11 સિંહોના મોત મામલે કેન્દ્ર સરકાર ગંભીર; દિલ્હીથી ટીમ આવી

11 સિંહોના મોત મામલે કેન્દ્ર સરકાર ગંભીર; દિલ્હીથી ટીમ આવી
સામાન્ય માનવીની ભૂલથી સિંહને હાનિ થાય તો પોલીસ કેસ; વનતંત્રની બેદરકારી સામે કશું જ નહી ?
રાજકોટ, ધારી, ખાંભા તા.22 : ગીર જંગલમાં દલખાણિયા રેન્જમાં છેલ્લા 11 દિવસમાં 11 સિંહોના મૃતદેહ મળી આવ્યાની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. કેન્દ્ર સરકાર પણ સિંહોના સંખ્યાબંધ મોતને કારણે ગંભીર બની છે. આવા સમયે સ્થાનિક વિસ્તારોમાંથી વનતંત્રની બેદરકારીના આક્ષેપો, વનતંત્રની હદમાં ચાલતી અનેક ગેરકાયદે પ્રવૃત્તિઓ તરફ અંગુલીનિર્દેશ કરવા સાથે જવાબદારો સામે કડક પગલા લેવા માગણી ઉઠી છે.
કેન્દ્ર સરકારે આ ઘટનાની ગંભીર નોંધ લેતાં આજે કેન્દ્રીય વન વિભાગના અધિકારીઓ, નેશનલ ટાઇગર કન્ઝર્વેશન આથોરિટીના પ્રતિનિધિઓ, જોઇન્ટ ડાયરેક્ટર વાઇલ્ડ લાઇફના એઆઇજીએ ગુજરાતની ખાસ મુલાકાત લીધી હતી અને સ્થાનિક અધિકારીઓ તેમજ સરકારના સત્તાવાળાઓની પૂછપરછ કરી સમગ્ર પ્રકરણની જાત માહિતી મેળવી હતી. આગામી દિવસોમાં તેમના દ્વારા રાજ્યના વન વિભાગના અધિકારીઓ અને સરકારના સત્તાધીશોને જરૂરી નિર્દેશો કરાય તેમ માનવામાં આવે છે.
વેરાવળથી પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત પર્યાવરણ બચાવ સમિતિએ વનમંત્રી સહિતના ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી જવાબદારો સામે તાત્કાલિક પગલાં લઇ સસ્પેન્ડ કરવાની માગણી કરી હતી.
સરકાર એશિયાટિક લાયનના સંરક્ષણ માટે દર વર્ષે કરોડોની ગ્રાંટ ફાળવે છે. અદ્યતન એનિમલ કેર હોસ્પિટલ આપી છે. છતાં સિંહોના સંખ્યાબંધ અકુદરતી મોત થાય તેની જવાબદારી સ્થાનિક ફોરેસ્ટ અધિકારીઓની જ હોય છે. જેની તપાસ કરી જે કોઇએ બેદરકારી દાખવી હોય તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા જણાવ્યું છે. કોઇ સામાન્ય માણસ કે ખેડૂતની ભૂલથી સિંહોનાં મોત થાય તો પોલીસ ફરિયાદ થાય છે. તો આ વનતંત્રના અધિકારીઓની બેદરકારી સામે પગલા કેમ નહીં? તેવા સવાલ ઉઠયાં છે.
ધારીથી પ્રાપ્ત વિગતો મુજબ સરસીયા વીડીમાં વર્ષોથી અનેક ગેરપ્રવૃત્તિઓ થાય છે. ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. જેમાં ખુદ વનકર્મીઓ દ્વારા જ ઘાસ વાઢવું, લાયન શો કરવા, ફોટોગ્રાફી, સેલ્ફી લેવી, ચંદનના લાકડાંની ચોરી, સિંહોના માત્ર હાડકાં જ મળવા જેવા ઘટનાક્રમો છતાં કોઇ કર્મચારી કે અધિકારીઓ ઉપર કાર્યવાહી થઇ નથી ત્યારે 11 સિંહોના મોતની તપાસ પણ રફેદફે કરવામાં માહેર એવા અધિકારીઓને સોંપવામાં આવી હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે.
સ્થાનિક અધિકારીઓએ આઠ સિંહોના મોત ફેફસામાં ઇન્ફેકશનથી થયાનું જણાવ્યું છે. જ્યારે ગાંધીનગર વન વિભાગ આ મોતને ઇનફાઇટમાં ખપાવે છે. આમ બંન્નેના નિવેદનો વિરોધાભાસી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer