ગાંધી મ્યુઝિયમમાં તૈયારીઓને આખરી ઓપ

ગાંધી મ્યુઝિયમમાં તૈયારીઓને આખરી ઓપ
કૃત્રિમ લોન પાથરી ગ્રાઉન્ડમાં હરીયાળી ઉભી કરાઈ : ટિકિટબારી અને રેંટિયો પણ આકર્ષણનું કેન્દ્ર
રાજકોટ,તા.25 : શહેરમાં આવેલી મહાત્મા ગાંધી સ્કૂલના બિલ્ડીંગમાં મનપા દ્વારા રૂા.26 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાના મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યું છે. આગામી તા.30ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આ મ્યુઝિયમ ખુલ્લુ મૂકવામાં આવશે ત્યારે હવે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
મ્યુનિ.સૂત્રોના જણાવ્યાનુસાર હાલ મ્યુઝિયમની અંદરની તમામ કામગીરીઓ પૂર્ણ થઈ ચૂકી છે અને બહાર સાજ-સજાવટ સહિતની કામગીરી છેલ્લા તબકકામાં છે. મ્યુઝિયમને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું છે. પ્રવેશદ્વારની જમણી બાજુએ નાની કુટિરમાં ટિકીટ બારી બનાવવામાં આવી છે. ફરતે કૃત્રિમ લોન દ્વારા હરીયાળી ઉભી કરાઈ છે. અંદર બાઉન્ડ્રી ફરતે અવનવા રોપા વાવવામાં આવ્યાં છે. પેવીંગ બ્લોક પાથરવાની કામગીરી પણ પૂર્ણતા તરફ છે. સૌથી વિશેષ આકર્ષણ ગાર્ડનમાં ઉભો કરાયેલો ટ્રેક છે. કોર્પોરેશનને ટૂંક સમય પૂર્વે ભારતભરથી આવેલા કલાકારોના હસ્તે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવવાનો વર્કશોપ યોજોયો હતો જેમાં ગાંધીજીનો રેટીયો બનાવવામાં આવ્યો. આ રેટીયાને પણ મ્યુઝિયમ બહાર મૂકવામાં આવ્યો છે.3
સફાઈ-રસ્તા રીપેરીંગ પેઈન્ટીંગના કામો શરૂ
રાજકોટ તા.25 : આગામી તા.30મીએ વડાપ્રધાનના આગમનને પગલે મ્યુનિ.તંત્ર કામ કરતું થઈ ગયું છે. સફાઈ-ડામર તેમજ રીપેરીંગ અને પેઈન્ટીંગના કામો શરૂ થઈ ગયાં છે. શહેરીજનોની અસંખ્ય રજૂઆતો બાદ પણ જે રસ્તાઓ પરના ગાબડાઓ પૂરવામાં આવતા ન હતાં તે હવે પૂરાવા લાગ્યાં છે. રોડ ચોખ્ખા-ચણાક નજરે ચડી રહ્યાં છે તથા ડિવાઈડરને રંગ-રોગાન કરીને સુશોભિત કરવામાં આવ્યાં છે. વડાપ્રધાનના આગમન પૂર્વે શહેરની કાયાપલટ થઈ ચૂકી છે આ સિલસિલો સામાન્ય દિવસોમાં કેમ જળવાતો નથી તેવું જાગૃત નાગરિકોનું કહેવું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer