વિરાટ-રોહિતની સદીથી ભારતની ધસમસતી જીત

વિરાટ-રોહિતની સદીથી ભારતની ધસમસતી જીત
 કોહલી (140) અને રોહિત (152*) વચ્ચે બીજી વિકેટમાં 246 રનની ઝડપી ભાગીદારી: કેરેબિયન બેટધર હિટમાયર (106)ની સદી એળે ગઇ

ગુવાહાટી તા.21: મેન ઓફ ધી મેચ અને કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન રોહિત શર્માની આતશી સદીની મદદથી ભારતે પહેલા વન ડેમાં રનનું રમખાણ સર્જીને વેસ્ટ ઇન્ડિઝ સામે 8 વિકેટે વિક્રમી વિજય મેળવ્યો હતો. ભારતે વિન્ડિઝનો 322 રનનો સ્કોર માત્ર બે વિકેટ ગુમાવીને 42.1 ઓવરમાં જ આસાનીથી પાર પાડીને રૂઆબદાર જીત મેળવી હતી. આથી કોહલીસેના પ વન ડે શ્રેણીમાં 1-0થી આગળ થઇ છે. સુકાની કોહલીએ 36મી વન ડે સદી ફટકારીને 107 દડામાં 21 ચોકકા અને 2 છકકાથી લાજવાબ 140 રન કર્યાં હતા. જયારે રોહિત શર્માએ તેની 20મી સદી ફટકારીને 117 દડામાં 1પ ચોકકા અને 8 છકકાથી આતશી અણનમ 1પ2 રન કર્યાં હતા. બન્ને વચ્ચે બીજી વિકેટમાં 246 રનની ભાગીદારી કરી હતી. જે રન લક્ષ્યાંકનો પીછો કરતો બીજી વિકેટની બીજા નંબરની શ્રેષ્ઠ ભાગીદારી થઇ છે. આ રેકોર્ડ વોટસન-પોન્ટીંગના નામે છે. તે બન્નેએ 2009માં ઇંગ્લેન્ડ સામે રન ચેઝ કરતા બીજી વિકેટમાં 2પ2 રનની ભાગીદારી નોંધાવી હતી.
આજના મેચમાં બન્ને ટીમ તરફથી પાવરફૂલ બેટિંગ થયું હતું. કેરેબિયન બેટધર હિટમાયરની આક્રમક સદી (106) ભારતની જીતથી એળે ગઇ હતી. રન લક્ષ્યાંકનો પીછો કરતા ભારતની આ પાંચમી શ્રેષ્ઠ જીત નોંધાઇ છે. 323 રનના વિજય લક્ષ્યાંક સામે ભારતની શરૂઆત નબળી રહી હતી. કુલ 10 રન પર શિખરની વિકેટ ગુમાવી હતી. આ પછી સુકાની કોહલી અને ઉપસુકાની શર્માએ આક્રમક બેટિંગ કરીને વિન્ડિઝની બોલિંગ-ફિલ્ડીંગ છિન્નભિન્ન કરી નાંખી હતી. બન્ને વચ્ચે બીજી વિકેટમાં 246 રનની ધસમસતી ભાગીદારીથી ભારતનો વિજય આસાન બની ગયો હતો.
મીડલઓર્ડર બેટસમેન શિમરોન હેટમેયરની આતશી સદીની મદદથી વેસ્ટ ઇન્ડિઝની ટીમે ટેસ્ટ શ્રેણીની કારમી હારની નિરાશામાંથી બહાર આવીને ભારત સામેના પહેલા વન ડેમાં પ0 ઓવરના અંતે 8 વિકેટે 322 રનનો મજબૂત સ્કોર ખડકયો હતો. હેટમેયરે તેની કેરિયરની ત્રીજી વન ડે સદી ફટકારીને માત્ર 78 દડામાં 6 ચોક્કા અને 6 છક્કાથી આકર્ષક 106 રન કર્યાં હતા. પોતાનો 13મો વન ડે રમી રહેલા હેટમેયરે ભારતીય બોલિંગ આક્રમણ સામે હલ્લાબોલની રણનીતિ અપનાવીને અદભૂત સ્ટ્રોકફૂલ બેટિંગ કર્યું હતું. તેણે મીડલ ઓર્ડરમાં રોવમને પોવેલ (22) સાથે પાંચમી વિકેટમાં 6પ અને છઠ્ઠી વિકેટમાં સુકાની જેસાન હોલ્ડર (38) સાથે મળીને 74 રનની ભાગીદારી કરીને વેસ્ટ ઇન્ડિઝને મજબૂત સ્કોર પર પહોંચાડયું હતું. હેટમેયરને સદી ઉપરાંત અનુભવી ઓપનર કિરોન પોવેલે પણ આક્રમણ બેટિંગ કરીને 39 દડામાં 6 ચોક્કા અને 2 છક્કાથી પ1 રન બનાવ્યા હતા.
વેસ્ટ ઇન્ડિઝના પૂંછડિયા ખેલાડી દેવેન્દ્ર બિશૂએ 22 અને ક્રેમર રોચે 26 રન કર્યાં હતા. આ બન્નેએ ભારતીય બોલરોને હંફાવીને નવમી વિકેટની અતૂટ ભાગીદારીમાં મહત્વના 44 રનનો ઉમેરો કર્યોં હતો. આથી કેરેબિયન ટીમે 8 વિકેટે 322 રન કર્યાં હતા. ખાસ કરીને અનુભવી ઝડપી બોલર શમીની આજના મેચમાં ભારે ધોલાઇ થઇ હતી. તેણે 10 ઓવરમાં 81 રનનો ખર્ચ કર્યો હતો. જો કે તેને બે વિકેટ પણ મળી હતી. ચહલ સૌથી અસરદાર રહ્યો હતો. તેણે 41 રનમાં 3 અને જાડેજાએ 66 રનમાં 2 વિકેટ લીધી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer