પરપ્રાંતિયોને સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપતું પોલીસ ને વહીવટી તંત્ર

સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર પોલીસવડા-કલેક્ટરે પરપ્રાંતિયોની મુલાકાત લઇ ખાતરી આપી
રાજકોટ, તા.10: ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લામાં બાળકી ઉપર દુષ્કર્મ ગુજારવાની ઘટના અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજના પગલે રાજ્યમાં પરપ્રાંતના લોકો ઉપર હુમલાની ઘટનાઓ બન્યા બાદ પોલીસતંત્ર અને વહીવટીતંત્ર હવે સફાળું જાગ્યું છે. આજે સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લા અને શહેરમાં પોલીસવડા અને કલેક્ટરોએ ઔદ્યોગિક વિસ્તાર, રેલવે સ્ટેશનો, બસ સ્ટેશનોની મુલાકાત લઇ સુરક્ષાની ખાતરી આપી હતી.
જૂનાગઢ : જૂનાગઢ શહેર અને જિલ્લામાં કારખાનાઓ, જ્વેલરી તથા નાના પરપ્રાંતીય ધંધાર્થીઓ સાથે એખલાસ બેઠક યોજાઇ હતી. તેમાં તેઓની મુશ્કેલીઓ જાણવાનો પ્રયત્ન કરાયો હતો. પરંતુ આવી કોઇ મુશ્કેલી સામે આવી ન હતી. શ્રમિકો પણ પોતાના નોકરીદાતાથી સંતોષ વ્યક્ત કર્યો હતો અને નોકરી દાતાઓએ આવા શ્રમિકોને પોતાના પરિવારના સભ્ય ગણાવ્યા હતા. જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારઘી અને જિલ્લા પોલીસવડા સૌરભસિંઘએ પરપ્રાંતિયોને કોઇ પણ જાતની ચિંતા ન કરવા જણાવી જિલ્લા તંત્ર તમારી સાથે છે. તેવી ખાતરી આપી હતી.
વઢવાણ: વઢવાણ જીઆઇડીસીની જિલ્લા કલેક્ટર અને પોલીસવડાએ મુલાકાત લઇ પરપ્રાંતિઓને સુરક્ષાની ખાતરી આપી હતી અને પરપ્રાંતના મજૂરો તેમજ અગ્રણીઓ વચ્ચે બેઠક પણ યોજાઇ હતી.
વેરાવળ: વેરાવળ- સોમનાથમાં કાર્યરત ફિશ અને રેયોન ઉદ્યોગોમાં અંદાજિત દસેક હજાર પરપ્રાંતીય લોકો કામ કરી શહેરમાં લાંબા સમયથી વસવાટ કરી રહ્યાં છે. છેલ્લા ચારેક દિવસથી શહેરના જુદા જુદા વિસ્તારો અને જીઆઇડીસી કંપનીઓમાં પરપ્રાંતીય લોકો સાથે પોલીસ વિભાગ અને ઉદ્યોગપતિઓએ બેઠક કરી કંઇ બાબત કે વાત હોય તો તુરંત પોલીસ વિભાગને જાણ કરવા અધિકારીઓના નંબરો આપી અહી સંપૂર્ણ સુરક્ષાની ખાત્રી આપી હતી.
ખંભાળિયા: ખંભાળિયામાં પોલીસ અધિકારીઓ તથા વહીવટી તંત્ર દ્વારા કંપની વિસ્તારના શ્રમિકો સાથે ખાસ બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર જે.આર. ડોડિયા તથા જિલ્લા પોલીસ વડા રોહન આનંદની સૂચના મુજબ વાડીનાર વિસ્તારમાં આવેલી એસ્સાર કંપની ખાતે ઇન્ચાર્જ પી.આઇ. અરવિંદસિંહ જાડેજા તથા એસ.ડી.એમ. ડીસી. જોશીએ ખાસ મુલાકાત લીધી હતી. એસ્સારની લેબર કોલોની ખાતે અધિકારીઓએ ખાસ બેઠક યોજી પરપ્રાંતિય મજૂરોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી. ખંભાળિયા તાલુકા ઉપરાંત રાજ્યમાં શ્રમિકો સલામત છે. તેઓ કાયદેસરના ધંધા-રોજગાર કોઇપણ પ્રકારના ભય વગર કરી શકે છે, તેવી હૈયા ધારણા આપી, જરૂર પડયે જિલ્લા પોલીસ તથા વહીવટી તંત્રનો સંપર્ક સાધવા માટે અપીલ કરી હતી.
અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં વસવાટ કરતા 80 પરપ્રાંતિયો ડરના માર્યા વતનની વાટ પકડી લીધી છે. ત્યારે મોડાસા શહેર સહિત જિલ્લામાં ધંધા-રોજગારના સ્થળે અને રહેણાંક વિસ્તારોમાં રહેતા પરપ્રાંતીયોને જિલ્લા પોલીસતંત્ર દ્વારા સઘન સુરક્ષા પૂરી પાડવાની સાથે સતત પેટ્રોલિંગ હાથ ધરી પરપ્રાંતીય લોકો અને શ્રમિકોની મુલાકાત કરી કોઇપણ પ્રકારની અસલામતી ન અનુભવવા જણાવ્યું હતું. પોલીસ તેમની સાથે હોવાનો સધિયારો પણ આપ્યો હતો અને સ્થળાંતર ન કરવા આત્મવિશ્વાસ આપવામાં આવ્યો હતો.
વડોદરા: વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા પરપ્રાંતિયોની હિજરત રોકવાના સઘન પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. જેમાં આજે બપોરે પ્લેટ ફોર્મ નં.7 પર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ સહિત પોલીસ કાફલો દોડી આવ્યો હતો. વડોદરાથી હિજરત કરી પોતના વતન જવા ઇચ્છુક પર પ્રાંતિય શખ્સોને સમજાવ્યા બાદ સલામતી પૂરી પાડવાની બાંહેધરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
 
પ્રાંતવાદમાં કોંગ્રેસનો હાથ નહીં પણ તમારી નિષ્ફળતા છે: ધાનાણી
અમદાવાદ, તા.10:ગુજરાતમાં પરપ્રાંતીઓમાં રહેલા ડરને લઇને વિધાનસભામાં વિરોધપક્ષના  નેતા પરેશ ધાનાણીએ મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીને પત્ર લખ્યો છે,  પરેશ ધાનાણીએ લખ્યું  છે કે, પરપ્રાંતીઓની હિજરતથી  કારખાનાઓ અને મધ્યમ ઉદ્યોગોનો કચ્ચરઘાણ વળી જશે. તેઓએ ગુજરાતમાંથી પરપ્રાંતીઓના  પલાયનવાદ પાછળ કોંગ્રેસનો કોઇ હાથ નથી તેમ સ્પષ્ટ કર્યુ છે. પરપ્રાંતીયો પર હુમલો એ  સરકારની નિષ્ફળતા અને બેરોજગાર યુવાનોના રોષનું પ્રતિબિંબ છે.
 
 
અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે, પરપ્રાંતિયોના સંગઠન સાથે કરશે બેઠક
અમદાવાદ, તા.10: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આવતીકાલે ગુજરાતની  મુલાકાતે આવી રહ્યા છે. અમિત શાહ પરપ્રાંતીયોઓના સંગઠન સાથે મુલાકાત કરી શકે છે. આ ઉપરાંત અમિત સાહના પૈતૃક ગામના સ્થાનિક મંદિરમાં પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં અમિત શાહ પોતાના પરિવાર સાથે હાજરી આપશે. 
 
પરપ્રાંતિયોમાં વિશ્વાસ સંપાદિત કરવા અમદાવાદમાં ફ્લેગ માર્ચ
અમદાવાદ, તા.10: રાજ્યમાં ઠેર ઠેર પરપ્રાંતીયો પર હુમલાના બનાવો સામે આવ્યા હતા જેનાં પરિણામ સ્વરૂપે રાજ્યમાંથી આશરે 50 હજાર જેટલા પરપ્રાંતીયો પોતાના વતનમાં સ્થળાંતર કરી ગયા છે. બીજી તરફ સરકારે પરપ્રાંતીયોને સુરક્ષાની ખાતરી આપી હતી.
આ માટે પરપ્રાંતીયોને વિશ્વાસમાં લેવા માટે મંગળવારથી જ પોલીસ તેમજ વહીવટી અધિકારીઓ રેલવે સ્ટેશનો અને બસ સ્ટેશનો પર જઇને પરપ્રાંતીયોને મળીને તેમની સાથે વાતચીત કરી રહ્યા છે.
આ મામલે હવે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ પણ સક્રિય થયું છે. પરપ્રાંતીયોમાં વિશ્વાસ સંપાદિત થાય તે માટે આરએસએસે વિવિધ કાર્યક્રમો આપવાની જાહેરાત કરી છે. અમદાવાદનાં
58 સ્થળો પર મૌન પાળીને એવો સંદેશો આપવાનો પ્રયાસ કરવામાં આવશે કે પરપ્રાંતના લોકો પણ આપણા બંધુઓ છે. દરમિયાન સાઈબર ક્રાઈમે વધુ 9ƒu ધરપકડ કરી છે.  પરપ્રાંતીયોને સ્થળાંતર કરતા રોકવા તેમજ તેમને વિશ્વાસમાં લેવા માટે અમદાવાદ પોલીસે ફરી એકવાર ફ્લેગમાર્ચ કરી છે. જે વિસ્તારોમાં સૌથી વધારે ઉત્તરપ્રદેશ અને બિહારના મજૂરો કામ કરે છે તેવા નરોડા, કાગડાપીઠ, વટવા, નારોલ જેવા વિસ્તારોમાં પોલીસે ફ્લેગ માર્ચ યોજી છે. આ ફ્લેગ માર્ચમાં પોલીસના 20±u વધારે વાહનો તેમજ  ઉચ્ચ પોલીસ અધિકારીઓ જોડાયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer