ડિજિટલ વ્યવહારોમાં છેતરપિંડી ઉપર ગ્રાહકોની સુરક્ષા વધારતી રિઝર્વ બેન્ક

ડિજિટલ વ્યવહારોમાં છેતરપિંડી ઉપર ગ્રાહકોની સુરક્ષા વધારતી રિઝર્વ બેન્ક
ઓનલાઈન વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે ગ્રાહકોની સુરક્ષાનો દાયરો વધ્યો
 
મુંબઈ, તા. 6 : રિઝર્વ બેન્કે ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં થઈ રહેલી વૃદ્ધિને ધ્યાને લઈને યુઝર્સનો આત્મવિશ્વાસ વધારવા માટે સુરક્ષાની દિશામાં મહત્વના પગલા ભરવાનું એલાન કર્યું છે. સૌથી મહત્ત્વપૂર્ણ એવા એક નિર્ણયમાં ફર્જી ડિજિટલ ટ્રાન્ઝેક્શન થવા મામલે ગ્રાહકોની જવાબદારી ઘટાડવામાં આવી છે. બીજા એક નિર્ણયમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન માજ્ઞે ગ્રીવેન્સ રિડ્રેસલ મિકેનિઝમ લાગુ કરવામાં આવશે.
રિઝર્વ બેન્કના કહેવા પ્રમાણે જે ગ્રાહકો અનઓથોરાઈઝ્ડ ઈલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન અંગે સમય રહેતા જાણ કરશે તેઓને આવા ફર્જી વહીવટ માટે જવાબદાર ઠેરવવામાં આવશે નહી.  આ રીતે ગ્રાહકોને ઓનલાઈન અને ક્રેડિટ કાર્ડથી થતા વ્યવહારમાં છેતરપિંડીથી સુરક્ષા આપવામાં આવશે. આ ઉપરાંત છેતરપિંડીના કિસ્સામાં ગ્રાહકોને મળતી સુરક્ષાનો દાયરો વધારવામાં આવ્યો છે અને પ્રીપેડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ મારફતે થતા વ્યવહારને પણ સામેલ કરીને ગ્રાહકો ઉપરથી જવાબદારી હળવી કરી છે. આ મામલે ડિસેમ્બર મહિનાના અંતમાં રિઝર્વ બેન્ક પરિપત્ર જારી કરી શકે છે. આ અગાઉ રિઝર્વ બેન્કે કહ્યું હતું કે, જો ગ્રાહક છેતરપિંડીની જાણ ત્રણ દિવસની અંદર આપશે તો તેને જવાબદાર ઠેરવવામાં આવશે નહી. આવી રીતે સમયનો ગાળો વધતા ગ્રાહકોની પણ જવાબદારી વધારવામાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer