હોટેલ સહિતના યુનિટોમાં દરરોજ 100 કિલોથી વધુ ઉત્પન્ન થતા કરચાનું બનાવવુ પડશે ખાતર

હોટેલ સહિતના યુનિટોમાં દરરોજ 100 કિલોથી વધુ ઉત્પન્ન થતા કરચાનું બનાવવુ પડશે ખાતર
સ્ટેન્ડિંગમાં મંજૂર દરખાસ્તનું ઉલ્લંઘન કરનારનું યુનિટ કરાશે સીલ
રાજકોટ, તા.16: રાજકોટમાં દરરોજ 100 કિલોથી વધુ ઓર્ગેનિક વેસ્ટ ઉત્પન્ન કરતી (બલ્ક વેસ્ટ ગાર્બેજ જનરેટર યુનિટ) હોટેલ્સ, રેસ્ટોરન્ટસ, જ્ઞાતિ-સમાજની વાડીઓ, કોમ્યુનિટી હોલ, પ્રાઈવેટ હોલ, પાર્ટીપ્લોટ, કેન્ટીન્સ, સોસાયટીઓએ પોતાના ઓર્ગેનિક વેસ્ટ (કચરો તેમજ એંઠવાડ)નું પ્રોસાસિંગ કરાવવાનું રહેશે અને તે પ્રોસાસિંગમાંથી ઉત્પન્ન થતું ખાતર પોતે જ રાખવાનું રહેશે. જો બલ્ક વેસ્ટ ગાર્બેજ જનરેટર યુનિટ પોતાના કચરાનું પ્રોસાસિંગ નહી કરાવે તો તેને દંડ કરવાની તેમજ જરૂર પડયે સીલ પણ કરવામાં આવશે.
રાજકોટ મહાપાલિકામાં આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2016 અંતર્ગત ત્રણ મહત્ત્વપૂર્ણ અરજન્ટ બિઝનેસ દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી. જેમાં મંજૂર કરાયેલી એક દરખાસ્ત અનુસાર હોટેલ-રેસ્ટોરન્ટસમાંથી નીકળતાં કચરાના નિકાલ માટે ડોરસ્ટેપ પ્રોસાસિંગ થઈ શકે તે માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે પ્રક્રિયાના અંતે પ્રતિકિલોદીઠ રૂા.8 પ્લસ જીએસટીના ભાવથી મોબીટ્રેસ રિ-સાઈકલ વેન્ચર્સ પ્રા.લિ.ને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.  દરરોજ 100 કિલો કે તેથી વધુનો કચરો ઉત્પન્ન કરતાં એકમોએ પોતાના કચરાનું પ્રોસાસિંગ કરી તેમાંથી ખાતર બનાવવાનું રહેશે. જો કોઈ એકમધારક ઈચ્છે તો પોતાની રીતે પ્રોસાસિંગ યુનિટ બનાવીને તેમાં પણ ખાતર બનાવી શકે છે. પરંતુ જો કોઈ એવું કરવા ઈચ્છતું ન હોય તો ઉપરોક્ત કંપની જે તે યુનિટમાંથી ઓર્ગેનિક વેસ્ટ લઈ તેના મોબાઈલ વાનમાં તેનું પ્રોસાસિંગ કરી આપશે અને પ્રોસાસિંગના અંતે ખાતર બને તે જે તે યુનિટ ધારકે રાખવાનું રહેશે. આ નિયમનું ઉલ્લંઘન કરનાર  સામે દંડ અને જરૂર પડયે મિલ્કત સીલ કરવા સુધીના પગલા લેવામાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer