મૌલેશભાઇ પટેલ એટલે પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિનો સંગમ : અપૂર્વમુનિ

મૌલેશભાઇ પટેલ એટલે પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિનો સંગમ : અપૂર્વમુનિ
બાન લેબ્સના મૌલેશભાઈ પટેલનો સન્માન સમારોહ યોજાયો
રાજકોટ : વ્યવસાયિક ક્ષેત્રે ઉંચી ઉડાન ભરનાર બાન લેબના એમ.ડી. મૌલેશભાઇનું કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા અને બી.એ.પી.એસ.ના અપૂર્વમુનિ સહિતના શહેરના ટોચના આગેવાનોની હાજરીમાં સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં મોટાભાગના વકતાઓએ મૌલેશભાઇ ઉકાણીની સાદગી અને સેવાયાત્રાને બિરદાવી હતી સાથોસાથ તેમને હજુ વધુ સફળતા મળે તેવી શુભેચ્છા પણ આપી હતી. રાજકોટ અભિવાદન સમિતિ દ્વારા યોજાયેલા આ ગરિમાપૂર્ણ સમારોહમાં બાન લેબના સ્થાપક ડો.ડાયાભાઇ પટેલ તેમજ સમગ્ર ઉકાણી પરિવારનું પણ સન્માન કરાયું હતું. પોતાના સન્માનથી લાગણીશીલ બની ગયેલા મૌલેશભાઇ ઉકાણીએ સૌનો આભાર માન્યો હતો.
વૈશ્વિક ફલક ઉપર સૌરાષ્ટ્રનું નામ રોશન  કરનાર સામાજિક અને સેવાકીય કાર્યોના પ્રહરી તેમજ સમગ્ર સૌરાષ્ટ્રને સેસા બ્રાન્ડનું આંતરરાષ્ટ્રીય કંપની ટુ નોર્થ સાથે સંયોજન કરીને વૈશ્વિક ગૌરવ અપાવનાર મૌલેશભાઇ ઉકાણીનું સન્માન એ સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓનું સન્માન છે તેવો સૂર મોટા ભાગના વકતાઓએ વ્યકત કર્યો હતો. કાર્યક્રમના પ્રારંભમાં જીનિયસ સ્કૂલના ડી.વી. મહેતાએ મૌલેશભાઇનો પરિચય આપ્યો હતો. સ્વાગત પ્રવચનમાં અભિવાદન સમિતિના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાએ મૌલેશભાઇ સાથેના તેમના ગાઢ સંબંધો વિશે વાતો કરી હતી. આશીર્વચન આપવા ખાસ ઉપસ્થિત રહેલા બીએપીએસના અપૂર્વમુનિ સ્વામીએ કહ્યું હતું કે મૌલેશભાઇની કાયા વામન છે પરંતુ તેમના વિચારો વિરાટ છે. કોઇનું સન્માન થતું હોય ત્યારે આટલી વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે એ જ મોટું સન્માન હોય છે.  કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ પોતાના પ્રવચનમાં મૌલેશભાઇને વ્યવસાયમાં ઉંચી ઉડાન ભરવા બદલ અભિનંદન આપ્યા હતા.  આયુર્વેદના વિકાસ દ્વારા મૌલેશભાઇ અને તેમના પરિવારે મોટી સેવા કરી છે.
આ પ્રસંગે વજુભાઇ વાળાના હસ્તે બાન લેબના સ્થાપક ડો.ડાયાભાઇ પટેલ ઉપરાંત નટુભાઇ ઉકાણી, જય મૌલેશભાઇ ઉકાણી, લવ નટુભાઇ ઉકાણી વગેરેનું અભિવાદન કરાયું હતું. પોતાના સન્માનના પ્રત્યુતરમાં મૌલેશભાઇએ કહ્યું હતું કે 1995માં સેસા તેલ લોન્ચ કરાવામાં આવ્યું હતું અને ત્યારથી અત્યાર સુધીના સમયગાળામાં આ બ્રાન્ડે ઘણી સિધ્ધિ મેળવી છે. સફળતાનો આધાર તમે સમાજને શું આપો છો તેમાં પર છે. દ્વારકાધીશના આશીર્વાદથી મને સમાજે ઘણું આપ્યું છે અને તે હું સમાજને આપતો રહું છું. આભારવિધિ મુકેશભાઇ દોશીએ કરી હતી સંચાલન સંજય કામદારે કર્યું હતું.
       ક્લબ યુવી : ક્લબ યુવી નવરાત્રી મહોત્સવ અંતર્ગત વેલકમ નવરાત્રી સ્પીડવેલ પાર્ટી પ્લોટમાં યોજાયેલ. જેમાં પાટીદારોની 32 સંસ્થાઓ દ્વારા બાન લેબના મૌલેશભાઇ ઉકાણીનું અભિવાદન કરાયું હતું. પારિવારિક માહોલમાં રાસોત્સવ યોજાયેલ. 28 હજારથી અધિક સભ્યો ઉપસ્થિત હતા. આ તકે ડો. ડાયાભાઇ પટેલ, જેરામભાઇ વાંસજાળિયા, જેન્તીભાઇ કાલરિયા, રમણીકભાઇ ભાલોડિયા વગેરે પણ ઉપસ્થિત હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer