પત્રકાર હત્યાકાંડ: ડેરા પ્રમુખ દોષી જાહેર

પત્રકાર હત્યાકાંડ: ડેરા પ્રમુખ દોષી જાહેર
વિશેષ CBI અદાલત દ્વારા 16 વર્ષ જૂના કેસનો ચુકાદો: 17 જાન્યુ.ના જાહેર થશે સજા

પંચકુલા તા.11: ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમસિંહ અને અન્ય 3ને અહીંની ખાસ સીબીઆઈ કોર્ટે,  પત્રકાર રામચંદર છત્રપતિની હત્યા સબબ આજે કસૂરવાન ઠરાવ્યા હતા. તેઓને અપાનારી સજા તા. 17મીએ સુણાવાશે એમ એજન્સીના ધારાશાત્રીએ જણાવ્યું હતું. અન્ય 3 કસૂરવાનો છે નિર્મલસિંહ, કુલદીપસિંહ અને ક્રિશન લાલ. દરમિયાન સિરસા, પંચકુલા અને આજુબાજુના પ્રદેશોમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે.  ચુકાદા સંદર્ભે આ કોર્ટ ફરતે પાંચસો સુરક્ષાકર્મીઓ તૈનાત કરીને અને ડ્રોન વાટે નિગેહબાની ગોઠવીને કોર્ટ ફરતે સુરક્ષા સઘન બનાવાઈ હતી. પંચકુલાની આસપાસના સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવાયો છે. અગાઉ સાધ્વીઓના યૌનશોષણના કેસમાં ગુરમીતને અપરાધી ઠરાવાયા બાદ તેના અનુયાયીઓએ પંચકુલા સહિત અનેક સ્થળોએ મચાવેલી તોડફોડ અને આગજની સહિતની હિંસાનું પુનરાવર્તન નિવારવા તંત્રે આ સાવધાની વર્તી છે.
હાલ રોહતકની સુનારીઆ જેલમાં બંદી ગુરમીત (પ1)વાયા વીડિયો કોન્ફરન્સિંગથી ચુકાદો સાંભળવા ‘હાજર’ કરાયો હતે. ’02ના આ હત્યા કેસમાં તેને ચાવીરૂપ કાવતરાખોર ઠરાવાયો છે. ’02માં પોતાના આશ્રમમાંની બે સાધ્વીઓ પરના બળાત્કારના અપરાધ સબબ ગુરમીત વીસ વર્ષની અપાયેલી જેલસજા ભોગવી જ રહ્યો છે. એ કેસ માટે તેને કોર્ટે કસૂરવાન ઠરાવ્યા બાદ  પંચકુલા અને ઉ.ભારતના કેટલાક હિસ્સાઓમાં તોફાનો ફાટી નીકળ્યા હતા.
ડેરાના સિરસામાંના વડામથકમાં સાધ્વીઓનું જાતીય શોષણ કઈ રીતે થતું આવ્યું છે તેનું નિરુપણ કરતો નનામો પત્ર, સિરસા સ્થિત પોતાના અખબાર પૂરા સચમાં પ્રકાશિત કર્યા બાદ તંત્રી રામચંદર પર ગોળીબાર થયો હતે. ગોળીબારમાં ગંભીર ઈજા થવાથી તેનું મૃત્યુ થયું હતું. ’03માં આ અંગે કેસ નોંધાયા બાદ ’06થી સીબીઆઈએ તપાસ હસ્તગત કરી હતી. મે ’18માં ગુરમીતના ડ્રાઈવર ખટ્ટાસિંહે,  રામચંદરની અને ડેરાના અનુયાયી રણજિત સિંહની હત્યાઓના કેસ સબબ જુબાની આપી હતી. ’02ની દસ જુલાઈએ રણજિત સિંહની હત્યા થવા પૂર્વે રામરહીમ સિંહ અને તેના મળતિયાઓ વચ્ચે થયેલી બેઠક વિશેની માહિતી પોતાની પાસે હોવાનું સિંહે ’07માં સીબીઆઈ સમક્ષ જણાવ્યુ હતું. તંત્રી રામચંદરની હત્યા કરવા ગુરમીતે તેના મળતિયાઓને દોરવણી આપ્યાની માહિતી પોતાની પાસે હોવા સિંહે દાવો કર્યો હતો.  ફેબ્રુ. ’12માં સીબીઆઈની કોર્ટમાં તે હોસ્ટાઈલ થયેલા સિંહે પછીથી જણાવ્યુ હતું કે ગુરમીત અને તેના ગુંડાઓની ધમકીના કારણે પોતે અગાઉ આપેલી જુબાની પોતે હવે ફેરવી રહ્યો છે. મૃતકના પુત્ર અંશુલ છત્રપતિએ કોર્ટમાં જણાવ્યુ હતું કે સાધ્વીએ તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને અનુલક્ષીને લખેલો પત્ર તેના પિતા રામચંદર છત્રપતિએ અખબારમાં છાપ્યો હતો.  સાધ્વીઓના યૌનશોષણ સબબ કાનૂની કારવાઈ સુનિશ્ચિત કરવા રામચંદરે સાધ્વીને વડા પ્રધાન ઉપરાંત સીબીઆઈ અને અદાલતોને ય આવો પત્ર મોકલવા સૂચવ્યું હતું. તે પછી રામચંદરને જાનથી મારી નાખવા ધમકીઓ મળવા લાગી. ’02ની 24 સપ્ટેમ્બરે પંજાબ-હરિયાણાની હાઈ કોર્ટે સંજ્ઞાન લઈ આ મામલાની જાંચ કરવા આદેશ આપ્યો હતો. તે પછી ’02ની 24 ઓકટોબરે રામચંદર પર ગોળીબાર થયા બાદ 21 નવેમ્બરે તેમણે છેલ્લા શ્વાસ લીધા. પુત્ર અંશુલે પિતાની હત્યાની તપાસ સીબીઆઈ દ્વારા થાય તેવી માગણી હાઈ કોર્ટમાં કરતા નવે. ’03માં કોર્ટે સીબીઆઈ દ્વારા તપાસનો આદેશ આપ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer