તન-મન-ધને સુખી થાવ એવી અંતરની ઈચ્છા છે: મહંતસ્વામી
રાજકોટ, તા. 6: રાજકોટના સીમાડે મોરબી હાઈવે પર આયોજિત પ્રમુખસ્વામી મહારાજના 98મા જન્મજયંતિ મહોત્સવ નિમિતે્ ઉભા કરાયેલા સ્વામીનારાયણ નગરની મુલાકાતે દરરોજ હજ્જારોની સંખ્યામાં ભાવિકો આવે છે. ત્યારે પ્રમુખ સ્વામીના જન્મોત્સવનો હેતુ એ ગુરૂ ભક્તિનો ઉત્સવ છે તેમ પ્રમુખસ્વામી મહારાજ સાથે વિચરણ કરનાર અને હવે મહંત સ્વામી સાથે વિચરણ કરતા આત્મસ્વરૂપ સ્વામીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજે વિશ્વમાં જે કાર્ય કર્યું તે નવાજવા માટેનો આ ઉત્સવ છે.
દરમિયાન દેશ-વિદેશમાં જે લાખો ભાવિકો રાજકોટ ખાતે આયોજીત મહોત્સવને માધ્યમો-અખબારો થકી માણી રહ્યા છે તેનો યશ પત્રકારોને આપી, મહંતસ્વામીએ આજે પત્રકારો, ફોટોગ્રાફરો, ઈલેક્ટ્રોનિક મીડિયાના રિપોર્ટર તેમજ કેમેરામેન સાથે રૂબરૂ થયા હતા. તેમજ દરેક ઉપસ્થિતોને ‘તન-મન-ધનથી સુખી થાવ’ એવા અંતરના આશીર્વચનો પાઠવ્યા હતા. નોંધનીય છે કે 8પ વર્ષની જૈફ વયે પણ તેઓ મહોત્સવમાં સતત કાર્યશીલ રહે છે.
આ તકે પ્રમુખસ્વામીના ગુણમહિમાનો ચિતાર આપવામાં આવ્યો હતો. પાંચ ચોપડી સુધી ભણેલા પ્રમુખસ્વામી પાસે 46 ડિગ્રી ધરાવતા મિસાઈલમેન, સાયન્ટીસ્ટ ડે અબ્દુલ કલામ ઝુકતા એ તેમના સંતત્વનું પ્રમાણ હતું. લંડનના પ્રિન્સ ચાર્લ્સે 1997માં પ્રમુખસ્વામીને પૂછ્યું હતું કે તમારા વારસદાર કોણ ? ત્યારે સ્વામીબાપાએ ભગવાનમાં દ્રઢ શ્રધ્ધાનો પરચો આપતા જણાવ્યું હતું કે ‘વખત આવ્યે ભગવાન જવાબ આપશે’. એ જવાબ સાંભળી તેમજ પ્રમુખસ્વામીના અહમ રહિત આચરણથી પ્રિન્સ ચાર્લ્સ પણ અભિભૂત થઈ ગયા હતા.
મીડલ ઈસ્ટના અબુધાબી જેવા રૂઢીચુસ્ત દેશનો રાજા જ્યારે કરોડો-અબજો રૂપિયાની 30.4 એકર જમીન સ્વામિનારાયણ મંદિરના નિર્માણ માટે નિ:શુલ્ક ફાળવી આપતા હોય એ પ્રમુખસ્વામી મહારાજના સંતત્વ થકી જ શક્ય બન્યું હોવાનું આત્મસ્વરૂપ સ્વામીએ જણાવ્યું હતું. આ તકે રાજકોટ બીએપીએસ મંદિરના વડા અપૂર્વમૂનિ સ્વામીએ કહ્યું હતું કે રાજકોટ શહેર સદભાગી બન્યું છે કારણકે એક જ મહોત્સવમાં પ્રમુખસ્વામીનો બે વખત જન્મદિવસ આવે છે. આવતીકાલ તા. 7મી ડિસેમ્બરે અંગ્રેજી તારીખ પ્રમાણે તેમનો જન્મદિવસ છે. આ તકે 400 ગરીબ દર્દીઓ માટે નિષ્ણાત ડોક્ટરો નિ:શુલ્ક ઓપરેશન કરી આપશે. જ્યારે તિથી પ્રમાણે માગસર સૂદ આઠમના રોજ તેમનો જન્મદિવસ ઉજવવામાં આવશે.
પ્રમુખસ્વામીનો જન્મોત્સવ એ ગુરૂ ભક્તિનો ઉત્સવ
