કોડિનારની વિદ્યાર્થિનીનું એકતરફી પ્રેમના કારણે ખૂન કરાયાનો ઘટસ્ફોટ

કોડિનારની વિદ્યાર્થિનીનું એકતરફી પ્રેમના કારણે ખૂન કરાયાનો ઘટસ્ફોટ
 આરોપી શખસની ધરપકડ
કોડિનાર, તા. 7: અહીંના સ્ટેશનરીના વેપારી બિમલભાઇ ધનસુખભાઇ ઠકરારની ધો.11માં અભ્યાસ કરતી પુત્રી વિમાંશીનું એકતરફી પ્રેમના કારણે તિક્ષ્ણ હથિયારના ત્રણેક ડઝન ઘા મારીને ખૂન કરાયાનું ખૂલ્યું છે. પોલીસે કશ્યપ વિજયભાઇ પુરોહિત અને ધરતી જયપ્રકાશભાઇ ઉપાધ્યાયની ધરપકડ કરી છે.
સોમવારે રાતના વિમાંશી બહેનપણીને બુક દેવાના બહાને ઘેરથી નીકળ્યા બાદ ગુમ થઇ ગઇ હતી. ગઇકાલે સવારે બાપેશ્વર મંદિર પાસેનાં અવાવરું સ્થળેથી તેની લાશ મળી આવી હતી. તેના શરીર પર તિક્ષ્ણ હથિયારના ત્રણ ડઝનથી વધુ ઘા મારવામાં આવ્યાનું ખૂલ્યું હતું. વિદ્યાર્થિની વિમાંશી ઠકરારની લાશ ફોરેન્સિક પીએમ માટે જામનગર મોકલવામાં આવી હતી. પોલીસે મૃતકના મોબાઇલ ફોનના કોલ ડિટેઇલના આધારે તપાસ હાથ ધરી હતી અને સરદારમાં રહેતાં કશ્યપ વિજયભાઇ પુરોહિત અને ધરતી જયપ્રકાશભાઇ ઉપાધ્યાયની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી. પોલીસની પૂછપરછમાં એવી વિગત પ્રકાશમાં આવી હતી કે, કશ્યપ પુરોહિત મૃતક વિમાંશીને એક તરફી પ્રેમ કરતો હતો પરંતુ મૃતક તેને દાદ આપતી ન હતી અને તાબે થતી ન હતી. આથી તેને પતાવી દેવાનો પ્લાન બનાવ્યો હતો. આ પ્લાન પ્રમાણે મૃતકની બહેનપણી ધરતીએ ફોન કરીને તેને બોલાવી હતી. બાદમાં તેને અવાવરું સ્થળે લઇ જઇને તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. પોલીસે એ બંનેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ પર મેળવવા તજવીજ હાથ ધરી છે.
નોંધનીય છે કે, વિદ્યાર્થિની સાથે ગેંગ રેપ થયાની પણ શંકા વ્યકત કરાઈ રહી છે. આ અંગેનો ખુલાસો એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ થશે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer