સૂત્રાપાડા, તા.10: સૂત્રાપાડા નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલે છે પણ આ કામગીરી અત્યંત નબળી ગુણવત્તાની અને આડેધડ કરવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી છે. તેમાં એક રસ્તો મંજૂરી વગર તોડી નાખવામાં આવ્યો છે.
સૂત્રાપાડામાંથી ધામળેજ- વેરાવળ રસ્તો પસાર થાય છે. આ રસ્તામાં મનસ્વી રીતે ભૂગર્ભ ગટરનું ખોદકામ કરાયું છે. કોન્ટ્રાક્ટરે આડેધડ ખોદકામ કરતા રસ્તો બિસમાર હાલતમાં ફેરવાઈ ગયો છે. ગ્રામજનોને જિલ્લા મથક અવરજવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટર પીડબલ્યુડીને પણ દાદ દેતા નથી. હકીકતમાં રસ્તો ખોદવા માટે પીડબલ્યુડીની મંજૂરી લેવી પડે છે અને રૂ. અઢી કરોડની રકમ ભરવી પડે. આથી કોન્ટ્રાક્ટરે નિયમોની ઐસીતૈસી કરી આડેધડ રસ્તો ખોદી
નાખ્યો છે.
રસ્તો તૂટી જતાં ગ્રામજનોની હાલાકી વધી છે. પીડબલ્યુડીના અધિકારીઓ પણ મૌન છે ત્યારે કોન્ટ્રાક્ટર સામે સત્વરે પગલાં લેવા ગ્રામજનોએ માગણી કરી છે.
સૂત્રાપાડામાં ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટરે મંજૂરી વગર રસ્તો તોડી નાખ્યો
