પાટડીમાંથી અક્ષરજ્ઞાન વગરનો બોગસ તબીબ: માણાવદરમાંથી બે મહિલા ઝડપાઈ

પાટડીમાંથી અક્ષરજ્ઞાન વગરનો બોગસ તબીબ: માણાવદરમાંથી બે મહિલા ઝડપાઈ
નીમ હકીમ ખતરા એ જાન; 3 ઉંટવૈદ ઝડપાયા
હરસ, મસા, ભગંદરની સારવાર કરતો રાજસ્થાની શખસ તો વાંચી-લખી શકતો પણ નથી
માણાવદર પંથકનાં બે ગામોમાં ગૃહિણીઓ એલોપથી દવા ઇન્જેક્શનો આપતી હતી
 
વઢવાણ, માણાવદર, તા.6: સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ દિવસમાં બીજો બોગસ તબીબ ઝડપાયો છે. તો માણાવદર પંથકમાં ડિગ્રી વગર એલોપથી દવાઓ આપતી બે મહિલાઓ અલગ અલગ ગામોમાંથી મળી આવી હતી. બીમાર દર્દીઓના કથળેલા આરોગ્ય ઉપર અખતરા કરતા આવા ઉંટવૈદો ઝડપાતા ચકચાર જાગી છે.
ગ્રામ્ય વિસ્તારો અને અમૂક શહેરોમાં છાનાખૂણે કે પછી હોટલમાં રૂમ રાખીને પત્રિકાઓ છપાવી, જાહેરાતો આપી બોગસ તબીબો સારવારના નામે મોટો વેપાર કરતા હોવાની ઘટનાઓ અવાર નવાર બહાર આવતી હોય છે. જેમાં વધુ ચાર બોગસ તબીબોનો ઉમેરો થયો છે.
સુરેન્દ્રનગરની હોટલમાંથી બોગસ તબીબ ઝડપાયાને ત્રણ દિવસ થયાં નથી ત્યાં પાટડીના ગેસ્ટહાઉસમાં રોકાઇને અક્ષરજ્ઞાન વગરનો એક તબીબ હરસ, મસા, ભગંદર અને નપુંસકતાની સારવાર કરતો મળી આવ્યો છે.
જૈનાબાદ રોડ ઉપર ડોક્ટર હાઉસ સામે જ ક્રિષ્ના ગેસ્ટહાઉસના બીજા માળે આવેલા રૂમમાં રાજસ્થાનના ભીલવાડા ગામનો મુસ્તુફા પઠાણ નામનો ‘નીમ હકીમ’ ઝડપાયો હતો.
પાટડી તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર રાજકુમાર રમન, ડો.બી.કે. વાઘેલા, ડો.પરમાર સહિતનાઓએ પોલીસને સાથે રાખી આ શખસને ટેબલ પર ગોઠવેલી દવાઓ સાથે ઝડપી લીધો હતો. વાંચતા-લખતા આવડતું ન હોય આ શખસ રાજસ્થાનથી છાપેલા પ્રિક્રિપ્શન લાવી બધાને એક સરખા જ પ્રિક્રિપ્શન આપતો અને દવા ખરીદીને બતાવે ત્યારે દર્દીને પોતે લીધેલી 1 હજારની ડિપોઝિટ પરત કરતો હતો.
તપાસ ફી રૂ. પ0 લખીને દર્દીઓ પાસેથી 600થી 1000 રૂપિયા પડાવતો હતો. દરોડા દરમિયાન જ એક મહિલા તેણે આપેલા રૂ. 1000 પરત લેવા આવી હતી. આ સાથે જિલ્લામાં 3 દિવસમાં બે બોગસ તબીબ ઝડપાયા છે.
માણાવદર તાલુકાના હેલ્થ ઓફિસર જાવિયાએ જણાવ્યું હતું કે, તાલુકાના ઇન્દ્રા અને શેરડી ગામોમાં ડિગ્રી વગર એલોપેથિક સારવાર થતી હોવાની વિગતો મળી હતી.
આ બાબતી પરથી ઇન્દ્રા ગામે દરોડો પાડતા ત્યાં નેન્સીબહેન પટેલ દવા અને ઇન્જેક્શનના જથ્થા સાથે ઝડપાઇ હતી. તેણી ભીંડોરા, ગણા, ઇન્દ્રા ગામોમાં દવાઓ આપતી હોવાનું જાણવા મળ્યું હતું.
શેરડી ગામે પ્રફુલ્લભાઇ પરમારની પત્ની પ્રજ્ઞાબહેન પણ આ પ્રકારે જ ડિગ્રી વગર દવાઓ આપતી હોવાનું ઝડપાયું હતું. આમ માણાવદર તાલુકામાં પણ બોગસ બે તબીબ ઝડપાયા છે જે બન્ને મહિલા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer