CJI ગોગોઈની કોલેજિયમે પરત મોકલ્યા 6 ન્યાયાધીશોના નામ

ઓરિસ્સા હાઈકોર્ટે આપેલા નામ માપદંડ ઉપર ખરા ન ઉતરતા હોવાથી ફેરવિચારણા
નવી દિલ્હી, તા. 7 : સુપ્રીમ કોર્ટની કોલેજિયમે ઓરિસ્સા હાઈકોર્ટમાં ન્યાયાધીશના રૂપમાં નિયુક્તિ માટે મોકલવામાં આવેલા આઠમાંથી 6 નામને પરત કર્યા હતા અને કહ્યું હતું કે, તેઓ વર્તમાન માપદંડ ઉપર ખરા ઉતરી રહ્યા નથી. ન્યાયાધીશના પદ ઉપર નિયુક્તિ માટે આ નામ હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટની કોલેજિયમ પાસે મોકલ્યા હતા. આ મામલે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતા કોલેજિયમના 31 ઓક્ટોબરના પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે, આઠમાંથી એક નામ ઉપર થોડા સમય બાદ વિચાર કરવામાં આવશે.
કોલેજિયમના અન્ય સભ્યોમાં ન્યાયમૂર્તિ મદન બી. લોકુર અને ન્યાયમૂર્તિ કુરિયન જોસેફ પણ સામેલ હતા અને ઓરિસ્સા હાઈકોર્ટના જસ્ટિસ અંગે લેવામાં આવેલા નિર્ણયની જાણકારી સુપ્રીમ કોર્ટની વેબસાઈટ ઉપર આપવામાં આવી હતી. કોલેજિયમે આ ઉપરાંત એક નામ ઉચ્ચ ન્યાયાલયની કોલેજિયમને ફરીથી વિચાર કરવા માટે મોકલ્યું હતું. સુપ્રીમ કોર્ટે પ્રસ્તાવમાં મોકલેલા નામ અંગે કહ્યું હતું કે, ચારમાંથી ત્રણ ન્યાયિક અધિકારી વર્તમાન માપદંડો ઉપર ખરા ઉતરી રહ્યા ન હોવાથી આ નામોને ઉપર વિચાર કરવા હાઈકોર્ટની કોલેજિયમને પરત મોકલવામાં આવી રહ્યા છે.  આ અગાઉ ઓરિસ્સા હાઈકોર્ટમાં એક વકીલ ઉપર હુમલા મામાલે બાર એસોસિએશને હડતાલ કરી હતી અને આ દિવસોમાં જ મુખ્ય અરજીઓ ઉપર સુનાવણી થવાની હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer