ગાંધી જયંતીએ પ્રભાતફેરી, સાંજે ગાંધીને પ્રિય ભજનો યોજવા ફરમાન

ગાંધી જયંતીએ પ્રભાતફેરી, સાંજે ગાંધીને પ્રિય ભજનો યોજવા ફરમાન

ઋજુ હૃદયના રાષ્ટ્રપિતાની 1પ0મી જન્મજયંતી ઉજવવા કડકાઈની ભાષા
રાજકોટ કલેક્ટરના પરિપત્રની અમલવારી કરવા જિલ્લાની કોલેજોને યુનિ.ની તાકીદ
રાજકોટ, તા. રર: રાષ્ટ્રપિતા મહત્મા ગાંધીની 1પ0મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા કરાયેલા ફરમાન અન્વયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન રાજકોટ જિલ્લાની કોલેજોને પ્રભાતફેરી યોજવા, ગાંધી પ્રિય ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજવા તાકીદ કરી છે. કરૂણાસભર સંવેદનશીલ રાષ્ટ્રપિતાની જન્મ જયંતી ઉજવવા યુનિવર્સિટી દ્વારા કડકાઈની ભાષામાં તાકીદ કરાઈ છે.
 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રાજકોટ શહેર-જિલ્લાની સર્વે કોલેજોના આચાર્ય, માન્ય સંસ્થાના વડા તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સર્વે અનુસ્નાતક ભવનોના અધ્યક્ષ વગેરેને સંબોધીને જણાવાયું છે કે તા. ર ઓક્ટોબરના રોજ તમામ ગામો અને શહેરોમાં સવારના 7થી 8 દરમિયાન પ્રભાતફેરી અને 8થી 9 દરમિયાન સર્વધર્મ પ્રાર્થના સભા કરવાના રહેશે.
 જે દરમિયાન મહાત્મા ગાંધીના વિચારોનું વાચન કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા 1પથી ર0 મિનિટ કરવાનું રહેશે. મહાત્મા ગાંધીના વિચારો સિવાય અન્ય કોઈ પ્રવચનો રાખવાના રહેશે નહીં. સર્વધર્મ પ્રાર્થના બાદ સ્વચ્છતા પખવાડિયા દરમિયાન સફાઈ કરેલા સૌથી ગંદા વિસ્તારોની મહાનુભાવો દ્વારા મુલાકાત લઈ આ વિસ્તારો કાયમી સ્વચ્છ રહે તે માટેનો સંદેશો આ વિસ્તારના રહીશોને સમજાવવા અંગેના કાર્યક્રમો કરવાના રહેશે.
 તા. ર ઓક્ટોબરના રોજ સાંજના સમયે જિલ્લા કક્ષાએ મહાત્મા ગાંધીને પ્રિય એવા ભજનો અંગે સંગીત સંધ્યાના કાર્યક્રમો યોજવાના રહેશે.
આફ્રેડ હાઈસ્કૂલમાં યોજાશે કાર્યક્રમો
ગાંધીજી જ્યાં અભ્યાસ કરતા તે આફ્રેડ હાઈસ્કૂલમાં સવારે 7થી 8 પ્રભાતફેરી, 8થી 9 સર્વધર્મ પ્રાર્થના સભા, 9થી 10 સ્વચ્છતા સંદેશો તેમજ સાંજે 8થી 10 આશ્રમ ભજનાવલીનો કાર્યક્રમ યોજાશે જેની જાણ રાજકોટ શહેરની કોલેજોના આચાર્યો, યુનિવર્સિટી સંચાલિત ભવનોના વડા વગેરેને કરવામાં આવી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer