ખેડૂતોના હિતમાં કોઈપણ સંજોગોમાં ભાવાંતર યોજના શરૂ કરાવવા નિર્ણય

ખેડૂતોના હિતમાં કોઈપણ સંજોગોમાં ભાવાંતર યોજના શરૂ કરાવવા નિર્ણય
રાજકોટ યાર્ડમાં 26 યાર્ડના હોદ્દેદારો મળ્યા
કારોબારીની રચના કરાઈ, આગામી દિવસોમાં રણનીતિ બનાવાશે
રાજકોટ, તા. રર: ખેડૂતોને ભાવાંતર યોજનાનો લાભ અપાવવાના હેતુથી આજરોજ રાજકોટ માર્કેટીંગ યાર્ડ ખાતે સૌરાષ્ટ્રના કુલ ર6 યાર્ડના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક મળી હતી. જેમાં ખેડૂતોના હિતમાં કોઈપણ સંજોગોમાં ભાવાંતર યોજના શરૂ  કરાવવા નિર્ણય કરી આ માટે આગામી રણનીતિ ઘડી કાઢવા કારોબારી સમિતિની રચના કરાઈ હતી.
 ભાવાંતર યોજના એ કેન્દ્ર સરકારની યોજના છે. જેમાં ખેડૂતોને જણસના ટેકાના ભાવ ચૂકવવામાં આવે છે પરંતુ તેની પધ્ધતિ જુદી છે. અત્યારે કોઈ ખેડૂત ટેકાના ભાવે પાકનું વેચાણ કરે તેને આ રકમ મેળવવા માટે ચક્રવ્યુહના સાત કોઠા વિંધવા જેવી વચેટીયા, લાંબી લાઈનો સહિતની મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે. જ્યારે ભાવાંતર યોજનામાં ખેડૂત ટેકાનો ભાવ મેળવવા બજાર ભાવે માલ વેંચી દે છે અને ટેકાના ભાવની તફાવતની રકમ સીધી જ ખેડૂતના ખાતામાં સરકાર સીધી જ જમા કરી દે છે. દા.ત. સરકારે મગફળીનો ટેકાનો ભાવ 900 રૂ. જાહેર કર્યો. અને બજાર ભાવ 7પ0 રૂ. ચાલે છે. તો ભાવાંતર યોજના હેઠળ ખેડૂત ટેકાનો ભાવ મેળવવા બજાર ભાવે 7પ0 રૂ. લેખે યાર્ડમાં માલ વેંચ્યા બાદ તેના તફાવતના 1પ0 રૂ. સીધા જ તેના બેંક એકાઉન્ટમાં કોઈપણ વચેટીયાની મદદ વગર જમા થઈ જાય છે.
 આવી મહત્વપૂર્ણ યોજના મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં અમલમાં મુકાઈ ગઈ છે. ગુજરાત સરકારે તેનો સ્વીકાર કર્યો છે પરંતુ હજુ અમલવારી શરૂ કરાઈ ન હોવાનું રાજકોટ યાર્ડ પ્રમુખ અતુલ કામાણીએ જણાવી ઉમેર્યુ હતું કે ભાવાંતર યોજનાનો લાભ વહેલીતકે સૌરાષ્ટ્રના ખેડૂતોને મળે તે માટે આજની બેઠકમાં એકમત સધાયો હતો. તેમજ આ માટે બનાવેલી કારોબારીમાં અતુલ કામાણીને પ્રમુખ તથા ગોંડલ યાર્ડના મુકેશ સતાસીયાને ઉપપ્રમુખ બનાવી સભ્યોની વરણી કરાઈ હતી.
 આ સમિતિ દ્વારા આગામી દિવસોમાં ગુજરાતમાં ભાવાંતર યોજના શરૂ કરાવવા શ્રેણીબધ્ધ કાર્યક્રમો કરવામાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer