માંનો ગરબો રે રમે રાજને દરબાર

માંનો ગરબો રે રમે રાજને દરબાર
શહેરમાં નવરાત્રીનો આસ્થાભેર પ્રારંભ : પ્રાચીન રાસમાં બાળાઓ, અર્વાચીન રાસમાં ખેલૈયાઓએ લીધો ભાગ
ન્યુ ગરબી મંડળ, જંકશન પ્લોટમાં ગરબે રમતી બાળાઓ
રાજકોટ શહેરમાં વિવિધ સ્થળોએ પ્રાચીન ગરબીમાં ભાગ લેતા માતાજીની આરાધના કરી હતી. જંકશન પ્લોટ, ગેબનશાપીર રોડ પર ન્યુ ગરબી મંડળમાં બાળાઓએ પ્રાચીન ગરબા રજૂ કર્યા હતા. તે વેળાની તસવીર. (નિશુ કાચા)
સરગમ ચિલ્ડ્રન કલબના ખેલૈયાઓ ગરબે રમ્યા
સરગમ ચિલ્ડ્રન કલબના ટબુકડા બાળ ખેલૈયાઓ ડી.એચ.કોલેજનાં ગ્રાઉન્ડમાં ગરબે રમીને નવરાત્રીને વેલકમ કરી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત બાળ સભ્યો પૈકી 100 ખેલૈયાને પ્રિન્સ, પ્રિન્સેસના ઇનામો અપાયા હતા. રાસોત્સવમાં આર.કે.કોલેજના ચેરમેન ખોડીદાસભાઇ પટેલ, શિવલાલભાઇ રામાણી, અપૂર્વ મણિયાર, રાજેન્દ્રસિંહ ગોહિલ વગેરે ઉપસ્થિત હતા. તેઓના હસ્તે ઇનામો અપાયા હતા. કાર્યક્રમની સફળતા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાના માર્ગદર્શનમાં સભ્યો કાર્યરત હતા.
રાજકોટ : શહેરમાં નવરાત્રીનો પ્રારંભ થયો છે. માતાજીની ભક્તિ કરતા પ્રાચીન, અર્વાચીન રાસોત્સવમાં બાળાઓ, ખેલૈયાઓ ઉમંગથી જોડાયા છે. પ્રથમ નોરતે માતાજીની ઉપાસના કરતા બાળાઓએ માનો ગરબો રે રમે રાજ ને દરબાર સહિતની કૃતિઓ રજૂ કરી હતી. બીજી તરફ અર્વાચીન રાસોત્સવમાં ખેલૈયાઓ મોડીરાત્રી સુધી રાસોત્સવમાં ભાગ
લીધો હતો.
મહાકાળી ગરબી મંડળ
મહાકાળી ગરબી મંડળ 1/7 ગોપાલનગર ખાતે ગરબીમાં 69 બાળાઓ છે. જેમાં 3 મુસ્લિમ બાળાઓ પણ ગરબે રમે છે. એક્તાનું પ્રતિક છે. તા.11ને ગુરૂવારે “ખોડીયારમાનો હિન્ડોળો’’ રાસ તથા તા.13નાં “કાન ગોપી રાસ’’ અને તા.17નાં ગરબી મંડળનો “માતાજીનો રાસ’’ યોજાશે. ઉપરાંત તલવાર રાસ, ટીપણ રાસ વગેરે યોજાશે.
પ્રણવાનંદ સંસ્કૃત ભવન
સ્વામીશ્રી પ્રણવાનંદજી સંસ્કૃત પ્રચાર ટ્રસ્ટના ઉપક્રમે રેસકોર્ષ બાલભવનમાં આગામી નવરાત્રી દરમિયાન મહાદેવીના ચરિત્રો અને તેના રહસ્યને અનુલક્ષીને ચંડીપાઠ પર આધારિત “નવરાત્રિ-વ્યાખ્યાનમાળા “નારાયણી નમોસ્તુતે’’ નું આયોજન સાંજે 5:30 થી 6:30 કરાયું છે. જેમાં તા.11નાં શ્રી સુરેન્દ્રભાઇ દવે શક્તિપીઠના સ્થાન, તા.12નાં શ્રી પ્રદ્યુમન માં નવદુર્ગા, તા.13નાં ડો.જ્યોતિબહેન પોપટ શ્રી સપ્તશ્લોકી દુર્ગા, તા.14ના આચાર્ય વૃજલાલ શક્તિનું પ્રાગટય, તા.15ના પ્રા.ડો.જયશ્રીબેન જોશી દુર્ગા શપ્તશતી, તા.16ના શ્રી બાલકૃષ્ણભાઇ ભટ્ટ ચંડીપાઠ, તા.17ના ડો.મીનાબેન જેઠવા શક્તિ ઉપાસના, તા.18ના પ્રા.ડો.પારૂલબેન મહેતા મહાભારતમાં નારીશક્તિ વિષયક વ્યાખ્યાન આપશે. રસ ધરાવતાઓને કાર્યક્રમમાં પધારી ભગવતી પરામ્બાના ગુણકીર્તનમાં સહભાગી.
કુંડલિયા કોલેજ
શ્રીમતિ જે.જે.કુંડલિયા આર્ટસ, કોમર્સ એન્ડ બી.બી.એ કોલેજમાં તાજેતરમાં નવરાત્રી પર્વની નિમીતે રાસ ગરબાનું આયોજન કરાયું હતું. નવદુર્ગામાતાજીના આરાધના પર્વ રૂપે ઉજવાતા નવરાત્રીના પર્વમાં રાસ ગરબાનો પ્રારંભ-મહાઆરતી શ્રી લાલબહાદુર શાસ્ત્રી કેળવણી મંડળના ટ્રસ્ટી ડો.અલ્પના બહેન ત્રિવેદીના હસ્તે કરાયો હતો. સાથે સાથે ડોલેજના પ્રિન્સીપાલશ્રી ડો.યજ્ઞેશભાઇ જોષી અન્ય સ્ટાફ મેમ્બર્સ પણ જોડાયા હતા. વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક રાસોત્સવમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ રાસો, તલવાર રાસ, સનેડો, મહાઆરતીમાં ખુબજ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવ્યો હતો. વિજેતાને ઇનામ શ્રી લાલબહાદુર શાસ્ત્રી કેળવણી મંડળ ટ્રસ્ટી ડો.અલ્પનાબહેન ત્રિવેદી, પ્રિન્સીપાલ ડો.યજ્ઞેશભાઇ જોષી, પ્રા.સ્મીતા બહેન ઝાલાના હસ્તે અપાયા હતા.
ગરબામાં સિઝનલ ફ્લૂથી બચવા માટે ‘નમસ્કાર’ જ શ્રેષ્ઠ વિકલ્પ
રાજકોટ, તા.10 : શહેરમાં સિઝનલ ફ્લૂના વધતા કેસો સામે તકેદારી રાખવા મ્યુનિ.કમિશનર બંછાનીધિ પાનીએ શહેરીજનોને અપીલ કરી છે ખાસ તો નવરાત્રિના પર્વમાં ગરબા સ્થળે જાહેર સ્વાસ્થ્યના હિતમાં સાઈનેજીસ (માર્ગદર્શક બોર્ડ) મૂકવા તથા અન્ય આવશ્યક પગલાઓ લેવા ગરબાના આયોજકોને પણ અપીલ કરવામાં આવી છે. કમિશનરે જણાવ્યું છે કે, ગરબાના આયોજન સ્થળોએ મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં હોય છે ત્યારે તકેદારીના વિશેષ પગલા લેવામાં આવે તે જરૂરી છે. આ સ્થળોએ એકઠા થતાં લોકો એકબીજા સાથે હાથ મિલાવીને અભિવાદન કરવાને બદલે નમસ્કારની મુદ્રામાં એકબીજાનું અભિવાદન કરે તેવી કાળજી રાખવી જરૂરી છે. આ ઉપરાંત ગરબાના સ્થળે માર્ગદર્શક બોર્ડ મૂકવા પણ મનપાએ અનુરોધ કર્યો છે.  સીઝનલ ફ્લૂથી બચવા ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવા, ઉધરસ, છીંક વેળા મોઢું અને નાક ઢાંકવા, હાથ સાબૂ અને પાણીથી વારંવાર ધોવા, ખૂબ જ પાણી પીવા, ફ્લૂના લક્ષણ દેખાય તો મફત નિદાન અને સારવાર માટે નજીકના દવાખાનાનો સંપર્ક સાધવા કમિશનરે જણાવ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer