અંધશ્રદ્ધાના દાણા નાખી જાતીય શોષણ કરનાર ભુવો પકડાયો

અંધશ્રદ્ધાના દાણા નાખી જાતીય શોષણ કરનાર ભુવો પકડાયો
કુતિયાણામાં અનેક મહિલા અને યુવતીઓ બની હતી શિકાર

પોરબંદર, તા.10 : પોરબંદરના મહેશ શક્તિ સેનાના યુવાનોને ચોક્કસ માહિતી મળી હતી કે કુતિયાણાના ખારીજાર વિસ્તારમાં વાછરાડાડાના મંદિરના ભુવા કરશન ઉર્ફે કાના દુદા ટીમ્બા નામનો શખસ ઘણા સમયથી લોકોને અંધશ્રદ્ધામાં નાખી યુવતીઓ અને મહિલાઓનું શારીરિક શોષણ કરતો હોય છટકું ગોઠવવામાં આવ્યું હતું.
આ મામલે પોરબંદરના મહેર મહિલા અગ્રણી લીલુબેન નરેન્દ્રભાઈ ભુતીયા તથા મહેશ શક્તિ સેનાના યુવાનો ભાવેશ નાથા ઓડેદરા, અરજણ ઓઘડ ભુતીયા, રામા કેશવાલા અને અલ્પેશ કુછડીયા  સહિતના યુવાનો લીલુબેન સાથે કુતિયાણા પહોંચ્યા હતા અને ભુવા કરશન ઉર્ફે દુદાને તેને અનેક સમસ્યા હોવાનું જણાવ્યું હતું. આથી ભુવાએ તેના ઘેર આવવાની વાતચીત કરી હતી. બાદમાં ભુવો કરશન ઉર્ફે દુદા તથા તેની બહેન ગીતા દેવસી કેશવાલા અને અન્ય એક મહિલા નીતાબેન આણંદ સોંદરવા અને જાહીબેન વેજા મોઢવાડીયા વિગેરે આવ્યા હતા અને એકલા મળવા જણાવ્યું હતું. બાદમાં ભુવો એકલો લીલુબેનને મળ્યો હતો અને છટકામાં ભુવો સપડાયો હતો અને ધોલધપાટ કરી પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે બીભત્સ માગણી કર્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં પકડાયેલ ભુવો કરશન  ઉર્ફે દુદા કુતિયાણા ગામે રહેતો અને સારી હોટલોમાં યુવતી-મહિલાઓને વિધિ કરવાના બહાને બોલાવ્યા બાદ શારીરિક શોષણ કરતો હતો તેમજ પોતાની સમસ્યાઓ રજૂ કરી પ્રેમનો ભૂખ્યો હોવાનું જણાવી માયાજાળમાં ફસાવતો હતો તેમજ યુવતીઓને દારૂ પીવડાવી વીડિયો ઉતારતો અને બ્લેકમેઈલીંગ કરતો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer