PM અને CMની જવાનો સાથે દિવાળી

PM અને CMની જવાનો સાથે દિવાળી
અમદાવાદ/નવી દિલ્હી, તા.7: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિવાળીના પર્વ ઉપર ઉત્તરાખંડમાં જવાનો સાથે તહેવારની ઉજવણી કરવા માટે પહોંચ્યા હતા.  જેમાં વડાપ્રધાન મોદી હેલીપેડ ઉપર ઉતર્યા બાદ ચાલીને કેદારનાથ ગયા હતા અને ત્યાં જળાભિષેક કર્યો હતો. જ્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દિવાળી પર્વ બનાસકાંઠા જિલ્લાના નડાબેટ નજીક આવેલા ભારત-પાકિસ્તાન બોર્ડર પર બીએસએફના જવાનો સાથે મનાવ્યું હતું અને જવાનોને દિપાવલીની શુભેચ્છાઓ પાઠવી હતી.
 છેલ્લા બે વખતથી મોદી કેદારનાથમાં રૂદ્રાભિષેક કરે છે. ત્યારબાદ મંદિરની બહાર નિકળીને નંદીને પ્રણામ કર્યા હતા અને મંદિરની પરિક્રમા પણ કરી હતી. ત્યારબાદ નિર્માણકામની મુલાકાત  લીધી હતી. સેના પ્રમુખ જનરલ બિપિન રાવત સાથે ભારત-હર્ષિલ પહોંચેલા મોદીએ જવાનોને પોતાના હાથે મિઠાઈ ખવડાવી હતી. ભારતીય સશસ્ત્રદળના જવાનોને સંબોધિત કરતા મોદીએ કહ્યું હતું કે, સુદૂર બરફના પહાડો ઉપર ફરવ પ્રત્યે સમર્પણનો ભાવ પુરા દેશને શક્તિ આપે છે અને 125 કરોડ ભારતીયોના સપના અને ભવિષ્યને સુરક્ષિત કરે છે. આ સાથે પીએમએ વન રેન્ક પેન્શન, પૂર્વ સૈનિકોના કલ્યાણ સહિતની બાબતો ઉપર વાતચીત પણ કરી હતી.  કેદારનાથમાં અંદાજીત બે કલાક જેટલો સમય વિતાવ્યા બાદ વડાપ્રધાન ફરી દિલ્હી પરત ફર્યા હતા.
મુખ્યપ્રધાન વિજય રૂપાણી સવારે બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં નડાબેટ પહોંચ્યા હતા. પ્રારંભમાં બીએસએફના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્યપ્રધાને ભક્તિભાવ પૂર્વક નડેશ્વરી માતાજીના દર્શન અને પૂજા અર્ચના કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer