બ્રેક્ઝિટની વિષમ અસરો: થેરેસા મેની ખુરશી ખતરામાં?

બ્રેક્ઝિટની વિષમ અસરો: થેરેસા મેની ખુરશી ખતરામાં?
અવિશ્વાસના 16 પત્રો જાહેરમાં દાખલ થયા
લંડન તા. 16: બ્રેક્ઝિટના મામલે યુકેના વડા પ્રધાન થેરેસા મેની ખુરશી જોખમમાં આવી પડે તેમ છે: ઠરાવના વિરોધમાં બ્રેક્ઝિટ મંત્રી ડોમેનિક રાબ, ભારતીય મૂળના મંત્રી શૈલેષ વારા, પેન્શન મંત્રી ઈસ્થર મેકવે અને એક જુનિયર મંત્રી સહિત 4 મંત્રીઓએઁ રાજીનામા આપ્યા બાદ મેના નેતૃત્વ સામે સવાલ ઉઠી રહ્યા છે, બલકે આવતા સપ્તાહે (મોટા ભાગે મંગળવારે) તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ આવે તેમ છે. જો કે બદલાયેલી સ્થિતિમાં ય થેરેસા, બ્રેક્ઝિટ સમજુતીને લઈ પોતાની વલણ પર અફર રહ્યા છે. ઉકત મંત્રીઓનાં રાજીનામા પછી સર્જાયેલી પરિસ્થિતિનો સામનો કરવા તેમણે એલાન કરતા તેમણે જણાવ્યુ હતું કે મંત્રીઓના રાજીનામાંથી હું ખેદ અનુભવું છું પણ સમજુતી ય દેશ અને દેશના લોકોના હિતમાં છે.
યુરોપી સંઘ (ઈયુ)થી અલગ થવાની સમજુતીના ઠરાવના વિરોધમાં રાજીનામું આપવાની  શરૂઆત ઉત્તર આયર્લેન્ડની બાબતોના મંત્રી શૈલેષ વારાએ કરી હતી. તે પછી તરત બ્રેક્ઝિટ મંત્રી રાબે પણ રાજીનામાની જાહેરાત કરતા જણાવ્યુ કે સમજુતી દેશના હિતમાં નથી. તે બ્રિટનના સાર્વભૌમત્વ માટે ખતરો છે. ગઈ ચૂંટણીમાં દેશવાસીઓને કેટલાક વચનો આપ્યા હતા, તે જોતાં સમજુતીના ઠરાવનું હું સમર્થન કરી શકું તેમ નથી. વારાએ જણાવ્યું હતું કે આજનો દિવસ અમારા માટે દુ:ખદ છે, કારણ કે એવા દેશો દ્વારા તૈયાર નિયમો માનવાને બાધ્ય બની રહ્યા છીએ જેઓના દિલમાં અમારા બહેતર હિત માટે કોઈ જગ્યા નથી.
આ મંત્રીઓના રાજીનામા પછી થોડા જ સમય બાદ બ્રેક્ઝિટના પ્રબળ સમર્થક જેકબ રીસ-મોગે સંસદના નીચલા ગૃહ-આમસભા-માં મેના નેતૃત્વને સીધી પડકારી હતી. તે પછી તેમણે રૂઢિચુસ્ત પક્ષમાં મેના નેતૃત્વમાં અવિશ્વાસ દર્શાવતો પત્ર પણ સોંપ્યો હતો. થેરેસાની સરકારને સમર્થન આપી રહેલી ઉ. આયર્લેન્ડની ડેમોક્રેટિક યુનિયનિસ્ટ પાર્ટીએ સમજુતીથી ઉ. આયર્લેન્ડ સાથે કોઈ રીતે ભેદભાવ થશે તો સરકારને ટેકો પાછો ખેંચી લેવા ચીમકી આપી છે.
ઈયુમાંથી બ્રિટને અળગા થવા આડે હવે પાંચ મહિનાથી ય ઓછો સમય બચ્યો છે. પ્રસ્તાવિત સમજુતી પર અંતિમ મહોર લગાવવા માટે 2પ નવેમ્બરે ઈયુના નેતાઓની બેઠક થનાર છે. મંત્રીઓના રાજીનામા બાદ પાઉન્ડના દર પણ ઠીક નીચા ગયા છે.  દરમિયાન બ્રેક્ઝિટ સમજુતીને પોતાની અર્થવ્યવસ્થા માટે બહેતર હોવાનું જણાવનાર ફ્રાન્સ તેને સાચી ઢબે લાગુ કરવામાં આવે તેય જરૂરી ગણાવી તેના અમલીકરણ પર બારીક નજર રાખી રહ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer