સમુદ્રી સુરક્ષા માટે અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાની બેઠક

13મી પૂર્વ એશિયા સમિટ દરમિયાન થશે હિન્દ-પ્રશાંત ક્ષેત્ર અંગે ચર્ચા વિચારણા
વોશિંગ્ટન, તા. 7 : હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં આર્થિક વિકાસ સંબંધિત પ્રોજેક્ટ સાથે સમુદ્રી સુરક્ષાને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી આગામી ટૂંક સમયમાં ચાર દેશોની મહત્ત્વની બેઠક યોજાવાની છે. નવેમ્બરના મધ્યમાં સિંગાપુરમાં 13મી પૂર્વ એશિયા સમિટ દરમિયાન ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા પોતાની આગામી બેઠક કરશે. આ બેઠકમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટને લઈને પણ ચર્ચા થશે. જો કે સૌથી મહત્ત્વની બાબત ચીનના વલણને જોઈને અમેરિકા દેશોના સમૂહને સૈન્ય સ્વરૂપ આપવાની ઈચ્છા ધરાવે છે  અને ભારત તેનો વિરોધ કરી રહ્યું છે.  અમેરિકાનું માનવું છે કે, ક્વોડ (ચાર દેશોનો સમૂહ)ને મજબૂત સૈન્ય આયામ સાથે મંત્રી સ્તરીય સમિટમાં બદલવું જોઈએ. અમેરિકાની હિન્દ પ્રશાંત રણનીતિનો આ મહત્ત્વનો ભાગ છે અને આ વિસ્તારમાં વિસ્તારવાદી અને આક્રમક ચીનને ધ્યાને લઈને એક સ્વતંત્ર છાવણી અમેરિકા ઈચ્છે છે. જો કે અમેરિકાને એ પણ ખ્યાલ છે કે, ક્વાડના સૈન્ય કરણનો ભારત વિરોધ કરી રહ્યું છે. અમેરિકાના વિદેશ વિભાગના અધિકારી એલીસ વેલ્સના કહેવા પ્રમાણે સમાન વિચારધારા ધરાવતા દેશો માટે ક્વાડ એક મહત્ત્વની તક સમાન છે. અમેરિકા, જાપાન, ભારત અને ઓસ્ટ્રેલિયા ખુલ્લા અને સ્વતંત્ર હિન્દ પ્રશાંત ક્ષેત્રનો દ્રષ્ટિકોણ ધરાવે છે. આ જ કારણથી સુરક્ષા પણ જરૂરી બની છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer