રાજકોટથી પટોળા મોંઘા લાવજો

રાજકોટથી પટોળા મોંઘા લાવજો
પાટણ સાથે હવે રાજકોટના પટોળાને પણ મળ્યો ઋઊ ટેગ
હવે 187 દેશમાં પણ ગુંજશે રાજકોટના પટોળાનું નામ
 
કિશોર ડોડિયા

રાજકોટ,તા.16: ‘છેલાજી રે મારે હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો’ આ ગીત પાટણ અને તેના મોંઘા પટોળા યાદ અપાવે છે, અત્યાર સુધી પાટણ સાથે પટોળાનું નામ જોડાઈ ગયું હતું પરંતુ વર્ષ 2012થી લડત ચલાવતા રાજકોટના પટોળાના કારીગરો માટે એક સારા સમાચાર એ છે કે હવે પાટણથી જ નહીં રાજકોટ સાથે પણ પટોળા જોડાઈ ગયા છે અને આ માટે કેન્દ્ર સરકારે તેના પર મહોર પણ મારી દીધી છે.
આ અંગે રાજકોટ ડિસ્ટ્રીક્ટ વીવર્સ એસોસીએશનના અધ્યક્ષ ધનજીભાઈ જેરામભાઈ વાઢેરે એવું જણાવ્યું કે વિકસતા રાષ્ટ્ર સાથે આશરે એકાદ સદીથી રાજકોટ શહેર અને જિલ્લામાં બનતાં અને વિશ્વભરમાં ભાત પાડનાર પટોળા હવે માત્ર પાટણના જ નહીં પણ રાજકોટના પણ ગણાશે. રાજકોટ જિલ્લામાં બનતાં પટોળાને ભારત સરકારના જીયોગ્રાફિકલ ઇન્ડીકેશન રજીસ્ટ્રી વિભાગ દ્વારા ગઈ  તા.16 ઓક્ટોબરના રોજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. આ પ્રમાણપત્ર મળતા હવે પટોળાં પણ વિશ્વભરમાં રાજકોટના નામે ઓળખાશે.
સરકારનો જી.આઈ.ટેગ વિભાગ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન સાથે પણ સંકડાયેલો છે જેથી ભારત ઉપરાંત અન્ય 187 જેટલાં દેશમાં ‘રાજકોટના પટોળાં’નું નામ ગુંજતુ રહેશે.
રાજકોટ જિલ્લા અને શહેરમાં એક હજાર ઉપરાંત સુરેન્દ્રનગરમાં પટોળાં બનાવતા પાંચ હજાર જેટલાં કારીગરો છે, આ તમામને  રોજીરોટી ઉપરાંત વેપાર અને સ્કીલ ડેવલપમેન્ટની પણ વિશેષ તક સાંપડશે.
રાજકોટમાં વિરાણી હાઇસ્કુલ પાછળ સર્વોદય સોસાયટી પટોળાની બજાર તરીકે જાણીતી છે.આ ઉપરાંત પેડક વિસ્તારમાં પણ કારીગરો રહે છે.
વિકસતા યુગમાં પારંપરિક પટોળા સાથે હવે ફેન્સી પટોળા પણ બનતા થયા છે અગાઉના કેમિકલ રંગની સાથે આધુનિકતા સાથે ડાયરેક્ટ રંગનો પણ ઉપયોગ થવા લાગ્યો છે જેથી પટોળું સાંસ્કૃતિક વારસા સાથે આઘુનિક અને વિકસીત પણ બન્યું છે. રાજકોટ સહિત સુરેન્દ્રનગરમાં બનતા પટોળાની ઓછામાં ઓછી કિંમત નવ હજારથી એક લાખ સુધીની હોય છે.
પટોળા વિષે એક એવી કહેવત પણ છે કે ‘પડી પટોળે ભાત ફાટે નહીં પણ ફીટે પણ નહીં’.
 
 
અંબાણી પરિવારના લગ્નોત્સવમાં પણ રાજકોટના પટોળાં
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના મુકેશ અંબાણીને ત્યાં દીકરી ઈશાના લગ્ન આગામી તા.12મી ડીસેમ્બરના રોજ યોજાવાના છે, આ લગ્નોત્સવ પૂર્વેના એક પછી એક સેલિબ્રેશન ચાલુ થઈ ગયા છે, આ લગ્નોત્સવમાં યોજાનાર દાંડિયારાસમાં આવનાર તમામ મહેમાનો માટે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં બનતા પટોળા અને દુપટ્ટાનો ઓર્ડર આપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે આશરે ચારસો જેટલાં દુપટ્ટા આપવાના હોય આ માટે કારીગરોનો સંપર્ક સાધવામાં આવ્યો હોવાનું પણ વર્તુળોમાંથી જાણવા મળે છે એક દુપટ્ટો અને પટોળાની કિંમત આશરે એકાદ લાખ જેવી થાય છે, ગરબા રમવા આવનાર સેલિબ્રિટી મહેમાનોને દુપટ્ટો ભેટ આપવામાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer