મોંઘીદાટ શાળાઓની ફી રપ ટકા જેટલી ઘટશે

મોંઘીદાટ શાળાઓની ફી રપ ટકા જેટલી ઘટશે
સોમવારે એફઆરસી ફાઈનલ રીપોર્ટ આપશે: ધોળકિયા સહિતી સ્કૂલે ફી વધારી દેતા વાલીઓનો સંચાલકો સાથે હોબાળો
રાજકોટ, તા. 6:  ખાનગી શાળાઓના બેફામ ફી વધારાને કારણે વાલીઓને પોતાના સંતાનોને ભણાવવું મુશ્કેલ બની ગયું છે. ફી વધારા સામે વાલીઓની રજૂઆતોને કારણે રાજ્ય સરકાર દ્વારા ફી રેગ્યુલેશન કમિટી (એફઆરસી) બનાવવામાં આવી હતી. મંથરગતિએ કામ કરતી એફઆરસી મોડે મોડે પણ કેટલાક રાહત આપતા નિર્ણય લે તેવી સંભાવના જણાઈ રહી છે. રાજકોટની મોંઘીદાટ  શાળાઓની ફી ર0થી રપ ટકા સુધી ઘટે તેવી શક્યતા વ્યક્ત કરી એફઆરસી સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે આ અંગેનો રીપોર્ટ સોમવાર સુધીમાં જાહેર થઈ જશે.
સૌરાષ્ટ્ર ઝોનની એફઆરસી દ્વારા 80 ટકા જેટલું કામ પુરું કરવામાં આવ્યું છે. તેમજ તગડી ફી વસૂલતી એસ એન કણસાગરા, ધોળકિયા, મોદી, માસૂમ સ્કૂલ વગેરેની ફીમાં ર0થી રપ ટકા જેટલો ઘટાડો સૂચવવામાં આવે તેવો રીપોર્ટ તૈયાર થતો હોવાનું અંતરંગ વર્તૂળોમાંથી જાણવા મળ્યું છે.
દરમિયાન દિવાળી વેકેશન પછી બીજું સેમેસ્ટર શરૂ થતાની સાથે જ સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોની ફી વધારવાની વૃતિ સામે આવી રહી છે. યુનિવર્સિટી રોડ પર આવેલી ધોળકિયા સ્કૂલમાં વર્ષની શરૂઆતમાં આઠમા ધોરણના વિદ્યાર્થીઓના વાલીઓને 36 હજાર ફી જણાવવામાં આવી હતી. વેકેશન પછી બીજા સેમેસ્ટરની ફી ભરતી વખતે એકાએક ફીનો 4ર હજારનો આંકડો વાલીઓને જણાવવામાં આવતા વાલીઓ ચોંકી ગયા હતા. આ મુદ્દે બે દિવસથી શાળા સંચાલકો સાથે વાલીઓ માથાકૂટ કરી રહ્યા છે. તેમાં પણ આક્રોશ સાથે રજૂઆત કરે તેવા વાલીઓની ફી જૂના સ્લેબ પ્રમાણે વસૂલવાની બાંયધરી શાળા સંચાલકો આપતા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.
આ એક જ શાળાનો પ્રશ્ન નથી. સેલ્ફ ફાયનાન્સ સ્કૂલોએ જ્ઞાનના મંદિરને પૈસો કમાવવાનું માધ્યમ બનાવી દીધું હોવાથી આવી ઘટના અન્ય ખાનગી સ્કૂલોમાં પણ બની રહી છે. ત્યારે ફી રેગ્યુલેશન કમિટીના રીપોર્ટ પર વાલીઓની આશા બંધાણી છે. આ રીપોર્ટ આવે ત્યાં સુધી વાલીઓએ ધીરજ ધરવી જરૂરી બની છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer