રાફેલની સુનાવણીનું સુપ્રીમમાં ટેકઓફ

રાફેલની સુનાવણીનું સુપ્રીમમાં ટેકઓફ
29 ઓક્ટોબર સુધીમાં સીલબંધ કવરમાં  ખરીદ પ્રક્રિયાની વિગતો પહોંચાડવા આદેશ : 31મીએ ફરી સુનાવણી

નવી દિલ્હી, તા. 10 : રાફેલ સોદામાં અનિયમિતતાના કોંગ્રેસના આક્ષેપ બાદ વિવાદ વચ્ચે હવે સુપ્રીમ કોર્ટે રાફેલ મુદ્દે થયેલી અરજીઓની સુનાવણી શરૂ કરી છે. જેમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર સમક્ષ રાફેલની ખરીદ પ્રક્રિયાની પૂરી જાણકારી કોર્ટમાં રજૂ કરવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી સીલબંધ કવરમાં રાફેલ જેટની ખરીદીને લઈને ફ્રાન્સની ડસોલ્ટ એવિએશન સાથે કરાર પહેલા જે નિર્ણય કરવામાં આવ્યો હતો તેની વિગતો મંગાવી છે તેમજ આ વિગત 29 ઓક્ટોબર સુધીમાં કોર્ટમાં જમા કરાવવા આદેશ થયો છે. હવે આ મામલે આગામી 31મી ઓક્ટોબરના રોજ સુનાવણી થશે.
રાફેલ જેટની કિંમત ઉપર સરકાર ઉપર ગંભીર આરોપો થઈ રહ્યા છે અને આ જ કારણથી વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.  જો કે ખંડપીઠે સ્પષ્ટતા કરી છે અને કોર્ટ અરજીમાં કરેલા આરોપોને ધ્યાને લઈ રહી નથી. રાફેલ સંબંધિત અરજી ઉપર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કોઈપણ નોટિસ જારી કર્યા વિના કેન્દ્ર પાસેથી સોદાની પૂરી જાણકારી માગી હતી. મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ કે કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફની ખંડપીઠે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ડિફેન્સ ફોર્સ માટે રાફેલ વિમાના ઉપયોગ અંગે કોઈ મત વ્યક્ત કરવામાં આવી રહ્યો નથી. ખંડપીઠે ઉમેર્યું હતું કે, તેઓ સરકાર માટે કોઈ નોટિસ જારી કરી રહ્યા નથી પણ માત્ર ચૂકાદો આપવાની પ્રક્રિયાની વૈધતાથી સંતુષ્ટ થવા માગે છે. આ સાથે એમ પણ કહ્યું હતું કે,રાફેલ ડીલની ટેક્નીકલ વિગત અને કિંમત અંગે પણ કોઈ જાણકારી માગવામાં આવી નથી.
બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા રાફેલ સોદા મામલે કરવામાં આવેલી અરજીઓને રદ કરવાની માગણી કરી હતી. કેન્દ્રએ દલીલ કરી હતી કે, રાજનીતિક ફાયદા માટે રાફેલ ઉપર જનહિતની અરજી કરવામાં આવી છે. એટોર્ની જનરલે કોર્ટ સમક્ષ કહ્યું હતું કે, રાફેલ સોદો રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો છે અને આવા મુદ્દાની ન્યાયીક સમીક્ષા થઈ શકતી નથી. બીજી તરફ કોંગ્રેસ નેતા અને આરટીઆઈ કાર્યકર્તા તહસીન પુનાવાલાએ પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી. રાફેલ મામલે કોંગ્રેસ અનિયમિતતાનો આરોપ મુકી રહી છે. કોંગ્રેસનો આરોપ છે કે, સરકાર 1670 કરોડ રૂપિયા પ્રતિ વિમાનના દરે ખરીદી કહી છે જ્યારે યુપીએની સરકાર તેની કિંમત 526 કરોડ રૂપિયા નક્કી કર્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer