નોટબંધીએ અર્થતંત્રને તૂટતા બચાવ્યું : ગુરુમૂર્તિ

નોટબંધીએ અર્થતંત્રને તૂટતા બચાવ્યું : ગુરુમૂર્તિ
મધ્યસ્થ બેન્કના બોર્ડની બેઠકના થોડા જ દી’ પૂર્વે આરબીઆઈ ગવર્નરને જાહેર ‘ઠપકો’

નવી દિલ્હી તા. 16:  આરએસએસના વિચારવાહક અને રીઝર્વ બેન્કના સ્વતંત્ર ડિરેકટર એસ. ગુરુમૂર્તિએ,  બેન્કના બોર્ડની બેઠક આડે થોડા જ દિવસ બાકી છે ત્યારે ઉર્જિત પટેલના વડપણ તળેની મધ્યસ્થ બેન્કની કેટલીક નીતિઓ પર પ્રહાર કર્યા છે તે કેન્દ્ર સરકાર અને આરબીઆઈ તેઓના મતભેદો ઉકેલવાથી હજી કંઈક છેટે હોવાનો નિર્દેશ કરે છે. અર્થતંત્રની સ્થિતિ વિશે વિવેકાનંદ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન યોજિત લેકચરમાં ગુરુમૂર્તિએ, સરકાર સંચાલિત બેન્કો માટે શાખ અંગેના નિયમો હળવા કરવા જેવા મુદ્દે સરકારની વલણને ટેકો આપ્યો હતો અને બેડ લોન્સ (માંડી વાળવી પડેલી લોનો) માટે ભંડોળ કોરાણે મૂકવાની નીતિ સબબ આરબીઆઈને દોષિત ગણાવી હતી. નરેન્દ્ર મોદીની નોટબંધી ન હોત તો ભારતનું અર્થતંત્ર તૂટી પડયું હોત એમ કહેતાં ગુરુમૂર્તિએ ઉમેર્યુ હતુ કે રીઅલ એસ્ટેટ અને સોનું ખરીદવા રૂ. પાંચસો અને રૂ. હજારની નોટો વપરાતી હતી.
આરએસએસ સંલગ્ન સ્વદેશી જાગરણ મંચના સહકન્વીનર ગુરુમૂર્તિએ મધ્યસ્થ બેન્કને  એવા સમયે જાહેરમાં ઠપકો આપ્યો છે કે જયારે સરકાર અને આરબીઆઈ વચ્ચે અનેક પ્રશ્ને વધતો જતા તનાવે અભૂતપૂર્વ દરાર ખડી કરી છે. મતભેદોના નિરાકરણ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગવર્નર ઉર્જિત પટેલ ગયા સપ્તાહે મળ્યા હતા, પરંતુ બેઉ પક્ષકારો હજી એકમેકથી અળગી જ રહેવા પામી છે.
મૂડી આપૂર્તિ ધોરણો જેવા નીતિવિષયક પગલા લેવામાં આરબીઆઈએ અંાધળુકિયા થઈ અમેરિકાને અનુસરવાનું ન હોય, કારણ કે ભારત એ જાપાનની પેઠે બેન્કપ્રેરિત અર્થતંત્ર છે, અમેરિકાની જેમ બજારપ્રેરિત નહીં એમ જણાવી ગુરુમૂર્તિએ ટકોર કરી હતી કે જયાં વ્યાપારધંધા શેરબજારમાંથી મૂડી ઉભી કરવાનું પસંદ કરે છે તેવા અમેરિકાથી વિપરિત ભારતમાં બિઝનેસોના ભંડોળો માટેનો મુખ્ય સ્રોત બેન્કો છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer