સૌ. યુનિ.ને ખેલાડીઓ માટે પ્રવેશમાં 10 ટકા અનામત રાખવા પ્રસ્તાવ

રજિસ્ટ્રાર માટે 17, પરીક્ષા નિયામક માટે સૌ. યુનિ.ને મળી 38 અરજી

રાજકોટ, તા. 6: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અત્યાર સુધી ખેલકૂદ અને ઈત્તર પ્રવૃત્તિમાં હોંશિયાર વિદ્યાર્થીને ખાસ પ્રોત્સાહન આપવામાં આવ્યું નથી. ત્યારે રમતગમત ક્ષેત્રે કોઈ વિદ્યાર્થી ડિસ્ટ્રિક્ટ અથવા સ્ટેટ લેવલે સફળતા પ્રાપ્ત કરી હોય તેવા વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ માટે 10 ટકા બેઠક અનામત રાખવામાં આવે તેવો પ્રસ્તાવ આજે યોજાયેલી સેનેટની બેઠકમાં સેનેટર ડો. તોસીફ પઠાણે રજૂ કર્યો હતો.
સેનેટ સભ્ય ડો. પ્રિયવદન કોરાટે રાત્રિ કેલેજો શરૂ કરવાની ભલામણ કરી હતી. તેમણે પ્રસ્તાવ કર્યો હતો કે રાજ્યમાં માત્ર દિવસ દરમિયાન જ કોલેજો ચલાવવામાં આવે છે. રાત્રિ કેલેજો ગુજરાતમાં ચલાવાતી નથી. વિશ્વના વિકસીત દેશો, મહારાષ્ટ્રમાં મુંબઈ યુનિવર્સિટી દ્વારા રાત્રિ કેલેજો ચલાવવામાં આવે છે. જેને કારણે શ્રમજીવી અને નોકરી-ધંધાને લીધે દિવસના અભ્યાસમાં નહીં જઈ શકતા વિદ્યાર્થીઓ રાત્રિ કોલેજમાં અભ્યાસનો લાભ લઈ શકે છે. આવા શુભ હેતુથી રાજ્યમાં સ્નાતક કક્ષાની રાત્રિ કેલેજો રાજ્યના શિક્ષણના વિશાળ હિતમાં શરૂ કરવા તેમણે રાજ્ય સરકારને ભલામણ કરવા સૂચવ્યું હતું.
 તેમણે પૂછેલા વધુ એક પ્રશ્નના જવાબમાં ખુલાસો થયો હતો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને સૌરાષ્ટ્ર બહાર ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયુટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ મુંબઈ, સરકારી કોલેજ દીવ, વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટયુટ ઓફ ફોરેસ્ટ દહેરાદુન, ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર, ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ ભોપાલ, સલીમ અલી સેન્ટર ફોર ઓર્નીથોલોજી એન્ડ નેચરલ હિસ્ટ્રી કોઈમ્બતુર મળી 6 સંસ્થાઓ સાથે જોડાણ છે. એમાં પણ વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટયુટ ઓફ ફોરેસ્ટ-દહેરાદુન સાથેના જોડાણથી ફોરેસ્ટ ઓફિસરોને તાલીમ બદલ બીએડ સમકક્ષ ડિગ્રી આપતી દેશભરમાં એકમાત્ર યુનિવર્સિટી બનવાનું ગૌરવ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પ્રાપ્ત થયું છે. કાર્યકારી અધિકારીઓના કાફલાથી ચાલી રહેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રજિસ્ટ્રારની જગ્યાઓ માટે 17 અને પરીક્ષા નિયામકની જગ્યા માટે 38 અરજીઓ મળી હોવાનું પણ આજની સેનેટની વાર્ષિક સભામાં બહાર આવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer