પોપટપરામાં કારના કાચ તોડતી ગેંગ ફરી ઝળકી : સ્કૂલ બસ અને બે કારમાં તોડફોડ

પોપટપરામાં કારના કાચ તોડતી ગેંગ ફરી ઝળકી : સ્કૂલ બસ અને બે કારમાં તોડફોડ
અઠવાડિયાં પહેલાં પણ ત્રણ કારના કાચ તોડયા હતા
રાજકોટ, તા. 6 : પોપટપરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે અલ્ટો કાર અને ઈટોસ કારના કાચ ફોડી નાખવામાં આવ્યાની ઘટના બની હતી. ઈટોસ કારના માલિક આસિફભાઈ અને અલ્ટો કારના માલિક મંજુબેને આ અંગે પોલીસમાં જાણ કરી છે. 
આ ઘટના બાદ પોપટપરા વિસ્તારમાં વધી રહેલા આ લુખ્ખાગીરીના બનાવોથી ત્રસ્ત લોકોએ પોલીસ અધિકારી સમક્ષ મદદ માટે રજૂઆત કરી હતી. લત્તાવાસીઓએ કરેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ, છેલ્લા ઘણા વખતથી આ વિસ્તારમાં લુખ્ખાઓનો ત્રાસ છે. દારૂ પીને લુખ્ખાગીરી કરતાં શખસો મોડી રાત્રે દરવાજામાં પથ્થરના ઘા કરે છે તેમજ દરવાજા ખખડાવીને નિંદ્રાધિન લોકોને પરેશાન કરે છે. સપ્તાહ પૂર્વે પણ ત્રણ કારના કાચ ફોડી નાખવામાં આવ્યા હતાં અને આજે ફરીથી એક સ્કૂલ બસ અને બે કારના કાચ ફોડી નાખવાની ઘટના બની છે. પોલીસ આ વિસ્તારમાં પેટ્રાલિંગ કરે તેમજ જેલ પાસે લગાડેલા સીસીટીવીના આધારે આ લુખ્ખા ટોળકીની ઓળખ કરી તેને સબક શીખડાવે તેવી લોકોએ માગ કરી હતી.
આ અગાઉ પણ કાલાવડ રોડ વિસ્તારમાં, રણછોડનગરમાં, પેડક રોડ ઉપર, લીંબુડી વાડી રોડ ઉપર એમ અલગ અલગ વિસ્તારમાં કારના કાચ ફોડવાની ઘટનાઓ બની ચૂકી છે. સીસીટીવીના આધારે પોલીસે આ ગેંગને ઝડપી લેવી જોઈએ, તેવી માગણી ઉઠી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer