જામનગરમાં તરુણી ઉપર દુષ્કર્મ આચરનાર ભાઈને 10 વર્ષની જેલ

જામનગર, તા.6 : ગ્રેઈન મારકેટમાં વિસ્તારમાં કૌટુંબિક તરુણ બહેન ઉપર બળાત્કાર ગુજારી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવાના આરોપસર પકડાયેલા ભાઈને પોસ્કો કોર્ટે દશ વર્ષની જેલ સજા ભોગવવા અને રૂા.50 હજારનો દંડ ભરવા હુકમ કર્યો છે.
પાળિયા ફળીમાં રહેતા યાશીન હુશેનભાઈ શેખે 2015માં પોતાની 16 વર્ષની કુટુંબી બહેનને પાણી આપવાના બહાને પોતાના રૂમમાં બોલાવી તેના ઉપર બળાત્કાર ગુજાર્યો હતો અને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યું હતું.આ અંગે કોઈને કાંઈ કહીશ તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી.
આ અંગેનો કેસ ચાલી જતાં સરકારી વકીલ ધવલ વજાણીએ તથા મદદમાં રહેલા વકીલ એચ.એમ. ભટ્ટે રજૂ કરેલા પુરાવા તથા દશ સાક્ષીઓની જુબાની ધ્યાને લઈ પોસ્કો કોર્ટના સ્પેશિયલ જજ પી.સી. રાવલે યાશીન શેખને જુદી-જુદી કલમો હેઠળ 10 વર્ષની જેલ સજા ભોગવવા અને રૂા.50 હજારનો દંડ ભરવા હુકમ કર્યો છે.
જામનગરમાં અપમૃત્યુના 3 બનાવ
જામનગર, તા.6 : વંડાફળીમાં ઓમ મકાનમાં રહેતી પરિણીતા નિષ્પા ધ્રુવલભાઈ કેવલિવા (ઉ.28) એ પોતાના ઘેર કોઈ કારણસર ઝેરી દવા પી લેતા મૃત્યુ થયું હતું. પી.એસ.આઇ. ગામીતે તપાસ હાથ ધરી છે.
અપમૃત્યુ : જામજોધપુર તાલુકાના પરડવા વાડી નેશમાં રહેતો મહેશ હરીભાઈ ચૌહાણ (ઉ.25) વાડીમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતો હતો ત્યારે તેને ઝેરી અસર થઈ હતી. સારવારમાં લઈ જવાતા મૃત્યુ પામેલો જાહેર કરાયો હતો.
બસ અડફેટે મૃત્યુ : ધ્રોળના માણેકપર ગામે રહેતા ડાયાભાઈ વશરામભાઈ પટેલ (ઉ.60) પોતાના મિત્ર ધ્રોળની આનંદ સોસાયટીમાં રહેતા રાજમલસિંહ ભૂપતસિંહ જાડેજા (ઉ.87)ને મોટર સાઈકલ ઉપર બેસાડી જતા હતા ત્યારે મારકેટ યાર્ડ સામે એસ.ટી. બસની ઠોકર લાગતા રાજમલસિંહનું ગંભીર ઈજાના કારણે સ્થળ ઉપર જ મૃત્યુ નીપજયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer