સાવજોના સગડ ન મળવાનું કારણ શું ?

સ્થાનિકોના સ્થળાંતરથી વનવિભાગને જંગલની  વાસ્તવિક  માહિતી  મળતી બંધ થઈ !
જુનાગઢ, તા. 10 : ગુજરાતના ગૌરવ એવા સોરઠના સાવજ ઉપર આવી ચડેલી આફતનું કારણ વનવિભાગની સ્થાનિક માલધારીઓ તરફની નીતિ પણ હોવાનું કહેવામાં આવે છે. એક સમયે જંગલમાં 265 જેટલા નેસ હતા. જેમાં રહેતા માલધારીઓ દિવસભર જંગલમાં પોતાના પશુઓને ચરાવવા માટે ફરતા હોવાથી બીમારી વન્યપ્રાણી નજરે ચડતા તેની માહિતી પહોંચાડતા હતા. જેના કારણે બીમારી પ્રાણીને સમયસર સારવાર મળી શકતી અને મોતના મુખમાંથી ઉગરી શકતા હતા. પરંતુ હવે માત્ર 54 નેસ બચ્યા છે અને માલધારીઓના અભાવે ક્યાંકને ક્યાંક વનવિભાગને જંગલમાં શું ચાલી રહ્યું છે તેની વાસ્તવિક માહિતી જ મળતી ન હોવાની ચર્ચા છે અને તેના ભોગે બીમાર પ્રાણીને સમયસર સારવાર ન મળતા મોતને ભેટે છે.  અંદાજે 1400 કિ.મી.માં પથરાયેલ ગીર જંગલમાં
વર્ષોથી સાવજોનો વસવાટ છે. વન વિભાગ જયારે આધુનિક ટેકનોલોજીથી સજજ ન હતો. ત્યારે પણ બીમાર પ્રાણીઓની જાણ માલધારીઓ કરતા હતા. અને આવા બીમાર પ્રાણીઓને સમયસર સારવાર મળતા, જીવતદાન મળતું હતું.
આ જંગલમાં 265 નેસ હતા. માલધારીઓ પોતાનાં પશુઓને જંગલમાં ચરાવી નિભાવતા હતા. અને સાવજની બારીકાઇથી નજર રાખતા હતા. તેઓનાં કિંમતી પશુઓનું મારણ કરે તો પણ હસતા મોઢે સ્વીકાર કરતા હતા. માલધારીઓ દ્વારા વળતર માટે કયારેય દાવો કર્યો નથી. એટલું જ નહીં અમુક નેસડાનાં માલધારીઓ વળતર પણ સ્વીકારતા ન હતા.
તેમ છતાં વન વિભાગ દ્વારા માલધારીઓને જંગલ બહાર ખદેડવા ત્રાસ ગુજારવાની નીતિથી આજે મોટાભાગનાં નેસડાઓ ખાલી થઇ ગયા છે. અત્યારે ગીર જંગલમાં માત્ર 54 નેસ બચ્યા છે. અને પોતાનાં વિસ્તારમાં સાવજ સહિતનાં પ્રાણીઓની રક્ષા કરે છે. પરંતુ વન તંત્રની દૃષ્ટિએ નુકસાન કરતા જણાય છે.
વન વિભાગ દ્વારા માલધારીઓને જંગલ બહાર ધકેલ્યા અને તેમનો સ્ટાફ ફરેણીમાં નીકળે છે તે બાઇક નીચે પગ મુકતો નથી. રસ્તા ઉપર ફરવાથી જંગલમાં રહેતા પ્રાણીઓની સ્થિતિ સારી છે. તેવો સંતોષ માને છે. પરિણામે અંતરિયાળ કે કોતરા, વૃક્ષોનાં ઝુંડમાં બીમાર પ્રાણી સારવારનાં અભાવે મૃત્યુને ભેટે છે.
આ વાસ્તવિકતા પ્રવર્તે છે અત્યાર સુધી માલધારીઓ બીમાર પશુની વન તંત્રને જાણ કરતા અને તેઓને ત્વરીત રેસ્કયુ કરી સારવાર મળી રહેતા બચી જતા હતા. પરંતુ આ દૂત સમા માલધારીઓને જંગલ બહાર ધકેલી દેતા વન્ય પ્રાણીઓ ઉપર આફત ઉતરી છે.
 
ગીરના સાવજો માટે વીજળી વેરણ થઇ!
રાજ્ય સરકારે કોર્ટમાં નિવેદન આપ્યુ: ખેતરોમાં બંધાતી  ફેન્સીંગથી સિંહનાં મોત થાય છે
અમદાવાદ, તા.10:ઁ ગીરમાં સિહોના મોત મામલે રાજ્યસરકારે કોર્ટમાં નિવેદન આપ્યું છે કે, ખેતરોમાં બંધાતા ગેરકાયદે જીવતા વીજળીના તારનું ફેન્સીંગ સિંહો માટે જીવલેણ સાબિત થાય છે. સરકારે કોર્ટમાં કહ્યું છે કે, ગીર અભયારણ્ય અને આસપાસના વિસ્તારોમાં ખેતરોમાંથી વીજળીના ફેન્સીંગ દૂર કરવા માટે સૂચના અપાઇ છે.
વીજળીના ફેન્સીંગના કારણે સિંહો, પશુઓ અને મનુષ્યોને પણ જીવનું જોખમ છે. વીજળીનું ફેન્સીંગ કરવું ઇલેક્ટ્રીસીટી એક્ટ પ્રમાણે પણ ગુનો બને છે. આવું ફેન્સીંગ કરનારા સામે કાર્યવાહી કરવા માટે જંગલ ખાતાને નિર્દેશ અપાયા છે. સ્થાનિક પ્રશાસન સાથે રહીને કામગીરી કરાઇ છે. આ મામલે 15 ઓક્ટોબરે સુનાવણી હાથ ધરાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer