ખાંભા રેન્જમાં ઈજાગ્રસ્ત સિંહણનું રેસ્કયુ: સારવાર


ખાંભા, તા.7: ખાંભા તુલસીશ્યામ રેન્જ ભાણીયા રાઉન્ડમાં ઇજા પામેલ  સિંહણનું રેસ્ક્યુ કરાયું, તો રબારીકા રાઉન્ડના આંબલીયાળા વિસ્તારમાં એક સિંહણને સારવાર આપી મુક્ત કરવામાં આવી હતી.
ધારી ગીર પૂર્વમાં દલખાણીયા એક જ રેન્જમાં 23 સિંહના મોત નિપજ્યા હતા, ત્યારે ખાંભા તુલસીશ્યામ રેન્જમાં  ત્રણ સિંહબાળના ઇનફાઈટ મોત નિપજ્યા હતા.  બાદ  વન વિભાગ હરકતમાં મુકાયું છે, દલખાણીયા અને આસ - પાસના 5 થી 10 કી.મીના વિસ્તારમાં વન વિભાગ દ્વારા 25 જેટલા સિંહના રેસ્ક્યુ કરી લોહી અને પરસેવાના નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂના ગાંધીનગર અને ઉત્તરપ્રદેશની લેબોરેટરીમાં મોકલવામાં આવી રહ્યાનું વન વિભાગે જણાવ્યું હતું. ધારી ગીર પૂર્વમાં બીમાર અને ઇજા થયેલ સિંહોનું રેસ્ક્યુ યથાવત છે. વધુ એક સિંહણનું ભાણીયા રાઉન્ડમાં આજે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને આ સિંહણને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી  રેસ્ક્યુ કરી સારવાર આપવામાં આવી હતી.
ખાંભા તુલસીશ્યામ રેન્જના ભાણીયા રાઉન્ડમાં એક સિંહણ માથાના ભાગે ઘવાયેલ હોવાનું જાણવા મળતા વન વિભાગ દ્વારા લોકેશન કરી અને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને ડોકટર દ્વારા આ સિંહણને  સારવાર માટે ધારીના આંબરડીપાર્કમાં ખસેડવામાં આવી હતી. વન વિભાગે જણાવ્યું હતું કે આ સિંહણને આજે જ સારવાર આપી મુક્ત કરવામાં આવશે તેમજ આઠ દિવસ પહેલા રબારીકા રાઉન્ડના આંબલીયાળા વિસ્તારમાંથી લંગડી સિંહણનું રેસ્ક્યુ કરી સારવારમાં મોકલવામાં આવી હતી તે સિંહણને સારવાર મળી જતા આંબલીયાળા વિસ્તારમાં જ ફરી મુક્ત કરવામાં આવી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer