દિવાળી ફળી : શેરબજારમાં તીવ્ર તેજી

દિવાળી ફળી : શેરબજારમાં તીવ્ર તેજી
રાજકોટ, તા.7: દિવાળી શેરબજાર માટે શુકનવંતી નીવડી હતી. સવા કલાકના મુહૂર્ત ટ્રેડિંગમાં સેન્સેક્સ અને નિફ્ટી તેજી નોંધાવવામાં સફળ થયા હતા. ઓટોમોબાઇલ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રના શેરોમાં લાવ લાવ રહેવાને લીધે સેન્સેક્સ આગલા દિવસથી 310 પોઇન્ટ ઉંચકાઇને 35,301ના સ્તરે ખૂલ્યો હતો. નિફ્ટી 66 પોઇન્ટના ઉછાળા સાથે 10,596ની સપાટીએ ખૂલ્યો હતો. સાડા છ વાગ્યે શેરબજાર બંધ થતા સેન્સેક્સમાં અંતે 245 પોઇન્ટના સુધારા સાથે 35,237 અને નિફ્ટીમાં 69 પોઇન્ટના સુધારા સાથે 10,599ની સપાટીએ બંધ થયો હતો.
મુહૂર્ત ટ્રેડિંગમાં ઓટો, ઓઇલ-ગેસ, રિયલ્ટી, એફએમસીજી શેરોમાં પણ ભારેખમ તેજી જોવા મળી હતી. સેન્સેક્સના સુધારામાં મહિન્દ્રા, તાતા મોટર્સ, ઇન્ફોસીસ, વેદાંતા, યસ બેંક, બજાજ ઓટો, આઇટીસી, હિરો મોટોકોર્પ અને મારુતિ સુઝુકી જેવા અગ્રણી શેરોમાં ચિક્કાર તેજી જોવા મળી હતી.
ગુજરાતની 28 કંપનીઓના શેરમાં રોકાણકારોને
80 ટકા સુધીની ખોટ
અમદાવાદ, તા.7: મંદીની અસર તળે ગુજરાત સ્થિત કંપનીઓએ મિશ્ર વળતર રોકાણકારોને આપ્યું છે. પાછલા એક વર્ષમાં ગુજરાતની આશરે 12 કંપનીઓએ શેરધારકોને ઉંચું વળતર આપ્યું છે પણ 28 જેટલી કંપનીઓ નકારાત્મક રહેવાથી શેરધારકોને નુકસાની ગઇ છે. પાછલા એક વર્ષમાં સેન્સેક્સ 7 ટકા વધ્યો છે છતાં ઘણી કંપનીઓએ નકારાત્મક વળતર આપ્યું છે.
ગુજરાત સ્થિત અને બીએસઇમાં લિસ્ટેડ એવી કુલ 40 કંપનીઓના દેખાવમાં 12 જેટલી કંપનીઓએ 3થી 90 ટકા વળતર પાછલી દિવાળીથી આજ સુધી આપ્યું છે. એમાં અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પાવર, ઝાયડસ વેલનેસ, ટોરેન્ટ ફાર્મા, અલેમ્બિક ફાર્મા અને ગુજરાત અંબુજા એક્સપોર્ટસ લિ. નો સમાવેશ થાય છે. અદાણીએ વિવિધ બિઝનેસમાં રિસ્ટ્રક્ચરિંગ
કર્યું હોવાથી કંપનીની નફાકારકતા વધી છે.
જોકે બીજી તરફ 28 જેટલી કંપનઓ એવી છેકે તેના વળતર 8થી 80 ટકા જેટલા નકારાત્મક રહ્યા છે. મનપસંદ બેવરેજીસમાં 80 ટકા, ઇન્ફીબીમમાં 67 ટકા અને નંદન ડેનિમમાં 60 ટકાનું નકારાત્મક રિટર્ન છે. એ ઉપરાંત અદણી ટ્રાન્સમિશન, અરવિંદ લી. અને સિન્ટેક્સમાં મંદી છે. વિદેશી રોકાણકારોની ભારે વેચવાલીનો ભોગ અનેક ક્રીપો બની છે. એમાં ગુજરાતની યાદી લાંબી છે. રૂપિયાની મંદીને લીધે સૌથી વધારે ફાયદો ફાર્મા કંપનીઓને થયો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer