#Me Too મૈં ચૂપ નહીં રહુંગી !

#Me Too મૈં ચૂપ નહીં રહુંગી !
મહિલા આયોગ તમામ ફરિયાદોની તપાસ કરશે
આરોપનાં સિલસિલામાં હવે રણતુંગા અને રોહિત રોય પણ સપડાયો
કૈલાશ ખેર, આલોકનાથ સામે નવા આરોપ
અકબરનું રાજીનામું માગતો કોંગ્રેસ
નવીદિલ્હી, તા.10 : જાતીય ઉત્પિડન અને શોષણ વિરુદ્ધ દુનિયાનાં અનેક હિસ્સામાં વિવાદોનાં ચક્રવાત સર્જી દેનાર ‘મી ટૂ’ ઝુંબેશ હવે ભારતમાં ઝંઝાવાત સર્જી રહી છે. જુદાજુદા ક્ષેત્રમાંથી એક પછી એક મહિલાઓ પ્રતાપ દેખાડવા લાગી છે અને આમાં એક ડઝન જેટલા પ્રતિષ્ઠિત નામો ઉપર કાલિમા લીપાઈ ગઈ છે. એક બાજુ મહિલા આયોગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે તો બીજીબાજુ કાનૂની કાર્યવાહીની ચિમકીઓનો, રાજીનામાની માગણીનો અને માફામાફીનો દોર પણ શરૂ થયો છે.
આ સંવેદનશીલ મામલે ચોમેરથી યૌન દુરાચાર વિરોધી ઉઠેલા અવાજો વચ્ચે રાષ્ટ્રીય મહિલા આયોગ પણ હરકતમાં આવી ગયું છે અને આવા જેટલાં પણ કિસ્સાઓ સામે આવ્યા છે તે તમામની તપાસ તે કરવાનું છે. આનાં માટે જાહેરમાં આવીને ખુલાસો કરનારી મહિલાઓનો તેનાં દ્વારા સંપર્ક પણ સાધવામાં આવ્યો છે. નાના પાટેકર સામે આરોપ લગાવનાર તનુશ્રી દત્તાએ તો પોતાની ફરિયાદને લગતો 40 પાનાનો દસ્તાવેજ મહિલા આયોગ અને પોલીસને સુપરત કરી દીધો છે. ફિલ્મી હસ્તીઓ, પત્રકાર અને લેખક ઉપરાંત રાજકારણમાંથી એમ.જે. અકબર સામે પણ આવા ગંભીર આક્ષેપો થતાં રાજકારણમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે અને કોંગ્રેસે કેન્દ્રીય મંત્રી પદેથી અકબરનાં રાજીનામાની માગણી કરી છે. તો બીજીબાજુ આવા આક્ષેપોથી ઘેરાયેલા વિકાસ બહલે અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાની સામે કાનૂની નોટિસો કઢાવી છે. આવી જ રીતે આલોક નાથે પોતાની સામેનાં બળાત્કારનાં આરોપોને ખોટા ગણાવીને વિંતા નંદા સામે કાનૂની કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે. જો કે આલોક નાથની કઠણાઈ ઘટવાને બદલે વધવામાં છે. કારણ કે આજે સંધ્યા મૃદુલે પણ તેની સામે યૌન પજવણીનાં નવા આરોપ લગાવીને સૂસવાટો બોલાવી દીધો છે. એક ફોટો જર્નાલિસ્ટ બાદ ગાયિકા સોના મહાપાત્રાએ પણ કૈલાશ ખેર સામે છેડછાડનો આરોપ લગાવ્યો છે. ત્યારે ખેરે પણ મહિલાઓ માટે આદર વ્યક્ત કરતાં માફી માગી લીધી હતી. આ બધા વચ્ચે આજે ખેલજગત પણ સાણસામાં આવી ગયું હતું. એક ભારતીય એરહોસ્ટેસે શ્રીલંકાનાં પૂર્વ કપ્તાન અર્જૂન રણતુંગા સામે પણ ગંભીર આરોપ લગાવ્યા છે. તો વિકાસ બહલ આવા આરોપોમાં ફસાયા બાદ તેને ‘83’નામક ફિલ્મથી હાથ ધોવાનો વારો આવ્યો છે. અભિનેતા રોહિત રોય સામે પણ કોઈ અજ્ઞાત મહિલાએ સોશિયલ મીડિયાનાં માધ્યમથી આવા જ આરોપ લગાવ્યા છે. કોમેડિયન અદિતિ મિત્તલ સામે તો એક મહિલાએ જ આવા જાતીય સતામણીનાં આરોપ મુક્યા છે.

ચેતન ભગત
બે મહિલા પત્રકારોએ લેખક ચેતન ભગત સામે શોષણનાં આરોપ લગાવ્યા
નાના પાટેકર
તનુશ્રી દત્તાએ નાના સામે આરોપ દોહરાવીને ભારતમાં મી ટૂ ઝુંબેશને મોટી જુવાળમાં પલટાવી દીધી. તનુશ્રી હવે તપાસ માટે પોતાના તરફથી દસ્તાવેજો આપી ચૂકી છે.
અભિજીત ભટ્ટાચાર્ય
ગાયક અભિજીત સામે એક ફ્લાઈટ એટેન્ડન્ટે કોલકાતાનાં એક પબમાં પજવણીનાં આરોપ લગાવ્યા છે.
વિકાસ બહલ
એક ફિલ્મનાં પ્રચાર દરમિયાન તેના કાર્યદળની એક મહિલા સાથે દુરાચારનો આરોપ
ગૌરાંગ દોષી
ત્રી ફિલ્મની અભિનેત્રી ફ્લોરા સૈનીએ નિર્માતા ગૌરાંગ દોષી ઉપર ઉત્પિડનનો આરોપ લગાવ્યો છે.
ઉત્સવ ચક્રવર્તી અને તન્મય ભટ્ટ
એઆઈબી ફેઈમ ચક્રવર્તી ઉપર છેડછાડ અને તન્મય ભટ્ટ સામે ગુરસિમરન ખાંબા સામે ભાવનાત્મક અત્યાચાર ઉપર પડદો પાડવાનો આરોપ.
વૈરામુથુ
 ગાયિકા ચિન્મયી શ્રીપદાએ કવિ, લેખક ગીતકાર વૈરામુથુ ઉપર શોષણનો આરોપ મુક્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer