મોડાસા નજીકના જંગલોમાંથી સાગના વૃક્ષોનું ગેરકાયદે નિકંદન

લાખો રૂપિયાનો વેપલો
મોડાસા, તા.6: મોડાસા તાલુકાની ટીંટોઇ રેન્જમાં જંગલ વિસ્તારમાંથી બારોબાર કિંમતી સાગના વૃક્ષો કાપી સગે-વગે કરવાની ગેરકાયદેસર કાર્યવાહી ચાલતી હોવાની બુમ ઉઠી છે. જંગલની જમીનમાંથી કિંમતી સાગના વૃક્ષોનું નિકંદન કાઢીને બારોબાર વેંચવાની પ્રવૃત્તિએ માઝા મુકી હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.
ટીંટોઇ પંચાયતમાં આવેલા જંગલ ખાતાની જગ્યાના આસપાસના વિસ્તારોમાંથી તંત્રના જવાબદાર અધિકારીઓની મીઠી નજર હેઠળ કોઇ ગેંગ સક્રિય થઇને સાગી વૃક્ષોનું નિકંદન કાઢી રહી છે. ફોરેસ્ટ ઝોનમાંથી અને બિન ફોરેસ્ટ ઝોનમાં કિંમતી વૃક્ષો કાપી પહોંચાડવામાં કેટલાક જવાબદાર અધિકારીઓની મિલીભગતના પગલે માફિયાઓ બેફામ બન્યા હોવાની ચર્ચા ટીંટોઈ પંથકમાં ટોક ઓફ ધી ટાઉન બની છે.
કુશ્કી અને કુણોલના ત્રીભેટે આવેલા જંગલમાં વૈરય માતાનું અને નાની માતાનું પૌરાણિક મંદિર આવેલું છે. તેની આસપાસના વિસ્તારમાં સાગના લાકડા મૂળમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. કોઇ પુરાવા ન રહે તે માટે ખાડા પણ બૂરી દેવામાં આવ્યા છે. પરંતુ કેટલાક લાકડાના થર રહી જતાં સમગ્ર વાત બહાર આવી છે. જંગલમાંમાંથી પ્રતિબંધિત લાખોની કિંમતનું લાકડુ કપાઇ જાય અને ફોરેસ્ટ અધિકારી અજાણ હોય તે માનવામાં આવતુ નથી!
વૃક્ષો વાવો, હરિયાળી લાવો તેવા સૂત્રો પોકારાય છે પણ તેનો અમલ થતો નથી પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ જંગલમાં વૃક્ષો કાપીને વન વિસ્તારને ઘટાડવામાં  ભૂમિકા ભજવી રહ્યાં છે. કેટલીક વખત આવી લાકડા ચોરીઓને છૂપાવવા માટે જંગલમાં આગના બહાનાનો સહારો લેવામાં આવે છે તેવું પર્યાવરણ પ્રેમીઓમાં ચર્ચાઈ રહ્યું છે. વનવિભાગ મૌન ધારણ કરીને બેસી રહ્યું છે ત્યારે તાલુકામાં ચાલી રહેલા વૃક્ષોના નિકંદન મામલે જિલ્લા કલેકટરે પગલા ભરવા જોઈએ તેવી માંગણી ઊઠવા પામી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer