મનપાની સ્ટેન્ડિંગમાં અધિકારીઓ માટે હા, કર્મચારીઓ માટે ના !

મનપાની સ્ટેન્ડિંગમાં અધિકારીઓ માટે હા, કર્મચારીઓ માટે ના !
સફાઇ કર્મચારીઓને રેગ્યુલર ગણવેશ આપવાનો ઠરાવ નામંજૂર અને આરોગ્ય અધિકારીઓની નિવૃત્તિ વય મર્યાદા વધારવાનો ઠરાવ તરત મંજૂર કરાતા ભારે ચર્ચા
મનપાની તિજોરીમાંથી થશે વાર્ષિક રૂ.15 કરોડનો ખર્ચ અને આવક માત્ર રૂ.6,000!
રાજકોટ, તા.16: આજરોજ મળેલી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ 42 ઠરાવ ઉપર ચર્ચા થઇ હતી. જેમાંથી 41 ઠરાવ મંજૂર થઇ ગયા હતા અને માત્ર એક ઠરાવ નામંજૂર કરવામાં આવ્યો હતો. એક માત્ર નામંજૂર કરાયેલો ઠરાવ મનપાના સફાઇ કર્મચારીઓને રેગ્યુલર ગણવેશ આપવા અંગેનો હતો. જેની સામે શહેરી વિકાસને લગતા ઠરાવો ઉપરાંત મનપાના આરોગ્ય શાખાના અધિકારીઓની નિવૃત્તિ વય મર્યાદા વધારવાનો ઠરાવ મંજૂર કરી દેવાતા રાજકોટ મહાનગરપાલિકામાં એસી ઓફિસોમાં બેસતા અધિકારીઓ માટે હા અને કામ કરતા કર્મચારીઓના હિત માટે ના હોવાના સૂર સંભળાઇ રહ્યા છે.
રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખાના આરોગ્ય અધિકારી, નાયબ આરોગ્ય અધિકારી તથા મેડિકલ ઓફિસરની નિવૃત્તિ વય મર્યાદા 58 વર્ષથી વધારીને 62 વર્ષ કરવાનો સ્ટેન્ડિંગમાં પસાર કરવામાં આવેલો ઠરાવ મંજૂર થઇ ગયો છે. જેની સામે મનપાના સફાઇ કર્મચારીઓને રૂ.1.84 કરોડના ખર્ચે રેગ્યુલર ગણવેશ આપવા અંગેનો ઠરાવ નામંજૂર કરવામાં આવ્યો છે અને આ માટે હવે નવેસરથી ભાવ મંગાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. પરંતુ અધિકારીઓની વય મર્યાદા વધારવા અંગે સ્ટેન્ડિંગમાં કોઇ વિચાર કર્યા વગર જ મંજૂરી આપી દેવાતા મનપામાં કર્મચારીઓના હિતને અધિર્કીઓ અને પદાધિકારીઓ ઓછુ ગાંઠતા હોવાની ચર્ચા થઇ રહી છે.
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગમાં વાર્ષિક રૂ.15,12,26,677ના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત વાર્ષિક રૂ.6000ની આવકના ઠરાવને મંજૂરી આપવામાં આવી છે. જેથી આગામી નાણાકિય વર્ષમાં શહેરી વિકાસને લગતી કામગીરી તથા તબીબી સહાય અને લીગલ ફીની કામગરીમાટે મનપાની તિજોરીમાંથી રૂ.15 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેમાં સૌથી વધુ ખર્ચ ડ્રેનેજના માટે રૂ.6.96 કરોડ અને રસ્તાના કામ માટે રૂ.5.95 કરોડ મંજૂર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વોટર વર્કસ શાખા માટે રૂ.73.27 લાખ, મહાત્મા ગાંધી મ્યુઝિયમના સંચાલન માટે રૂ.70 લાખ, પાઇપ ગટર નાખવા માટે રૂ.35.91 લાખ, પેવિંગ બ્લોક માટે રૂ.29.10 લાખ, તબીબી સહાય માટે રૂ.3.73 લાખ અને રાજ્ય કક્ષાની ચેસ ટુર્નામેન્ટના વિજેતાઓને રાજકોટ મનપા દ્વારા ઇનામ પેટે ચુકવવામાં આવેલા રૂ.2.21 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. રાજકોટ મનપાની તિજોરીમાં આ વાર્ષિક ખર્ચની સામે પેસેન્જર રીઝર્વેશન સિસ્ટમ (પીઆરએસ)માટે વેસ્ટર્ન રેલ્વેને ફાળવવામાં આવેલી જગ્યાના ભાડામાંથી વાર્ષિક રૂ.6000ની આવક થશે.
પ્રતિબંધિત પ્લાસ્ટિક મળે તો 1 હજારથી 2 લાખ સુધીનો દંડ
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મુખ્ય એજન્ડાની 42 દરખાસ્તો ઉપરાંત ત્રણ અરજન્ટ બિઝનેસ દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી. જેમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2016 અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા હદ વિસ્તાર માટે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ બાયલોઝ મંજૂર કરવામાં આવ્યા હતા.  રાજકોટ શહેરમાંથી 50 માઈક્રોનથી ઓછું પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવ્યે રૂા.1000થી 2 લાખ સુધીનો દંડ કરવાની જોગવાઈઓ સવાર્નુમતે મંજૂર કરવામાં આવી હતી.
ગાંધી મ્યુઝિયમના સંચાલનના ખર્ચ અંગે કોંગ્રેસનો વિરોધ
કોર્પોરેશનમાં આજે મળેલી સ્ટેન્ડીંગ કમિટિમાં ખર્ચાળ દરખાસ્તોનો વિરોધ થયો હતો. આ અંગે વોર્ડ નં.11ના કોર્પોરેટર ઘનશ્યામાસિંહ જાડેજાની યાદીમાં જણાવાયુ છે કે, ગાંધી મ્યુઝિયમના સંચાલન પાછળ રૂ. 70 લાખનો ખર્ચ કરવાને બદલે કોર્પોરેશને જાતે જ સંચાલન કરવુ જોઈએ અને ખોટા ખર્ચનો બોજો પ્રજાની તિજોરી પર નાખવો ન જોઈએ. આ ઉપરાંત શહેરના 6 બગીચાઓના નિભાવ પાછળ થયેલા કુલ રૂ.19.11 લાખના ખર્ચને અયોગ્ય ગણાવ્યો હતો.
આરોગ્ય અધિકારીઓની નિવૃત્તિ વય મર્યાદા વધારનારી રાજકોટ ત્રીજી મહાપાલિકા
આરોગ્ય શાખાના આરોગ્ય અધિકારી, નાયબ આરોગ્ય અધિકારી અને મેડીકલ ઓફિસરની નિવૃત્તિ વય મર્યાદા 58 વર્ષથી વધારીને 62 વર્ષ નિયત કરવાનો ઠરાવ આજે સ્ટેન્ડિંગમાં મંજૂર કરવામાં આવ્યો છે. ગુજરાતની આઠ મહાનગરપાલિકામાંથી સુરત અને અમદાવાદ મહાપાલિકાના આરોગ્ય શાખાના અધિકારીઓની નિવૃત્તિ વય મર્યાદા વધારવામાં આવી હતી. ત્યાર બાદ આજે રાજકોટ મનપાની આરોગ્ય શાખાના અધિકારીઓની વય મર્યાદા વધારાતા આ મામલે રાજકોટ ત્રીજી મહાપાલિકા બની છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer