પાળિયાદમાં મારૂતિનાં શોરૂમમાં તસ્કરો ત્રાટકયા : 8 લાખ રોકડની ચોરી

શોરૂમની બારી વાટે પ્રવેશેલા તસ્કરો લોખંડની તિજોરી તોડી રોકડ ઉસેડી ગયા: તપાસ શરૂ
બોટાદ, તા.6: બોટાદના પાળિયાદમાં યોગીનગર સ્થિત મારૂતિનાં શોરૂમમાં ગત મોડી રાત્રીનાં ત્રાટકેલા તસ્કરો લોખંડની તિજોરી તોડી રૂા.8 લાખ રોકડ ચોરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે. પોલીસે ડોગ સ્કવોડ, ફિંગર પ્રિન્ટ નિષ્ણાતો અને એફ.એસ.એલની મદદ વચ્ચે
તસ્કરોનું પગેરું મેળવવા કવાયત આદરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ પાળિયાદમાં યોગીનગરમાં આવેલ મારૂતિના એક શોરૂમમાં ગત મોડી રાત્રીનાં શોરૂમની બારી તોડી પ્રવેશેલાં તસ્કરોએ ખાંખાખોળા કર્યા બાદ શોરૂમની લોખંડની તિજોરીને નિશાન બનાવી, બળજબરીથી તોડી, રૂા.8 લાખ રોકડની ચોરી કરી નાશી છૂટયાં હતાં.
બનાવ અંગે શોરૂમના મેનેજર શક્તિભાઇ મુકુંદભાઇ રાણાએ પાળિયાદ પોલીસમાં ફરિયાદ કરતાં ફોજદાર એન.સી. સગર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર શોરૂમમાં સીસી કેમેરાનાં ફૂટેજમાં ત્રણ શખસોના ધૂંધળા ચિત્રો દેખાય છે. ડોગ સ્કવોડ, ફિંગર પ્રિન્ટ નિષ્ણાતો અને એફ.એસ.એલની મદદ વચ્ચે તસ્કરોના સગડ મેળવવા કવાયત આદરાઇ છે.
ચોરીની ઘટના બાબતે વધુ વિગતો આપતા શોરૂમનાં મેનેજર શક્તિ રાણાએ ‘ફૂલછાબ’ને જણાવ્યું હતું કે, દરરોજ સાંજના 7-30થી 8-00 દરમિયાન શોરૂમ બંધ કરી દેવાય છે. ગઇકાલે તેઓ રાત્રીના 10-30 વાગ્યા સુધી કામ સબબ શોરૂમ પર હતાં. અહીં વોચમેન પણ છે. પણ રાત્રીના 1-00 વાગ્યા પછી વોચમેનને ઉંધ આવી જતાં તસ્કરો આ વાતનો ફાયદો ઉઠાવી રૂા.8 લાખ ચોરી ગયા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer