લાઇફ કેર હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાત થતો’તો

લાઇફ કેર હોસ્પિટલમાં  ગેરકાયદે ગર્ભપાત થતો’તો
સરકારી દવાઓ પૈકીની સ્વાઇન ફલૂની દવા સિવિલમાંથી ચોરાઇ’તી: પિતાની ધરપકડ: કહેવાતા તબીબનો કબજો મેળવવા પ્રયાસ

રાજકોટ, તા. 11: અહીંના કુવાડવા રોડ પરની લાઇફકેર હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાત કરાતો હોવાનું ખુલ્યું છે. આ હોસ્પિટલમાંથી મળી આવેલ સરકારી દવાઓ પૈકીની સ્વાઇન ફલૂની દવા સિવિલ હોસ્પિટલમાંથી તફડાવવામાં આવ્યાનું ખુલતા સિવિલના પૂર્વ કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે જેલમાં રહેલા તેના કહેવાતા તબીબ પુત્ર શ્યામ રાજાણીનો કબજો મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
લાઇફકેર મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલમાં આસીસ્ટન્ટ તરીકે નોકરી કરતાં સુત્રાપાડાના મયુર ઉર્ફે માનસીંગ રાજાભાઇ મોરીનું અપહરણ કરીને બેફામ માર મારવા અંગે થયેલી ફરિયાદના પગલે પોલીસે લાઇફકેર હોસ્પિટલના તબીબ ડૉ. શ્યામ હેમંતભાઇ રાજાણી સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી હતી. શ્યામ રાજાણીની ડિગ્રી અંગેની તપાસમાં તેની પાસે કોઇ તબીબી પદ્દવી ન હોવાનું ખુલ્યું હતું. એટલુ જ નહીં પણ આ હોસ્પિટલમાંથી રૂ. 28 હજારની કિંમતની દવાનો સરકારી દવાનો જથ્થો મળી આવ્યો હતો. સરકારી દવા અંગેની તપાસમાં સ્વાઇન ફલૂ માટેની ટેમીફલૂ નામની દવાના બેંચ નંબરના આધારે તપાસ કરાતાં એ દવા  સરકારી હોસ્પિટલને ફાળવવામાં આવ્યાનું અને સરકારી હોસ્પિટલમાં અગાઉ નોકરી કરતા અને થોડા મહિના પહેલા જ નિવૃત્ત થયેલા કહેવાતા તબીબ શ્યામ  રાજાણીના પિતા હેમંત રાજાણીએ ટેમીફલૂ દવાના જથ્થાની ચોરી કરી કે કરાવી હોવાનું બહાર આવ્યું હતું. આ વિગતના આધારે પોલીસે હેમંત રાજાણીની ધરપકડ કરી હતી. લાઇફકેર હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાત કરાવવામાં આવતો હોવાનું ખુલ્યું છે. આ હોસ્પિટલમાં આસીસ્ટન્ટ તરીકે નોકરી કરતાં મયુર ઉર્ફે માનસીંગ મોરીએ તેના મોબાઇલ ફોનની ગેરકાયદે ગર્ભપાત કરાવાતો હોવાના ફોટા પાડી લીધા હતાં. આ ફોટા મેળવવા અને મોબાઇલ ફોનમાંથી એ ફોટા ડિલીટ કરાવવા માટે પણ મયુર ઉર્ફે માનસીંગ મોરીનું અપહરણ કરીને બેફામ માર મારવામાં આવ્યા હોવાનું તારણ છે.
સિવિલ હોસ્પિટલમાંથી ચોરાયેલી દવા સાથે હેમંત રાજાણી ઉપરાંત  અન્ય કયા કયા કર્મચારીની સંડોવણી છે? દવા ચોરીમાં કોણે મદદ કરી હતી? તેના સહિતની વિગતો મેળવવા માટે હેમંત રાજાણીને રિમાન્ડ પર મેળવવા પ્રયાસ શરૂ કરાયા છે. સરકારી દવા અને તેની ચોરી અંગે નોંધાયેલા ગુનામાં હેમંતના કહેવાતા તબીબ પુત્ર શ્યામ રાજાણીનો જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટના આધારે કબજો મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer