સંયમ પ્રાગટયના ભાવ માત્ર સત્યની સમજ છે : નમ્રમુનિ

સંયમ પ્રાગટયના ભાવ માત્ર સત્યની સમજ છે : નમ્રમુનિ
દીક્ષાર્થીની તુલાવિધિ કરાઇ
આજે સ્નેહબંધન, દીકરી વ્હાલનો દરિયો કાર્યક્રમ
રાજકોટ : ભાગવતી જૈન દીક્ષા મહોત્સવના પાંચમાં દિવસે શ્રી નમ્રમુનિ મહારાજની નિશ્રામાં દીક્ષાર્થીઓને ત્રાજવામાં તોલીને પરિગ્રહ તુલાવિધિએ ત્યાગ ધર્મની અતુલ્યતાના દર્શન કરાવ્યા હતા. ડુંગર દરબારમાં યોજાયેલા આ કાર્યક્રમ પૂર્વે મુમુક્ષુ ઉપાસનાબેન સંજયભાઇ શેઠના નિવાસસ્થાન ધર્માલયથી સંયમધર્મની અનુમોદના કરતી વિશાળ શોભાયાત્રા યોજાઇ હતી. રસ્તામાં ઠેર ઠેર દીક્ષાર્થીઓનું સન્માન કરાયા બાદ શોભાયાત્રા ડુંગર દરબાર પહોંચતા સંઘપતિ મહેન્દ્રભાઇ છબીલદાસ શાહ પરિવાર દ્વારા ગુરૂભગવંતના ઓવારણા, આવકાર બાદ સન્માન કરાયું હતું.
જંબુસ્વામીના કથાનાક આધારિત પ્રેરતાત્મક નાટિકા પરમના પંથે રજૂ થઇ હતી. દીક્ષાર્થીઓની તુલાવિધિ કરાઇ હતી. એક તરફ દીક્ષાર્થી બીજી તરફ પલડામાં ચાંદીની નાની મોટી ઇંટો, સાકરના પડા, જ્ઞાનના પુસ્તકો સહિતના પદાર્થો હતા. ગુરૂદેવે આ તકે કહ્યું કે દીક્ષા ગ્રહણ કરવાના કે, સંયમ પ્રાગટયના ભાવ માત્ર સત્યની સમજ છે. પરિગ્રહનો આજે છૂટી જતો એક અંશ પરિગ્રહના સમગ્ર વંશને છોડાવી દેતો હોય છે. તા.7ના મુમુક્ષુ બહેનો ભાઇને અંતિમવાર રક્ષાબંધન કરશે. ભાઇ-બહેનોના સંવાદની આપલે થશે. 3 કલાકે દીકરી વ્હાલનો દરિયો કાર્યક્રમ યોજાશે. મુમુક્ષુઓ વચ્ચેના સંવેદનશીલ દ્રશ્યો સાથે હૃદયસ્પર્શી કાર્યક્રમ યોજાશે. સાથે છાબ દર્શન પણ યોજાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer