આશ્ચર્ય ! શ્રાદ્ધપક્ષમાં 2839 દસ્તાવેજ નોંધાયા

આશ્ચર્ય ! શ્રાદ્ધપક્ષમાં 2839 દસ્તાવેજ નોંધાયા
સૌથી વધુ દસ્તાવેજ ઝોન-2માં 776 થયા
પિતૃમાસમાં દસ્તાવેજ કરાયા!

રાજકોટ,તા.10 : ગઇકાલ તા.9 ઓકટોબર મંગળવારે પિતૃઓનું શ્રાધ્ધપક્ષ પુરૂ થયું. સામાન્ય રીતે શ્રાધ્ધ પક્ષના 15 દિવસ પિતૃઓના ગણાય છે અને તેમાં શુભકાર્યો થતાં નથી પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ શ્રાધ્ધપક્ષના 15 દિવસ દરમિયાન રાજકોટ શહેરમાં જમીન- મકાન વેંચાણ સહિતના 2839 દસ્તાવેજો નોંધાયા છે.
આ વખતે તા.26-9 થી તા.9-10-18 સુધી શ્રાધ્ધપક્ષના દિવસો હતા. આ 14 દિવસો દરમિયાન રાજકોટની જુદી જુદી 8 સબ રજિસ્ટ્રાર કચેરીમાં જમીન- મકાન ખરીદ- વેંચાણના દસ્તાવેજ, સાટાખત, બેન્ક લોન માટે મોરગેજ કે વીલ કરવા જેવા મહત્ત્વના કાર્યો રૂટીન મુજબ ચાલ્યા તેમાં શ્રાધ્ધપક્ષને કારણે ઓટ આવી નથી.
રાજકોટ શહેર ઝોન-1ના સબ રજિસ્ટ્રાર મયુર રાજ્યગુરૂએ આપેલી જાણકારી મુજબ શ્રાધ્ધપક્ષને લીધે એમની કામગીરીમાં જરાય ઘટાડો થયો નથી. જાણે હવે કોઇ શ્રાધ્ધપક્ષ પાળતું નથી એવું લાગે છે.
તેમણે કહ્યું કે આ દસ્તાવેજોમાં જમીન- મકાન- ફલેટ- દુકાન ખરીદીના દસ્તાવેજો થતાં હોય છે. ઉપરાંત સાટાખત પણ થતાં હોય છે. આ જ રીતે બેન્ક લોન માટેની મોરગેજ કે વીલ વારસાની નોંધણી પણ અહી થાય છે.
રાજકોટ શહેર અને આસપાસના ગામડાના બનેલા સબ રજિસ્ટ્રારના 8 ઝોનમાં એવરેજ 200 જેટલા દસ્તાવેજો નોંધાય છે. શ્રાધ્ધના આ 14 દિવસોમાં પણ આ એવરેજ જળવાઇ રહી હતી.
સૌથી વધુ દસ્તાવેજ રાજકોટ શહેરના વોર્ડ નં.11, 12, 13, 17 અને 18ના બનેલા ઝોન નં.2માં થાય છે. ત્યાં આ શ્રાધ્ધ પક્ષ દરમિયાન 14 દિવસમાં 776 દસ્તાવેજો નોંધાયા છે. એટલે દરરોજના 55 થી વધુ દસ્તાવેજો આ એક જ ઝોનમાં નોંધાયા છે.
રાજકોટ શહેરના વોર્ડ નં.1 થી 10 આવે છે એ રાજકોટ શહેરના ઝોન નં.1માં આ 14 દિવસ દરમિયાન 430 દસ્તાવેજો નોંધાયા હતા.
ઝોન નં.3 આ દિવસોમાં દસ્તાવેજ નોંધવામાં પણ ત્રીજા સ્થાને છે. તેમાં વોર્ડ નં.14-15 અને 16 આવે છે. તેમાં 14 દિવસમાં 356 દસ્તાવેજની નોંધણી થઇ છે.
ફકત મવડી વિસ્તાર આવે છે એ ઝોન નં.6માં આ શ્રાધ્ધના દિવસોમાં 307 દસ્તાવેજો નોંધાયા છે.
રૈયા, મુંજકા, વાજડી જેવા ગામો આવે છે. તે ઝોન 4માં આવે છે. ત્યાં આ શ્રાધ્ધ પક્ષના દિવસો દરમિયાન 287 દસ્તાવેજો નોંધાયા છે. જ્યારે નાનામવા- મોટા મવાના બનેલા ઝોન-5માં 230 દસ્તાવેજ નોંધાયા છે.
વાવડી વિસ્તારના બનેલા વોર્ડ નં.7માં 228 દસ્તાવેજો નોંધાયા છે. તો રાજકોટ આજુબાજુની ખેતીવાડીની જમીનના વોર્ડ નં.8માં 668 દસ્તાવેજ નોંધાયા છે. આમ, શ્રાધ્ધપક્ષમાં પિતૃકૃપા ગણીને પણ 2839 દસ્તાવેજો નોંધાયા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer