રાજકોટ રેલવે સ્ટેશન પર લગેજ સ્કેનર જ નથી

રાજકોટ રેલવે સ્ટેશન પર લગેજ સ્કેનર જ નથી
રેલવે સલાહકાર સમિતિના સભ્યોની ડી.આર.એમ. સાથે બેઠક યોજાઇ
કચ્છ-દ્વારકા વચ્ચે ટ્રેન શરૂ કરવા પણ સુચન
રાજકોટ, તા.10: રાજકોટ ડિવિઝનની રેલવે સલાહકાર સમિતિની બેઠકમાં વિવિધ સૂચનો થયાં હતા. જેમાં ખાસ કરીને સ્ટેશન પર લગેજ સ્કેનર મુકવા, પ્લેટફોર્મ નં.1ના શેડ લંબાવવા અને કચ્છ- દ્વારકા વચ્ચે ટ્રેન શરૂ કરવા પ્રશ્ને રજૂઆત થઇ હતી.
કોઠી કમ્પાઉન્ડમાં આવેલી રાજકોટ રેલવેના વિભાગીય વડાની કચેરીમાં આજે ડી.આર.યુ.સી.સી. (ડિવિઝનલ રેલવે યુઝર્સ કન્સલટેટીવ કમિટિ)ની બેઠક યોજાઇ હતી.
પ્રારંભમાં સમિતિના અધ્યક્ષ તથા ડિવિઝનલ રેલવે મેનેજર પી.વી. નિનાવેએ ડિવિઝનની ઉપલબ્ધિઓ તથા પ્રવાસી સુવિધાઓ અંગે વિગતવાર માન્ય સભ્યોને માહિતગાર કર્યા હતા. સમિતિના સચિવ તથા સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર રવિન્દ્ર શ્રીવાસ્તવે બધા મહેમાનોનું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત સદસ્યોમાંથી ક્ષેત્રીય ઉપભોકતા સલાહકાર સમિતિ માટે પાર્થિવકુમાર ગણાત્રાની વરણી કરવામાં આવી હતી. નિનાવેએ નવી ટુઆરયુસીસી વરણી માટે ગણાત્રાને આ પ્રસંગે અભિનંદન આપ્યા હતા. આ દરમિયાન સમિતિના સભ્યો દ્વારા પોતપોતાનાં વિસ્તારની રેલવે સમસ્યાઓ ટ્રેનોના રોકાણ, વિસ્તાર નવી પરિયોજનાઓને સત્વરે સૂચનો કર્યા હતા. ડિવિઝનલ રેલવે મેનેજર પી.વી. નિનાવે બધા સભ્યોના સૂચનો પર સત્વરે યોગ્ય કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.
કાર્યક્રમના અંતે અપર ડિવિઝનલ રેલવે મેનેજર એસ.એસ. યાદવે આભાર વ્યકત કર્યો હતો. બેઠક દરમિયાન આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર રાકેશ પુરોહિત તથા અન્ય સિનિયર અધિકારીઓ પણ ઉપસ્થિત હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer