એમપીના નાથ કમલ, બે રાજ્યોમાં કશ્મકશ

એમપીના નાથ કમલ, બે રાજ્યોમાં કશ્મકશ

મધ્યપ્રદેશમાં કમલનાથ ઉપર કળશ ઢોળાયો
રાજસ્થાન અને છત્તીસગઢ માટે આજે જાહેરાત
 
આનંદ કે. વ્યાસ
નવી દિલ્હી, તા. 13 : ત્રણ હિન્દીભાષી રાજ્યોમાં વિજય મળ્યાના 48 કલાક બાદ હજી પણ કૉંગ્રેસ રાજ્યોમાં મુખ્ય પ્રધાન કોને બનાવવા એ મુદ્દે વિમાસણમાં છે અને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં અનુક્રમે સચીન પાઇલટ અને જ્યોતિરાદિત્ય સિંધિયાએ ખુલ્લેઆમ મુખ્ય પ્રધાનપદ માટે દાવેદારી કરી છે. જોકે રાહુલ ગાંધીની પસંદગી અશોક ગેહલોત અને કમલનાથની હોવાનું મનાય છે. ગાંધી પરિવાર સામે ખુલ્લેઆમ અસંતોષ પ્રગટ કરવાનો પ્રયાસ થતાં આવો અસાધારણ બનાવ ભૂતકાળમાં ક્યારે પણ જોવા મળ્યો નથી. આવું એટલા માટે બન્યું છે કે કૉંગ્રેસે આ ત્રણેય રાજ્યોમાં મુખ્ય પ્રધાનપદ માટેનો કોઈ ચહેરો જાહેર કર્યો નહોતો. આવું જ છત્તીસગઢમાં બની રહ્યું છે જ્યાં મુખ્ય પ્રધાનપદના દાવેદારો ભૂપેશ બઘેલ અને ટી. એસ. સિંઘ દેવ છે જેઓ ખુલ્લેઆમ એકબીજાને પડકારી રહ્યા છે. છત્તીસગઢના મુખ્યમંત્રીનું નામ આવતીકાલે જાહેર થશે એમ નક્કી થયું છે.
ગુરુવારની સવારથી જ કૉંગ્રેસ મુખ્ય પ્રધાનપદ મુદ્દે કોઈ સમાધાન કરી શકી નહોતી અને યુપીએનાં ચૅરપર્સન સોનિયા ગાંધીએ નવા મુખ્ય પ્રધાનોની પસંદગી મુદ્દે ચર્ચા કરવા રાહુલ ગાંધીના ઘરે જવું પડયું જ્યાં પ્રિયંકા ગાંધી વડરા પહેલેથી જ હાજર હતાં એના પરથી આ બાબતની ગંભીરતાનો ખ્યાલ
આવે છે.
રાહુલ ગાંધીએ રાજસ્થાનના મુખ્ય પ્રધાનપદ માટેના બે દાવેદારો અશોક ગેહલોત અને સચીન પાઇલટ સાથે અલગ-અલગ બેઠકો કરી હતી. આ ઉપરાંત કૉંગ્રેસપ્રમુખે મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાનપદ માટેના એક દાવેદાર જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે પણ બેઠક કરી હતી.
રાહુલ ગાંધી છત્તીસગઢના મુખ્ય પ્રધાનપદ માટેના ઉમેદવારો ભૂપેશ બઘેલ, ટી. એસ. સિંઘદેવ અને ઓબીસી નેતા તામ્રધ્વજ સાહુને અને પક્ષના પીઢ નેતા ચરણદાસ મહંતને પણ મળશે.
કૉંગ્રેસપ્રમુખ આ પદ માટે પક્ષના જમીની સ્તરના કાર્યકરોની પસંદ જાણવા તેમને પણ મળ્યા હતા. તેમણે આ રાજ્યોના કાર્યકરોને મુખ્ય પ્રધાનપદ માટેની તેમની પસંદગી અંગે ફીડબૅક આપવા પ્રિરેકર્ડેડ અૉડિયો-મેસેજ મોકલ્યો હતો.  ભૂપેશ બઘેલ અને ટી. એસ. સિંઘદેવના ટેકેદારો વચ્ચે છત્તીસગઢમાં ગુરુવારે જૂથબાજી જોવા મળી હતી. બન્ને જૂથો વચ્ચે અથડામણ પણ થઈ હતી.
રાજસ્થાનમાં પણ અશોક ગેહલોત અને સચીન પાઇલટના ટેકેદારોએ મુખ્ય પ્રધાનપદ માટે પોતપોતાના નેતાઓની તરફેણમાં નારેબાજી કરી હતી. આવું જ દૃશ્ય મધ્યપ્રદેશમાં જોવા મળ્યું હતું, જ્યાં કમલનાથના ટેકેદારો અને સિંધિયાના ટેકેદારોએ પોતપોતાના નેતાઓની તરફેણમાં નારેબાજી કરી હતી. પક્ષનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ગેહલોત અને કમલનાથની પસંદગી કરી લેવામાં આવી છે અને સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે, પરંતુ સચીન પાઇલટના ટેકેદારો શેરીઓમાં ધસી આવતાં પરિસ્થિતિ તંગ રહી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer