રવિવારે રાજકોટ, સુરતમાં દીક્ષા મહોત્સવ

રવિવારે રાજકોટ, સુરતમાં દીક્ષા મહોત્સવ
રાજકોટમાં બે દીકરીઓ, સુરતમાં સગા ભાઇ-બહેન સહિત ત્રણની દીક્ષા
રાજકોટ/સુરત, તા.6 : રાજકોટ અને સુરતમાં મુની ભગવંતોની નિશ્રામાં તા.9ના રવિવારે મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરતાં સંયમ જીવન અપનાવશે. જૈન સમાજમાં દીક્ષા લેનારાઓની સંખ્યા વધી રહી છે. ત્યારે યુવાનો સંસારની મોહમાયાને ત્યજીને સંયમજીવન અપનાવવા આગળ વધી રહ્યા છે.
રાજકોટમાં ધનાઢ્ય પરિવારની પુત્રી ઉપાસનાબેન શેઠ તથા આરાધનાબેન ડેલીવાળા શ્રી નમ્રમુની મહારાજની નિશ્રામાં રવિવારે દીક્ષા ગ્રહણ કરશે. નાગવતી દીક્ષા મહોત્સવનો પ્રારંભ થઇ ચૂકયો છે. દરરોજ ધર્મસભર કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ઉપાસનાબેન શેઠને માત્ર 7 વર્ષની વયે ગુરૂની પ્રસન્નતા પામવાના ભાવ જાગ્યા. ગુરૂના વ્યક્તિત્વમાં મહાપુરૂષના દર્શન થવા લાગ્યા. 22 વર્ષની વયે સાધક દશામાં ખેડેલા વૈભવ પ્રવાસમાં પણ વૈરાગ્યભાવ અકબંધ રહ્યો. હવે દીક્ષા લઇ રહ્યા છે.
આરાધનાબેન ડેલીવાળાએ બાળપણથી અજરામર જૈનશાળામાં જ્ઞાનાભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો. માત્ર 6 વર્ષની ઉંમરે સામાયિક સૂત્ર, 12 વર્ષની વયે જૈન આગમ શ્રી આવસ્યક સૂત્ર, 16 વર્ષે જૈન આગળ 10 વૈકાલિક સૂત્રના અધ્યયન 100 થી વધારે જૈન અવન કંઠસ્થ કર્યા છે. માત્ર 17 વર્ષની વયે સુખ-સમૃધ્ધિ, માતા-પિતા પરિવાર છોડી દીક્ષા લેશે.
બીજી તરફ સુરતમાં પણ કરોડપતિ પરિવાર ભરતભાઇના દીકરો, દીકરી પાલ વિસ્તારમાં બિરાજમાન આચાર્ય યશોધર્મસૂરિ મહારાજની નિશ્રામાં રવિવારે અડાજણના તાપી કિનારે લબ્ધિવિક્રમ રાજમંદિર ખાતે દીક્ષા લેશે. સંયમ જીવન અપનાવશે. ભરતભાઇના કહેવા મુજબ તેમના ગામમાંથી દરેક પરિવારનાં કોઇને કોઇ સભ્યએ દીક્ષા ગ્રહણ કરી છે. કરોડપતિ પરિવારમાંથી આવતા સંતાનોને દીક્ષા નહી લેવા માટે પરિવાર દ્વારા મોંઘીદાટ ચીજ વસ્તુઓ અને જે માગ તે લઇ આપવાનું કહેવા છતાં યશ અને આયુષી અને નવસારીની મોક્ષા વોરા દીક્ષા લેશે. આ દીક્ષા મહોત્સવ 4 દિવસ ચાલશે. આજે શુક્રવારે વરસીદાન યાત્રા યોજાશે. બેઠુ વરસીદાન મુમુક્ષુઓ કરશે. 8મીએ સત્સંગ અને વીસ સ્થાનક પૂજા સાંજે વાંદોળી અને મહાપૂજા રવિવારે આચાર્ય મહારાજની નિશ્રામાં ત્રણેય મુમુક્ષુઓની દીક્ષાવિધિ યોજાશે. મુમુક્ષુઓની અનુમોદના માટે મોટી સંખ્યામાં શ્રાવક, શ્રાવિકાઓ આવી રહ્યા છે.
 
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer