ગજાનનને આજે ભાવસભર વિદાય અપાશે

ગજાનનને આજે ભાવસભર વિદાય અપાશે

અગલે બરસ તુ જલ્દી આ ના નાદ સાથે
રાજકોટ: શહેરમાં વિવિધ પંડાલમાં બિરાજતાં, ઘરમાં પધરાવેલ ગજાનન ગણપતિજીનાં મહોત્સવનાં છેલ્લા દિવસે રવિવારે શ્રદ્ધા-આસ્થાભેર વિદાય અપાશે.
શહેરમાં 10 દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં શેરીએ ગલીએ ગણેશ મહોત્સવ ઉજવાયો છે.
ગણપતિ બાપાની સ્થાપના, મહાપૂજા, મહાઆરતી સહિતનાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતો. ભાવિકોએ દિવ્ય દર્શનનો લાભ લીધો હતો. શહેરીજનો દાદાનાં દર્શન સાથે વિવિધ કાર્યક્રમોમાં હોંશભેર જોડાયા હતાં.
સામાજિક, ધાર્મિક સંસ્થાઓ દ્વારા પંડાલોમાં ગણપતિ મહોત્સવ યોજાયો હતો. દસ દિવસીય આરાધનાં બાદ આસ્થાનાં આરાધ્ય દેવને ગણપતિ બાપા મોરિયા અગલે બરસ ત જલદી આ ના નાદ સાથે ગણપતિ દાદાને અશ્રુભીના નયને વિદાય અપાશે.
ત્રિકોણબાગ કા રાજા
રાજકોટમાં છેલ્લા 19 વરસથી ભક્તિ અને સમર્પણ ભાવથી શહેરની મધ્યમાં યોજાતા લોકપ્રિય જાજરમાન ત્રિકોણબાગ કા રાજા ગણપતિ મહોત્સવનું સમાપન થશે. અંતિમ દિવસે સત્યનારાયણ ભગવાનની કથા, રાસોત્સવમાં વિજેતા ખેલૈયાઓને બિરદાવવામાં આવશે. ગણપતિ મહોત્સવમાં સેવાકર્મીનું સન્માન થશે. રવિવારે સવારે ત્રિકોણબાગ કા રાજાની પૂર્ણાહુતિ, પૂજા અને વિસર્જન યાત્રા નીકળશે. જેમાં જીમ્મીભાઇ અડવાણી સહિતનાં સેવાકર્મીઓ જોડાશે.
રાજકોટ કા રાજા
મધુવન કલબ આયોજિત રાજકોટ કા રાજા ગણપતિ મહોત્સવમાં 40 હજારથી અધિક ભાવિકોએ અમરનાથ બાબાનાં દર્શનનો લ્હાવો લીધો હતો. 340 ફૂટ લાંબી અમરનાથ દાદાની ગુફા બનાવી હતી. શનિવારે યોજાયેલ ગણપતિ સંધ્યા કાર્યક્રમમાં ભાવિકોએ ભક્તિરસ માણ્યો હતો. 550 કિલોથી વધુ ફૂલો વડે મહા શયન આરતી કરાઇ હતી. રવિવારે વહેલી સવારે ગણપતિજીની વિદાય આપતી વિસર્જન યાત્રા યોજાઇ છે. જેમાં આશિષભાઇ વાગડિયા, રાજભા ઝાલા, રાજુભાઇ કિકાણી સહિતનાં જોડાશે.
બ્રહ્મ સેના
ગણેશ ઉત્સવ પર્વ સમગ્ર રાષ્ટ્ર, રાજ્ય શહેર, ગ્રામ્ય પરિવાર ક્ષેત્રે ઉજવણી થઇ રહી છે. આસ્થા ભક્તિ, પૂજા-અર્ચન સાથે સ્વયંતા, શાંતિ અને સહકારથી દાદાને વિદાય આપવા સહભાગી  થઇ સરકાર તંત્ર સંસ્થાઓનાં સહકાર આપવા બ્રહ્મસેનાએ અનુરોધ કર્યો છે.
બ્રહ્મસેના દ્વારા ‘ગણેશ ઉત્સવ’ અંતર્ગત દાદાની વિદાયનું સ્વાગત કરી ગણેશજીને વિદાય આપશે.
જીવનનગર સમિતિ
જીવનનગર વિકાસ સમિતિ, ગણપતિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં. 10 જાગૃત નાગરિક મંડળ, રામેશ્વર મહાદેવ મંદિર સમિતિ અને મહિલા સંત્સગ મંડળનાં સંયુકત ઉપક્રમે જીવનનગર પાલિકાનાં મેયર સહિત પદાધિકારીઓ, વોર્ડ નં. 10 હોદેદારોએ ભાગ લઇ મહિલા મંડળની ઉત્કૃષ્ઠ કામગીરીની પ્રશંસા કરી હતી. સમિતિ સામાજિક, સેવાકીય, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર છે તેવો સૂર વ્યકત કરાયો હતો. મેયર બીનાબેન આચાર્યએ સ્પર્ધાનાં વિજેતાઓના ઇનામ કાર્યક્રમનું દીપ પ્રાગટય કરી વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા.
આજી નદીમાં ગણેશ વિસર્જનની તૈયારી
ગણેશ મહોત્સવના વિરામની ઘડી આવી પહોંચી છે. કાલે રવિવારે ભક્તો દ્વારા દૂંદાળા દેવની મૂર્તિઓનું વાજતે-ગાજતે જળમાં વિસર્જન કરવામાં આવશે. મ્યુનિ.તંત્ર દ્વારા નિયત કરાયેલા વિસર્જન સ્થળો પૈકી આજી નદી પાસે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યાં છે. અહીં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નદી આસપાસ બેરીકેટ્સ ઉભા કરાયાં છે. (નિશુ કાચા)
વિમલનગરમાં અન્નકૂટોત્સવ
યુનિવર્સિટી રોડ ઉપર વિમલનગર શેરી નંબર ચાર ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોમ્પ્યુટર સાયન્સ ભવનના વડા ડે. ચંદ્રેશભાઇ કુંભારાણા અને હીનાબહેન દ્વારા ઉમંગભેર ગણેશોત્સવ ઉજવાય છે. સોસાયટીની મહિલાઓ ભૂમિ ચુડાસમા, સંધ્યા મોઢા, ટીના રુપારેલ, ડોલી જાડેજા, ઇલાબહેન રોજિવાડિયા વગેરે વ્યવસ્થામાં છે. મહિલા વૃંદે ભાવસભર રીતે અન્નકૂટોત્સવ યોજી તમામ ભાવિકોને પ્રસાદ આપ્યો હતો.  રોજ ઉલ્લાસભર્યા વાતાવરણમાં ધાર્મિક કાર્યક્રમો થયા છે.
અક્ષરનગરમાં ભક્તિમય વાતાવરણ
અક્ષરનગરમાં હિના/નિશા કા રાજા નામે ગણપતિજીની આરાધના થઇ રહી છે. યંગ ગ્રુપના નામે પાંચાભાઇ રબારી, વિનોદભાઇ દેવમુરારી, મનસુખભાઇ ચૌહાણ, જયદીપસિંહ ચૌહાણ, ભરતભાઇ, જગદીશભાઇ આહિર વગેરેએ વ્યવસ્થા સંભાળી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer