જગન્નાથ મંદિરમાં શત્રો સાથે પોલીસ પ્રવેશ નિષેધ

જગન્નાથ મંદિરમાં શત્રો સાથે પોલીસ પ્રવેશ નિષેધ
પુરી મંદિરમાં કતાર પદ્ધતિ સામે વિરોધ સાથે હિંસાની નોંધ લેતાં સુપ્રીમ કોર્ટનો આદેશ

નવી દિલ્હી, તા. 10  (પીટીઆઇ) : સુપ્રીમ કોર્ટે બુધવારે ભાવિકો માટે કતાર પદ્ધતિના પ્રારંભ વિરોધી દેખાવો દરમ્યાન પુરીના જગન્નાથ મંદિરમાં ત્રીજી ઓક્ટોબરે થયેલી હિંસાની નોંધ લેતાં જણાવ્યું હતું કે, કોઇપણ પોલીસકર્મી શત્રો તેમજ જોડાં સાથે મંદિરમાં ન પ્રવેશે.
ન્યાયમૂર્તિઓ મદન બી. લોકુર અને દીપક ગુપ્તાની ખંડપીઠને ઓરિસ્સા સરકારે એવી જાણકારી આપી હતી કે મંદિરમાં હિંસાના સંબંધમાં 47 લોકોની ધરપકડ કરાઇ હતી.
રાજ્ય સરકારે ખંડપીઠને એવું પણ જણાવ્યું હતું કે, મંદિરના સંકુલની અંદર તેમજ જગન્નાથ મંદિર પ્રશાસનની કચેરીમાં કોઇ હિંસા થઇ નહોતી.
આ મામલે હસ્તક્ષેપની સુપ્રીમ સમક્ષ માંગ કરનારી સંસ્થા વતી હાજર વકીલે એવો દાવો કર્યો હતો કે હિંસા દરમ્યાન પોલીસ જવાનો પિસ્તોલ અને જોડાં સાથે મંદિરમાં પ્રવેશ્યા હતા.
મંદિરમાં કતાર પદ્ધતિના વિરોધ સાથે એક સંસ્થાના 12 કલાકના બંધના એલાન દરમ્યાન ત્રીજી ઓક્ટોબરે થયેલી હિંસામાં નવ પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા હતા.
જગન્નાથ મંદિરના એક અધિકારીએ કહ્યું હતું કે, કતાર પદ્ધતિ પ્રાયોગિક ધોરણે જ લાગુ કરાઇ હતી, પરંતુ તેના વિરોધ બાદ હવે સમીક્ષા કરાશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer