વિમાનોને બર્ડહિટ સહિતની ઘટનાથી બચાવવા એરપોર્ટ ફરતે સીસીટીવી મુકાશે

વિમાનોને બર્ડહિટ સહિતની ઘટનાથી બચાવવા એરપોર્ટ ફરતે સીસીટીવી મુકાશે
એરપોર્ટ ઓથોરિટીની બેઠકમાં સલામતી મુદ્દે સાવધાની
એરપોર્ટની દીવાલ ફરતે ચોવીસ કલાક સફાઈ રાખવા મનપાને તાકીદ
રાજકોટ, તા. 10: એક સમયે શહેરની બહાર આવેલું રાજકોટ એરપોર્ટ આસપાસ વસાહતો થઈ જતા હવે શહેરની મધ્યમાં આવી ગયું છે. પરિણામે રહેણાક વિસ્તારોમાં જોવા મળતી ગંદકી - કચરાની સમસ્યા વકરી છે. કચરામાંથી ખોરાક મળી રહેતો હોવાથી અહીંયા મોટા પ્રમાણમાં પક્ષીઓ ઉડતા હોવાથી બર્ડહિટની ઘટનાનું જોખમ સતત મંડરાતું રહે છે. જેનાથી છૂટકારા માટે એરપોર્ટની દીવાલ ફરતે સીસીટીવી કેમેરા ગોઠવવા સહિતના નિર્ણય રાજકોટ એરપોર્ટની બેઠકમાં લેવાયા હતા.
 એરપોર્ટની ચોતરફ માનવ વસાહત થઈ ગઈ છે. માટે હવાઈમથકની દીવાલની ફરતે એંઠવાડ, નકામી વસ્તુઓ, બાંધકામનું મટિરિયલ્સ વગેરે ઠાલવવામાં આવે છે. જેથી ખોરાકની શોધમાં પશુપક્ષીઓ ક્યારેક એરપોર્ટમાં ધસી આવે છે. આવી સમસ્યા નિવારવા કલેક્ટર સહિતના તંત્ર સાથે એરપોર્ટ ઓથોરિટીની મળેલી બેઠકમાં એરપોર્ટની દીવાલ ફરતે સીસીટીવી ગોઠવવા નિર્ણય લેવાયો હતો. જેથી દીવાલ આસપાસ કોણ લોકો ખાણીપીણીની ગંદકી તેમજ બિલ્ડિંગ મટિરિયલની બિનજરૂરી સામગ્રી ઠાલવી જાય છે તેના ઉપર નજર રાખી, પગલાં લઈ શકાય. એરપોર્ટની અંદર સીસીટીવી કેમેરા છે, ઉચ્ચ કક્ષાએથી મંજૂરી મળ્યા બાદ હવે બહારની દીવાલ પણ સીસીટીવીથી સજ્જ થતાં એરપોર્ટની સલામતીમાં પણ વધારો થશે. આ તકે મહાનગર પાલિકાને એરપોર્ટની દીવાલ ફરતે ચોવીસ કલાક સફાઈ રાખવા તાકીદ કરાઈ હતી.
 ઉલ્લેખનીય છે કે થોડા વખત પહેલા ઉપરાઉપર બે વખત રાજકોટ એરપોર્ટ પર વિમાન સાથે પક્ષી અથડાવાની ઘટના બનતા વિમાનોનું ઈમર્જન્સી લેન્ડિંગ કરવું પડયું હતું. સદ્નસીબે આવી ઘટના ગંભીર અકસ્માતમાં પરિણમી નથી પરંતુ તે પહેલા પાણી પહેલા પાળ બાંધવા એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાગરૂકતા દેખાડવામાં આવી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer