ એકર જમીનની માંગણી કરેલી છે. પરંતુ હિન્દુસ્તાન સોલ્ટની વડી કચેરી જયપુર ખાતે અનેક વખતની રજૂઆતો પછી પણ કોઇ પરિણામ મળતું નથી. આમ દસ હજારની વસતીના આ ગામમાં વસતા લોકો પેઢી દર પેઢીથી વસતા હોવા છતાંય ગામતળ પંચાયતનું ન હોવાથી લોક કલ્યાણની કોઇપણ યોજના સાકાર થઇ શકતી નથી. સરકાર દ્વારા હિન્દુસ્તાન સોલ્ટ પાસેથી જમીન સંપાદીત કરી અને ગામતળ ગ્રામ પંચાયતને સોંપવું જોઇએ તેવી માંગ ઉઠવા પામી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer