જયંતી ભાનુશાળીની હત્યા મુંબઇ-પુનાના શાર્પશૂટરે કરી’તી

જયંતી ભાનુશાળીની હત્યા  મુંબઇ-પુનાના શાર્પશૂટરે કરી’તી
મુંબઇ-પુનાના શાર્પશૂટર શેખર અને સુરજીત ભાઉના નામ ખુલ્યાં: ભાનુશાળીની મહિલા મિત્ર મનિષાની શોધખોળ

અમદાવાદ, તા. 11: કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના પૂર્વ ઉપપ્રમુખ જયંતી ભાનુશાળીના હત્યારાની ઓળખ થઇ ગઇ છે. મુંબઇ અને પુનાના શેખર અને સુરજીત ભાઉ નામના શાર્પશૂટરે ગોળી મારીને હત્યા કર્યાનું સપાટી પર આવ્યું છે.તેના પગલે પગેરૂ મુંબઇ-પુના સુધી પહોંચ્યું છે.  ભેદી સંજોગોમાં ગુમ થઇ ગયેલી ભાનુશાળીની પૂર્વ મહિલા મિત્ર મનિષા ગોસ્વામીની પણ પોલીસે શોધખોળ શરૂ કરી છે.
ચાર દિવસ પહેલા ભુજથી અમદાવાદ સયાજીનગરી એકસપ્રેસ ટ્રેનના એસી કોચમાં મુસાફરી કરી રહેલા જયંતી ભાનુશાળીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ખાસ ટીમ (સીટ) દ્વારા જુદા જુદા એંગલથી તપાસ શરૂ કરવામાં આવી હતી. હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસ દ્વારા રેલવે સ્ટેશન સહિતના વિસ્તારમાંથી સીસીટીવી કેમેરાના ફૂટેજ એકત્ર કરવામાં આવ્યા હતાં. આ ફૂટેજના આધારે હત્યારાઓની ઓળખ થઇ હોવાનું સપાટી પર આવ્યું છે. મુંબઇ-પુનાના શાર્પશૂટર શેખર અને સુરજીત ભાઉએ સોપારી લઇને હત્યા કર્યાનું બહાર આવ્યું છે. આ બન્નેને ઝડપી લેવા માટે ક્રાઇમ બ્રાંચ, એટીએસ અને સીઆઇડી ક્રાઇમની સંયુકત ટીમ દ્વારા મુંબઇ-પુના સુધી તપાસ લંબાવવામાં આવી છે. આ ખૂનમાં બે ઓટોમેટીક પિસ્તોલનો ઉપયોગ થયો છે. આ હત્યામાં એક મહિલાની પણ સંડોવણી હોવાનું સમજાય છે.પોલીસની તપાસમાં હત્યાના સાત દિવસ પહેલાથી અસંખ્ય સ્થળના  સીસીટીવી કેમેરાના ફૂટેજ લેવામાં આવ્યા હતાં. આ ઉપરાંત ઘટના પહેલા અને ત્યારબાદના પણ ફૂટેજ જોવામાં આવ્યા હતાં. તા. 3ના રોજ કેટલાક અજાણ્યા માણસો સાથે ભુજ આવેલી ભાનુશાળીની પૂર્વ મહિલા મિત્ર મનિષા તેનો મોબાઇલ ફોન કરીને એકાએક ગાયબ થઇ ગઇ છે.તેની શોધખોળ ચાલે છે.ભાનુશાળીની હત્યા માટે તેની નજીકની કોઇ વ્યક્તિએ ટીપ આપી હોવાનું અને ભાનુશાળી કઇ ટ્રેનમાં, કયા કોચમાં મુસાફરી કરી રહ્યા છે તેની માહિતી પૂરી પાડવામાં આવ્યાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.
આ કેસની તપાસ કરી રહેલી પોલીસે કચ્છના મોટા કારોબારી જૂથના જયંતી ઠક્કર અને તેમના ભાગીદાર સીદ્દીક જુણેજાની પૂછપરછ હાથ ધરાતાં મોટા ખુલાસા થવાની શકયતાં છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer