આરબીઆઇ સાથે મતભેદ હતા, ઝઘડો નહીં : જેટલી

આરબીઆઇ  સાથે મતભેદ હતા, ઝઘડો નહીં : જેટલી
નવી દિલ્હી, તા. 13 : આરબીઆઇના ગવર્નર પદે ઉર્જિત પટેલના રાજીનામાને લઇને નાણામંત્રી અરુણ જેટલીએ પહેલીવાર સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે. ઇન્ડિયા ઇકોનોમિક કોન્કલેવમાં જેટલીએ રિઝર્વ બેંકની સ્વાયત્તતા પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, અમુક મામલે સરકાર અને રિઝર્વ બેંકનો અભિપ્રાય ભિન્ન હતો પણ કોઇ ઝઘડો નહોતો.
રાહુલ ગાંધી દ્વારા આરબીઆઇના નવા ગવર્નર શક્તિકાંત દાસને ‘રબર સ્ટેમ્પ’ ગણાવવા પર જેટલીએ આપત્તિ વ્યક્ત કરીને વહીવટી અધિકારી રહેલા કેટલાય ગવર્નરોના નામ આપ્યા હતા. શું ઉર્જિતે સરકાર સાથે ટકરાવને લીધે રાજીનામું આપ્યું એવા સવાલના જવાબમાં જેટલીએ
કહ્યું હતું કે, રિઝર્વ બેંક આ દેશ માટે બહુ મહત્ત્વની છે. તેનું સન્માન કરવું જોઇએ. કારણ કે તેનાથી દેશને લાભ થાય છે. કોઇ મુદ્દે અલગ મત હોય એને ટકરાવ ગણાય નહીં. ભૂતકાળમાં પણ કેટલીય બાબતમાં સરકાર અને રિઝર્વ બેંક વચ્ચે મતભેદો હતા. એક મહત્ત્વપૂર્ણ સંસ્થા સાથે ચર્ચા કરવી અને અમુક જરૂરી વિષયો તરફ તેનું ધ્યાન ખેંચવું એ કોઇ સંસ્થાનને ખતમ કરવી કેવી રીતે બની ગયું ? દેશની પ્રગતિમાં અંતરાય બનતી બાબતોનો ઉકેલ લાવવા માટે આરબીઆઇને કહેવું એ ટકરાવ કેવી રીતે થઇ ગયો ?
જેટલીએ કહ્યું હતું કે, એ ભૂલજો નહીં કે દેશના પ્રથમ વડાપ્રધાને જવાહરલાલ નેહરુએ પણ આરબીઆઇના તત્કાલીન ગવર્નરને લખ્યું હતું કે દેશની આર્થિક નીતિ ચૂંટાયેલી સરકારો નક્કી કરે છે.

આરબીઆઇની આજે મહત્ત્વની બેઠક
મુંબઇ,તા. 13 : સ્વાયત્તતા અને અન્ય મુદ્દાઓ ઉપર કેન્દ્ર સરકાર સાથે મતભેદો વચ્ચે આવતીકાલે રિઝર્વ બેંકની સેન્ટ્રલ બોર્ડની બેઠક યોજાઈ રહી છે. આ બેઠક ઉપર કોર્પોરેટ જગત, શેરબજાર અને અન્ય તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. બોર્ડમાં આરબીઆઈના ગવર્નન્સ સ્ટ્રક્ચર પર ચર્ચા કરવા એક કમિટીની રચના કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. ઉપરાંત ફાઈનાન્સિયલ સિસ્ટમમાં લિક્વિડીટીની પરિસ્થિતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer