એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાક. સામે ભારતનો 3-1થી વિજય

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાક. સામે ભારતનો 3-1થી વિજય
મસ્કત, તા.21: એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય હોકી ટીમે તેના બીજા મેચમાં પરંપરાગત હરીફ પાકિસ્તાન સામે 3-1 ગોલથી શાનદાર વિજય મેળવ્યો છે. એક ગોલથી પાછળ રહયા બાદ ભારતીય ટીમે જોરદાર વાપસી કરીને પાક.ને હાર આપી હતી. મેચની પહેલી મિનિટે જ પાકિસ્તાન તરફથી ઇરફાન જુનિયરે પેનલ્ટી કોર્નરથી ગોલ કરીને ભારતને દબાણમાં લાવી દીધું હતું.
આ ગોલ બાદ ભારતીય ટીમે બીજા કવાર્ટરથી મેચમાં વાપસી કરી હતી. મેચની 24મી મિનિટે સુકાની મનપ્રિત સિંહે સ્કિલફૂલ હોકીનું પ્રદર્શન કરીને ગોલ કર્યોં હતો. આથી હાફ ટાઇમે સ્કોર 1-1ની બરાબરી પર રહયો હતો. હાફ ટાઇમની બે મિનિટ બાદ જુનિયર હોકી ટીમના ખેલાડી મનદિપ સિંહે અદભુત ફિલ્ડ ગોલ કરીને ભારતને 2-1થી આગળ કર્યું હતું. જયારે 43મી મિનિટે યુવા સ્ટ્રાઇકર દિલપ્રિત સિંહે ભારત માટે ત્રીજો ગોલ કર્યોં હતો. આથી ભારતનો પાક. સામે 3-1થી વિજય નોંધાયો હતો. પહેલા મેચમાં ઓમાનને 11-0થી હાર આપી હતી. ભારતીય હોકી ટીમ હવે એશિયન ગેમ્સ વિજેતા જાપાન સામે ટકરાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer