સુરત-ભાવનગરમાં બંડ; સેંકડો શાળાઓ ચાલુ રહી

સુરત-ભાવનગરમાં બંડ; સેંકડો શાળાઓ ચાલુ રહી
રાજકોટમાં સજ્જડ વેકેશનનો દાવો, પણ
CBSEની આડમાં કેટલીક શાળાઓ ચાલુ
 
જો ચેકિંગમાં ઢીલ જણાશે તો પાછલે બારણે શાળાઓ ચાલુ કરી દેવાની તૈયારી, તાલુકા લેવલે છૂટ્ટો દૌર
સુરત, રાજકોટ, તા. 10: ગુજરાત બોર્ડ સંલગ્ન શાળાઓને આ વર્ષથી નવરાત્રિ વેકેશન ફરજિયાત રાખવાના રાજ્ય સરકારના નિર્ણયને પગલે સુરતમાં શાળા સંચાલકોએ વિરોધનું બ્યુગલ ફૂંક્યુ છે. જ્યારે રાજકોટમાં સરકારના ફરમાનની પુરી દરકાર લઈને શાળાઓએ સજ્જડ વેકેશન રાખ્યાના દાવા વચ્ચે અનેક શાળાઓ ચાલુ રહી હતી. જો કે સુરત-ભાવનગર સહિતના જિલ્લામાં ચાલુ રહેલી શાળાઓ સામે કોઈ પગલાં લેવાયા નથી. આવતીકાલ ગુરુવારે પણ રાજ્યમાં શાળાઓ ચાલુ રહેશે તો રાજકોટની શાળાઓ પણ ચાલુ રાખવાની મંજુરી સંચાલક મંડળ દ્વારા માગવામાં આવશે.
 સુરતમાં શહેરની સ્વનિર્ભર 400 શાળાઓના સંચાલકોએ શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવાનો નિર્ધાર કર્યો છે. રત્નકલાકારોના ર1 દિવસના દિવાળી વેકેશન અને નવરાત્રિ વેકેશનને કારણે બાળકોના શાળાના વેકેશન વચ્ચે 10 દિવસનો તફાવત ઉભો થતો હોવાથી સૌરાષ્ટ્રની વસતી  ધરાવતા વરાછા, કતારગામ, વેડરોડ વિસ્તારની સેંકડો શાળાઓ આજે ચાલુ રહી હતી. રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અજય પટેલે જણાવ્યું હતું કે ભાવનગરમાં પણ કેટલીક શાળાઓ ચાલુ રહી હતી.
 જો આવતીકાલે પણ આવી જ સ્થિતિ રહી અને શાળાઓ ચાલુ રહેશે તો રાજકોટ શાળા સંચાલક મંડળ દ્વારા પણ સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવાની મંજૂરી શિક્ષણ મંત્રાલય સમક્ષ માગવામાં આવશે. જો કે સરકારની મંજૂરી ન મળે ત્યાં સુધી કોઈ કાળે સ્કૂલો શરૂ નહીં કરવામાં આવે તેમ તેમણે ઉમેર્યું હતું.
 દરમિયાન રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે શહેરભરની ગુજરાત બોર્ડ સંલગ્ન તમામ શાળાઓ બંધ રહી હતી. એકલ-દોકલ શાળાઓએ બારમાં ધોરણની સાપ્તાહિક પરીક્ષા યોજવા વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા. જે અંગે જે-તે શાળાને મૌખકિ સૂચના આપવામાં આવી હતી. શહેરના યુનિવર્સિટી રોડ, દોઢસો ફુટ રિંગ રોડ સહિતના વિસ્તારમાં ઈન્સ્પે્ક્શન કરવામાં આવ્યું હતું. આવતીકાલથી તમામ શાળાઓને વેકેશન રાખવા કડક સૂચના આપવામાં આવશે. નોંધનીય છે કે શહેર સ્તરે પણ ડીઈઓ પુરતા ઈન્સ્પેક્શનમાં પહોંચી શકતી નથી ત્યારે તાલુકા લેવલે શાળાઓને છૂટ્ટો દૌર મળી ગયો છે. આવાં  સમયે ડીઈઓ હાલ ગાંધીનગર મિટીંગમાં વ્યસ્ત છે !
 બીજી તરફ રાજકોટ શહેરમાં સીબીએસઈની આડમાં તેમજ સરકારના ફરમાનને અવગણી અનેક શાળાઓ રાબેતા મુજબ ચાલુ રહી હતી. કોઈ શાળાએ વિદ્યાર્થીઓને યુનિફોર્મ વગર આવવાની સૂચના આપી હતી. જો તપાસમાં ઢીલ જણાશે તો બે દિવસમાં ખુલ્લેઆમ શાળાઓ શરૂ કરી દેવામાં આવે તેવી તૈયારી અંદરખાને ચાલી રહી છે.
 વિચારવાની વાત છે કે વિદ્યાર્થીઓને વેકેશન છે છતાં શિક્ષકોને મોટાભાગની સ્કૂલોએ રજા આપી નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer