રેલવેકર્મીઓને 78 દી’નું બોનસ

રેલવેકર્મીઓને 78 દી’નું બોનસ
દેશના 11.91 લાખ કર્મચારીને આનંદો : રેલવે પર પડશે બે હજાર કરોડનો બોજ
નવી દિલ્હી, તા. 10 : રેલવે કર્મીઓ માટે આનંદના સમાચારમાં આ વરસે રેલવે તંત્ર તેના કર્મચારીઓને 78 દિવસના પગાર જેટલી રકમ બોનસના રૂપમાં આપવા જઇ રહ્યું છે.
કેન્દ્રીય પ્રધાન મંડળે રેલવેના આ અંગેના પ્રસ્તાવને બુધવારે મંજૂરી આપી દીધી હતી. દુર્ગાપૂજાથી પહેલાં જ બોનસ તમામ કર્મચારીને ચૂકવી દેવાશે, તેવી શક્યતા વ્યક્ત થઇ રહી છે.
આ બોનસ રેલવે બિનરાજ પત્રિત કર્મચારીઓને આપે છે. દેશમાં આવા 11.91 લાખ કર્મચારી છે. આ બોનસ આપવાથી રેલવે પર ચાલુ વર્ષ દરમ્યાન લગભગ બે હજાર કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે.
દર વરસે દશેરાથી પહેલાં બોનસ ચૂકવી દેવાની પરંપરા છે. જોકે, તેમાં રેલવે સુરક્ષાદળ અને રેલવે સુરક્ષા વિશેષ દળના કર્મચારીઓનો સમાવેશ કરાતો નથી. રેલવે સૂત્રોના જણાવ્યાનુસાર આ બોનસ હેઠળ એક કર્મચારીનાં ખાતામાં 18 હજાર રૂપિયા સુધીની રકમ આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે લગાતાર સાતમાં વરસે આ વખતે રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ ચૂકવવામાં આવી રહ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer