છબરડા મુક્ત પરીક્ષા માટે સૌરાષ્ટ્ર યુનિ. ‘પ્રીપેરેશન’

છબરડા મુક્ત પરીક્ષા માટે સૌરાષ્ટ્ર યુનિ. ‘પ્રીપેરેશન’
રાજકોટ, તા. ર1: ગુજરાતની ઓળખ સમા નવરાત્રિ પર્વમાં પહેલી વખત શાળા-કોલેજોમાં વેકેશન જાહેર કરાયા બાદ આવતીકાલથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલુ વર્ષની પ્રથમ તબક્કાની પરીક્ષાનો પ્રારંભ થશે. જેમાં પાંચ જિલ્લાની 110 કોલેજના 1પપ કેન્દ્ર પર 3ર બી.કોમ, બી.એ સહિત 3ર અભ્યાસક્રમના 3ર હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ભૂતકાળની ઘટનાઓ પરથી એક રીતે વિદ્યાર્થીઓ સાથે આ યુનિવર્સિટી માટે પણ છબરડા મૂક્ત પરીક્ષા પૂર્ણ કરવાનો લીટમસ ટેસ્ટ છે. ત્યારે તેમાંથી ધડો લઈ ભૂલો અને છબરડાંનું પૂનરાવર્તન ન થાય તે માટે આ વર્ષે પરીક્ષા વિભાગે તદ્દન નવા જ ક્લેવર ધારણ કર્યા છે.
 પરીક્ષા વિભાગ માટે ખાસ નિયૂક્ત કરાયેલા ઓફિસર ઓન સ્પેશ્યલ ડયુટી એવા યુનિ.ના કોમર્સ વિભાગના પ્રોફેસર શૈલેષભાઈ પરમારે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષા આપી શકે અને ગેરરીતિ-કોપીસ જેવી ઘટના ન બને તે માટે પ્રથમ વખત વિદ્યાર્થીઓના નંબર જમ્બલીંગ કરી, જે-તે ગામ કે શહેરની અન્ય કોલેજમાં મુકાયા છે. નોંધનીય છે કે વિદ્યાર્થીઓને નાણાં અને સમયનો વ્યય ન થાય, હેરાનગતિ ન થાય તે માટે ગામ કે શહેર બદલવામાં આવ્યા નથી. જો કે ચોટીલા,  સાયલા જેવી અંતરિયાળ જગ્યાએ જ્યાં એક જ કોલેજ હોય ત્યાં જમ્બલીંગ શક્ય બન્યું નથી.
પરીક્ષા માટે ઉત્તરવહી પંદર દિવસ પહેલા જ જે-તે કેન્દ્ર પર પહોંચાડી દેવાઈ છે. જ્યારે બે દિવસની પરીક્ષાના પ્રશ્નપત્રો બે દિવસ અગાઉથી પહોંચતા કરી દેવાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. જેની જાણ ઓબ્ઝર્વરોને મેઈલ અને એસએમએસથી કરી દેવાઈ છે. સૌથી વધુ પરીક્ષાર્થી બી કોમ સેમ. પના 13600થી વધુ, બીએના 7000, બીએસસીના 4પ00થી વધુ અને ત્યારબાદ બીબીએ, બીએસસી આઈટી, બીસીએના પરીક્ષાર્થીઓ નોંધાયા છે. મોટાભાગે સેમ-3 અને સેમ-પની પરીક્ષા લેવાશે.
 
સીસીટીવીથી કન્ટ્રોલરૂમમાં જીવંત પ્રસારણ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ પરીક્ષામાં ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ કરી દરેક પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી મુકાવ્યા છે. જેના પર નિરીક્ષણ માટે યુનિવર્સિટીમાં 10 કોમ્પ્યુટર મોનિટર મુકી કન્ટ્રોલ રૂમ શરૂ કરાવાયો છે. કન્ટ્રોલરૂમમાં બેઠા કર્મચારીઓ દરેક વર્ગખંડ પર નજર રાખશે તેમજ ગેરરીતિ, કોપીકેસ, ચીઠ્ઠી-ચપાટી વગેરે વર્તણૂંક દેખાય તો તે કેન્દ્રના ઓબ્ઝર્વરનો સંપર્ક કરી તુરંત ત્યાં પહોંચી જવા જાણ કરાશે. જે કેન્દ્ર પર સીસીટીવી નહી હોય, તેણે સમગ્ર પરીક્ષાનું રેકોર્ડીંગ કરી સીડી મોકલાવવા આદેશ કરાયો છે.
ઉત્તરવહી નિરીક્ષકોનું પણ ક્રોસ વેરીફિકેશન
વિદ્યાર્થીઓને અન્યાયની શક્યતા નિર્મૂળ કરવા માટે ઉત્તરવહી ચકાસણી સુધીનું માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. એક સેશનમાં એક નિરીક્ષક પ0 ઉત્તરવહીનું મૂલ્યાંકન કરે, તેમાંથી સૌથી ઓછા માર્ક અને સૌથી વધુ માર્કવાળી મળી ઓછામાં ઓછી 10 ઉત્તરવહી તેમના સિનીયર પ્રાધ્યાપક, મોડરેટર દ્વારા ચકાસવામાં આવશે. અને માર્ક મુકવામાં નિરીક્ષકની ભૂલ હશે તો તેને સૂચના અપાશે. એટલું જ નહીં એ ઉત્તરવહીના માર્ક જ રીઝલ્ટમાં મુકાયા છે કે કેમ, તે તપાસવા ડેટા એન્ટ્રીની પણ ચકાસણી થશે.
ગેરરીતિ વાળી જવાબવહી લીગલ વિભાગમાં જશે
જે વિદ્યાર્થીએ પરીક્ષામાં ગેરરીતિ કરી હોવાની શંકા સાથે તેનું નામ-નંબર નોંધવામાં આવશે, તેની ઉત્તરવહી મૂલ્યાંકન માટે રેગ્યુલર એસેસમેન્ટ સેન્ટરની બદલે લીગલ વિભાગમાં સબમિટ થશે અને ત્યાં તેનું વેરીફિકેશન કરાશે.
પહેલી વખત સ્ક્વોડને બદલે ઓબ્ઝર્વર
આ પરીક્ષામાં પહેલી વખત સૌ. યુનિ. ગામેગામ સ્ક્વોડ નહીં દોડાવે. દર વખતે સ્ક્વોડના એક અધિકારીને 600 રૂપિયા મહેનતાણું તેમજ આવવા-જવાનો ખર્ચ વગેરે મળી 1600 રૂપિયા ચૂકવવા પડતા હતા. આ ખર્ચ ન થાય તેમજ હેરાનગતિ ન થાય તે માટે આ વર્ષે સ્ક્વોડની દોડાદોડીને બદલે જે-તે ગામની કોલેજના અધ્યાપકોને ઓબ્ઝર્વર તરીકે ડયુટી સોંપાઈ છે. આવા 1ર0 ઓબ્ઝર્વર પરીક્ષા માટે તૈનાત કરાયા છે. જેમને તાલીમ પણ અપાઈ ચૂકી છે.
સૌરાષ્ટ્ર યુનિ.માં કાયમી કુલપતિ વહેલી તકે: ચુડાસમા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઇન્ચાર્જ છે. સામાન્ય રીતે બે-ત્રણ મહિના ઇન્ચાર્જથી ચાલે પરંતુ અહીં તો આઠ-આઠ મહિનાથી કાયમી કુલપતિ નથી નિમાતા. આ અંગે ‘ફૂલછાબે’ આજે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પૂછયું તો તેમણે ટૂંકો જવાબ આપ્યો હતો કે, જલ્દીમાં જલ્દી નીમાઇ જશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફેબ્રુઆરી માસમાં કુલપતિ ડો. પ્રતાપસિંહ ચૌહાણની મુદત પૂરી થઇ તે પછી ડો. કમલ ડોડિયા ઇન્ચાર્જ આવ્યા. તેમની ડીનની મુદત પૂરી થતી હોવાથી એવું મનાતું હતું કે, એ પહેલાં કાયમી કુલપતિ નિમાઇ જશે. પરંતુ એવું થયું નહીં. ડો. ડોડિયાની મુદત પૂરી થઇ પછી કાયમી કુલપતિ નિમવાને બદલે હોમસાયન્સ ડિપાર્ટમેન્ટના ડીન ડો. નિલામ્બરીબેન દવેને ઇન્ચાર્જ કુલપતિ બનાવી દેવાયા. એ પછી જાણે કાયમી કુલપતિ નિમવાનું ભૂલાઇ ગયું જ હોય એવી પરિસ્થિતિ પ્રવર્તે છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ, રજિસ્ટ્રાર, પરીક્ષા નિયામક, પ્રકાશન અધિકારી જેવી મહત્ત્વની જગ્યાઓ લાંબા સમયથી ઇન્ચાર્જથી ચાલે છે. કાયમી ભરતી નથી થતી. ઇન્ચાર્જ રજિસ્ટ્રાર અને પરીક્ષા નિયામકે તો પોતાને આ જવાબદારીમાંથી મુકત કરવા પણ માંગણી કરી છે. પરંતુ બીજો કોઇ વિકલ્પ ન હોવાથી એમને ચાલુ રખાયા છે.
શિક્ષણ જગતમાં આ અંગે સતત ચર્ચા થાય છે. મુખ્યપ્રધાન અને શિક્ષણ પ્રધાન વચ્ચેની ખેંચતાણને લીધે કાયમી કુલપતિ નહીં નિમાતા હોવાનું ચર્ચાય છે, તો ભાજપના જ એક સિન્ડીકેટ સભ્યે નામ નહીં લખવાની શરતે કહ્યું હતું કે, અમારે જેટલા નેતા છે, એ બધાયને કુલપતિ બનવું છે ! તો કોઇ વળી હળવાશના મૂડમાં કહે કે, ભૂલી ગયા. હવે ભૂલી જાવ. કાયમી કુલપતિ. આવી બધી ચર્ચામાં સરકારની છાપ બગડે છે.
આ અંગે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું ધ્યાન દોરતા એમણે કહ્યું કે, કાયમી કુલપતિ વહેલી તકે નિમાઇ જશે. વહેલી તકે એટલે અઠવાડિયામાં પંદર દિવસમાં, કયારે ? એમ પૂછતાં એમણે કહ્યું કે, વહેલી તકે નિમાઇ જશે, બસ ! જો શિક્ષણ પ્રધાનનું સાચું પડે તો હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું સદ્ભાગ્ય ગણાશે ! સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કાયમી કુલપતિ મળશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer